Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કોરોના છુમંતર ? કાલે ૧૮૦૦ લોકોનો એન્ટી બોડી ટેસ્ટ

મનપાનાં આરોગ્ય વિભાગની પ૦ ટુકડી શહેરના જુદા જુદા વિસ્તારોના નાગરીકોનો બ્લડ ટેસ્ટ કરી સામુહીક સર્વે થશેઃ મેડીકલ કોલેજમાં બ્લડ ટેસ્ટ કરાવીને શહેરમાં હવે કોરોનાનું પ્રમાણ કેટલું છે? તેનો સર્વે થશેઃ શહેરીજનો કોરોનાને હરાવવા સક્ષમ થઇ રહયા છે

રાજકોટ, તા., ૯: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોર સુધીમાં એકપણ કોરોનાના કેસ નથી નોંધાયા. જો કે સાંજે એકલ-દોકલ કેસ આવે છે પરંતુ એકંદરે કોરોના સંક્રમણ હવે અટકયું છે. કેમકે લોકો હવે થોડા જાગૃત થયા છે, વેકસીન પણ આપવામાં આવી રહી છે. આ બધા કારણોને લીધે કોરોના કાબુમાં આવ્યો છે તેથી હવે શહેરીજનોમાં કોરોના સામે લડવાની કેટલી તાકાત આવી ગઇ છે તે જાણવા મ.ન.પા.નું આરોગ્ય તંત્ર આવતીકાલે  ૧૮૦૦ શહેરીજનોના એન્ટીબોડી ટેસ્ટ કરાશે.

સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ 'સીરો સર્વે' તરીકે ઓળખાતી આ સામુહીક બ્લડ ટેસ્ટની કામગીરી અંતર્ગત મ.ન.પા.ના આરોગ્ય વિભાગની ૫૦ વ્યકિતઓની ટીમ બનાવાશે અને પ્રત્યેક ટીમ ૩૬ વ્યકિતઓના લોહીના નમૂનાઓ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને અને ખાસ કરીને જયાં કોરોના સંક્રમણ વધુ હતુ તેવા વિસ્તારોમાં જઇને લેશે. આમ કુલ ૧૮૦૦ વ્યકિતઓના લોહીની તપાસ મેડીકલ કોલેજમાં થશે. જેમાં 'એન્ટીબોડી'નું પ્રમાણ જોઇને તેનો રીપોર્ટ જાહેર કરશે.

જો કે જેને કોરોના થઇ ગયો હોય તેવા લોકો અથવા જેને વેકસીન લીધી છે તેવા લોકો કે પછી જેને કોરોના થયો નથી અને વેકસીન પણ નથી લીધી તેવા લોકો. આ ત્રણમાંથી કઇ કેટેગરીના લોકોનો એન્ટીબોડી ટેસ્ટ થશે તે હજુ જાહેર નથી થયું. સંભવત રેન્ડમલી 'એન્ટીબોડી' ટેસ્ટ થાય તેવી શકયતા છે.  આમ, કોરોના હળવો થતા હવે 'એન્ટીબોડી' ટેસ્ટનો નિર્ણય લેવાતા તંત્રવાહકો કોવિડ ગાઇડ લાઇનના નિયમોમાં રાહત આપવાનું વિચારી રહ્યા હોય તેવી આશા લોકોમાં જાગી છે.

(3:26 pm IST)