Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટ્રાફિક શાખાની રવિવારે મેગા ડ્રાઇવઃ ૬૨૦ વાહનચાલકો પાસેથી ૩ લાખનો દંડ વસુલાયો

કાળા કાચ લગાડવા, નંબર પ્લેટ ન રાખવી,ફેન્સી નંબર, ધૂમ સ્ટાઇલ, ચાલુ વાહને મોબાઇલમાં વાત કરવી, અવાજ કરે તેવા સાયલેન્aસર રાખનારા દંડાયા :દંડ કરવો એ ઉદ્દેશ નથી, વાહનચાલકો નિયમોનું પાલન કરતાં થાય તે માટે આ કાર્યવાહી કરવી પડે છેઃ એસીપી મલ્હોત્રા

 

રાજકોટ તા. ૯: ગઇકાલે રવિવારે ટ્રાફિક શાખાએ વાહન ચાલકો કાયદાનું પાલન કરી અકસ્માત સહિતના બનાવોથી બચતા રહે તે માટે શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, ધૂમ સ્ટાઇલ બાઇક, કાળા કાચવાળી ગાડીઓ લઇને નીકળનારા દંડાયા હતાં.

ટ્રાફિક શાખાના એસીપી વી.આર. મલ્હોત્રાની સુચના હેઠળ ટીમોએ ડ્રાઇવ યોજી હતી. જેમાં કાળા કાચ લગાડેલ કુલ-૧૮૮ વાહનોના કેસ કરી રૂ.૯૪,૦૦૦નો દંડ, નંબરપ્લેટ વગરના તેમજ ફેન્સી નંબર પ્લેટ વાળા કુલ ૩૨૨ વાહનચાલકો સામે કેસ કરી રૂ.૧,૩૦,૧૦૦નો દંડ , મ્યુઝીકલ હોર્ન લગાડેલ ૫૭ વાહનચાલકોના કેસ કરી રૂ.૪૩,૫૦૦નદ દંડ વસુલાયો હતો.

આ ઉપરાંત મોડીફાઇડ કરેલા સાયલેન્સરવાળા વાહનો સાથે કુલ-૨૩ વાહનચાલકોના કેસ કરી રૂ.૨૩,૦૦૦નો દંડ તેમજ ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવતા કુલ-૦૨ વાહનચાલકોને પકડી રૂ.૧,૦૦૦નો દંડ વસુલાયો હતો. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરતાં કુલ-૨૩ વાહનચાલકોને પકડી રૂ.૧૨,૦૦૦નો દંડ તેમજ ઓવર સ્પીડમાં નીકળેલ કુલ-૦૫ વાહનચાલકોને પકડી રૂ.૨,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

આમ, આ મેગા ડ્રાઇવ દરમ્યાન કુલ-૬૨૦ વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ રૂ.૩,૦૬,૧૦૦નો  દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વાહનચાલકોને દંડ કરવો તે પોલીસનો ઉદેશ નથી. પરંતુ વાહનચાલકો પોતાની તેમજ જાહેર જનતાની સલામતિ જાળવી વાહન ચલાવે અને નિયમોનું પાલન કરે એહેતુથી આ કાર્યવાહી કરવામાં આવે છે. લોકહિતાર્થે આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. તેમ એસીપી મલ્હોત્રાએ જણાવ્યું હતું. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન અને સુચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:42 pm IST)