Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શ્રાવણે શિવપુજા હર હર મહાદેવ

અત્યારે શ્રાવણ માસ ચાલી રહયો છે. દરેક શિવ મંદિરોમાં ભકિતરસનું જાણે કે ઘોડાપુર ઉમટયું છે. આવા દેવાધિ દેવ મહાદેવનો મહિમા જાણવો જરૂરી છે. મહિમા વગરની ઠાલી ભકિત ફળદાયી બનતી નથી મુખ્યત્વે ટુંકમાં જોઇએ તો

પંચદેવોમાં 'શિવજી' નું અનેરૂ સ્થાન છે કેમ કે તેમના પરિવારના ૩ સભ્યો તેમાં સમાવિષ્ટ થયા છે.

હરિ (નારાયણ ભગવાન) અને હર (શિવજી) વાસ્તવમાં ભિન્ન નથી. એક જ છે તેમ શાસ્ત્રો કહે છે તેથી શિવભકતો અને વૈષ્ણોવોએ જુદાપણુ માનવુ નહિં.

માનવી માત્રના સર્વમાન્ય એવા 'વેદ' કે જે ભગવાનની પરાવાણી છે તેમાં પણ 'રૂપ' તરીકે મહિમા ગાયો છે. રૂગ્વેદમાં મહામૃત્યુંજય મંત્ર 'ૐ ત્રંયંબકમ' (શુકત ૫૯-૧૧મો શ્લોક) આવેલ છે.

- શં કલ્યાણ, કર- કરનારા, કલ્યાણ કરનારા શંકર કહેવાયા

સમુદ્રમંથન વખતે નીકળેલ ઝેર ત્રિલોકને દઝાડવા લાગ્યું ત્યારે જગતને બચાવવા કરૂણાકરીને ઝેર પી ગયા ને 'નિલકંઠ' બન્યા

ત્રિલોચનધારી છે ત્રીજા નેત્રમાં રહેલ ક્રોધાગ્નિથી કાળદેવને ભસ્મીભૂત કરેલો હતો.

તેઓ અજન્મા છે જયોતિ સ્વરૂપ લીંગ સ્વરૂપ પુજાય છે

મહામાસની શિવરાત્રીનો મહિમા અનેરો છે જુનાગઢનો રવેડી જગ વિખ્યાત છે.

ખુદ રામ ભગવાને દક્ષિણમાં સેતુબંધી રામેશ્વર મહાદેવની સ્થાપના કરેલ છે

જયોતિલીંગરૂપે ૧૨ સ્થળોએ પ્રગટ્યા છે જેમાં 'સોમનાથ' પ્રથમ સ્થાને છે અને સૌરાષ્ટ્રમાં છે તે આપણા અહોભાગ્ય છે.

કાળના દેવતા છે સંહારના સ્વામી છે ઉજૈનમાં મહાકાલ રૂપે બિરાજે છે.

શિવ અને શિવા (પાર્વતીમાતા) અલગ નથી પણ શકિત સહિત એક જ છે. ભિન્ન નથી તેથી તેને અર્ધનારી નટેશ્વર કહેવાય છે.તેનુ દાંપત્ય અદભૂત છે. તેથી લગ્ન વખતે નવોયા તે સૌભાગ્ય વચન કહેવામાં શિવ-પાર્વતીનું સૌભાગ્ય હજો તેમ કહેવાય છે. શિવનું તાંડવ અને શિવનું લાસ્ય નૃત્યનો સમન્વય થતા તાલમેલ સર્જાયો છે. તેઓ કલાગુરૂ સંગીતના આચાર્ય મનાય છે.

તેઓ ભોળા-દાતાર અને આશુતોષ છે જલ્દીથી રીઝે છે. ભકિતના પ્રદાતા છે માત્ર જળ કે બિલ્લીપત્રથી પ્રસન્ન થઇ જાય છે.

વધુ મહિમા જાણવા માટે શિવ મહિમા  સ્ત્રોત થી જયશંકર સ્ત્રોત વિ. તથા શિવપુરાણ, સ્કંદ મહાપુરાણ, રામાયણ, ભાગવત વાંચવા પડે અત્યારે આટલુ પ્રાથમીક જ્ઞાન ઘણુ થઇ  પડશે.

અંતમાં 'જગત પિતરો' વંદે પાર્વતી પરમેશ્વરો કહી નતમસ્તકે શિવજીની વાગ્મય પુજા કરી વિરમુ છું.

રામ પ્રસાદ જ. પંડયા

(GAS RT.)

તરવડાકર

મો.૯૪૨૮૨૫૭૭૫૦

(3:08 pm IST)