Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મનપાની વોર્ડ નં. પની ટીમનો માનવીય અભિગમઃ મહિલા દર્દી અને તેના પરિવારને સારવાર માટે મનાવ્યા

સતર્કતા દાખવો...કોરોનાને હરાવો

રાજકોટ, તા. ૯ : ગત માર્ચ-૨૦૨૦થી કોરોના સામે એકધારી લડત ચલાવી રહેલી રાજકોટ મહાનગરપાલિકા અત્યારે કોરોના વાયરસના સંક્રમણની કડી તોડવા સદ્યન પ્રયાસો કરી રહી છે અને આ પ્રયાસોમાં લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી બન્યો છે. શહેરના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે કરી શરદી, તાવ અને ઉધરસના દર્દીઓને શોધી કાઢવા  કુલ ૧૨૦૦ જેટલી ટીમો ફિલ્ડ વર્ક કરી રહી છે જેથી તેઓને ત્વરિત સારવાર આપી શકાય. મહાનગરપાલિકાના વોર્ડ પ્રભારી તરીકે ફરજ નિભાવી રહેલા વરિષ્ઠ અધિકારીઓ અને તેઓના નેતૃત્વ હેઠળની ટીમો માનવીય અભિગમ સાથે કામગીરી કરે છે જેના પરિણામે જરૂરિયાતવાળા નાદુરસ્ત લોકોને ત્વરિત સારવાર ઉપલબ્ધ બની રહી છે. આ કામગીરીમાં લોકો પણ જાગૃતિ દાખવી તંત્રને સહયોગ આપે તેવી અપીલ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે કરી છે.

વોર્ડ નં.૫ માં માર્કેટિંગ યાર્ડ પાછળ શ્રીરામ સોસાયટીમાં વોર્ડ પ્રભારી સિટી એન્જિનિયર એચ.યુ.દોઢિયા અને તેમની ટીમ દ્વારા તા.૬ના રોજ હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન  એક ૩૭ વર્ષીય મહિલાના સ્વાસ્થ્યની ચકાસણી કરતા તેમનું ઓકિસજન લેવલ (SPO2) ૯૧ જોવા મળ્યું હતું. જેના પગલે તાત્કાલિક મેડિકલ ટીમને ત્યાં મોકલવામાં આવી હતી. મેડિકલ ટીમે ફરી એ મહિલાના સ્વાસ્થ્યની ચકાસણી કરતા તેણીનું ઓકિસજન લેવલ ૮૧ જોવા મળતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચાડવા જરૂરી હોવા અંગે પરિવારજનોને જણાવતા, શરૂઆતમાં તો પરિવારના સભ્યોએ એ મહિલા દર્દીની તબિયત સારી હોવાની દલીલ કરી સિવિલ હોસ્પિટલે જવાનો ઇન્કાર કાર્યો હતો. જોકે ત્યારબાદ વોર્ડ પ્રભારીશ્રી દોઢિયા અને તેમની ટીમે માનવીય અભિગમ અપનાવી આખા પરિવારને સમગ્ર પરિસ્થિતિ સમજાવી હતી અને દર્દીને સિવિલ હોસ્પિટલે પહોંચાડવા સમજાવ્યા હતાં. ત્યારબાદ એ મહિલા દર્દીને સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતાં અને તેમની સારવાર કરાવવામાં આવી હતી.મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,  દિવસ રાત જોયા વગર સતત ફિલ્ડ વર્ક કરી રહેલા મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ આવા કિસ્સાઓમાં માનવીય અભિગમ સાથે પોતાની ફરજ બજાવી જ રહયા છે.

(4:18 pm IST)