Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

નોકરીએ જવા નીકળેલા હેડકવાર્ટરના પીએસઆઇ અઘામ માટે સીટી બસ કાળ બનીઃ પરિવારમાં માતમ

મોચીનગરથી હેડકવાર્ટર ફરજ પર જતા'તાઃ પત્નિ હસીનાબેનને શાકભાજી લેવા હોઇ તે પણ સાથે બાઇકમાં બેઠા'તાઃ તેમને પગમાં ત્રણ ફ્રેકચરઃ પીએસઆઇ છ માસ બાદ નિવૃત થવાના હતાં

રાજકોટ તા. ૯: બજરંંગવાડી શિતલપાર્ક નજીક ટ્રાફિક પોલીસના ટોઇંગ સ્ટેશન પાસેના રોડ પર ગત સાંજે સીટી બસે પાછળથી બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક પોલીસ હેડકવાર્ટરમાં બેન્ડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હસનભાઇ આમદભાઇ અઘામ (ઉ.વ.૫૮) અને તેમના પત્નિ હસીનાબેન (ઉ.વ.૫૫) ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ પીએસઆઇ એચ. એ. અઘામનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નિને પગમાં ત્રણ ફ્રેકચર થઇ જતાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઘરેથી નોકરી પર જવા નીકળેલા પીએસઆઇ અઘામના પત્નિને શાકભાજી લેવા હોઇ તે રસ્તામાં ઉતરી જવાના હતાં. પણ એ પહેલા સીટી બસ પીએસઆઇ માટે કાળ બની ગઇ હતી. છ મહિના બાદ નોકરીમાંથી નિવૃત થાય એ પહેલા તેમની જિંદગીની સફરનો અકાળે અંત આવી જતાં પરિવારમાં અને પોલીસ બેડામાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ મોચીનગર-૬ પેસીફીક આઇસ્ક્રીમ પાસે શિતલ પાર્ક રોડ પર રહેતાં અને પોલીસ હેડકવાર્ટરમાં બેન્ડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હસનભાઇ આમદભાઇ અઘામ સાંજે પોણા સાતેક વાગ્યે હેડકવાર્ટરમાં નોકરી પર જવા પોતાનું ટુવ્હીલર જીજે૦૩જેએન-૭૮૬૮ લઇને નીકળ્યા હતાં. તેમના પત્નિ હસીનાબેનને શાકભાજી લેવા હોઇ તે પણ સાથે બેઠા હતાં. બંને શિતલપાર્ક રોડ ટ્રાફિક ટોઇંગ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યાં જ પાછળથી સીટી બસ જીજે૦૩એટી-૯૫૭૪ના ચાલકે ઠોકરે લેતાં પતિ-પત્નિ બંને ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ પીએસઆઇ અઘામનો જીવ બચી શકયો નહોતો.

બનાવ અંગે ગાંધીગ્રામના પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયને મૃત્યુ પામનારના પુત્ર વસીમભાઇ આઘમની ફરિયાદ પરથી સીટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર પીએસઆઇ અઘામ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. જેમાં નાનો દિકરો શબ્બીર એસઆરપીમાં છે. મોટા વસીમભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. પીએસઆઇ અઘામ અગાઉ ગોંડલમાં નોકરી પર હતાં. છ વર્ષથી રાજકોટ નિમણુંક થઇ હતી. છ મહિના પછી તેઓ ફરજમાંથી નિવૃત થવાના હતાં. ત્યાં આ બનાવ બની ગયો હતો. અધિકારીઓ દ્વારા પીએસઆઇ અઘામને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

(12:00 pm IST)