Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રવિવારની સવાર શર્મનાક બનીઃ વિકૃત ઢગા વિજયએ ૧૩ વર્ષના છાત્રને દડો આપવાના બહાને બાંધીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ

સદર બજારની સ્કૂલ પાસેથી બાઇકમાં બેસાડી લઇ ગયોઃ એકાદ મહિનાથી નજર રાખતો હતો : બાઇકમાં બેસાડી સદર ચોકીવાળા રસ્તેથી મેડિકલ કોલેજ બિલ્ડીંગના પાછળના ભાગે પી.એમ. રૂમ પાસે અવાવરૂ જગ્યાએ લઇ ગયો : તરૂણે કહ્યું-એ ભાઇએ પોતાનું નામ વિજય જણાવ્યું હતું : છાત્રએ હિમ્મત કરી હાથની પક્કડ છોડાવી પાણો મારતાં વિકૃત શખ્સ ભાગી ગયોઃ ઘરે જઇ વાત કરતાં પિતાએ ફરિયાદ નોંધાવી : ભોગ બનનારને સાથે રાખી મોડી રાત સુધી પોલીસે અલગ અલગ શકમંદોને બતાવ્યા સીસીટીવી ફૂટેજને આધારે શોધખોળ

રાજકોટ તા. ૯: સદર બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આરએસએસની શાખામાં અને રમત ગમત માટે રવિવારે સવારે ગયેલા ૧૩ વર્ષના છાત્રને આશરે ૩૦ વર્ષના એક ઢગાએ 'ચાલ તને ક્રિકેટ રમવા ટેનિસનો દડો અપાવી દઉં' તેમ કહી પોતાના બાઇકમાં બેસાડી રાજકોટ મેડિકલ કોલેજ પાછળ સી.એલ.એફ. કવાર્ટર પાછળ પોસ્ટ મોર્ટમ રૂમ નજીક અવવારૂ જગ્યાએ લઇ જઇ તેના હાથ દોરીથી બાંધી દઇ તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતાં છાત્રએ હિમ્મત દાખવી હાથની પક્કડ છોડાવી હવસખોરને પથ્થર ફટકારતાં તે ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ છાત્રએ ઘરે જઇને પિતાને કરતાં પોલીસને જાણ કરવામાં આવતાં ગુનો દાખલ કરી હવસખોરને શોધી કાઢવા પોલીસે રાતભર દોડધામ કરી છે. હવસખોરે પોતાની ઓળખ વિજય તરીકે આપી હતી.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે ભોગ બનેલા બાળક-છાત્રના પિતાની ફરિયાદ પરથી વિજય નામના આશરે ૩૦ વર્ષના ઢગા સામે આઇપીસી ૩૬૩, ૩૭૭, ૫૦૬  (૨) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. છાત્ર રવિવારે રમત ગમતમાં ભાગ લેવા ગયો હતો એ વખતે તેને શાળા બહાર સવારે નવેક વાગ્યે એક શખ્સ બાઇક સાથે જોવા મળ્યો હતો. એકાદ મહિનાથી આ શખ્સ અહિ આટા ફેરા કરતો હોઇ ઉભો રહેતો હોઇ જેથી છાત્ર તેને જોયે ઓળખતો હતો. એ શખ્સે ચાલ તને ક્રિકેટ રમવા દડો અપાવી દઉ તેમ કહી પોતાના બાઇકમાં બેસી જવા કહ્યું હતું.

છાત્ર લાલચમાં આવી જતાં બાઇકમાં બેસી ગયો હતો. તેને સદર ચોકી થઇ ચોૈધરી હાઇસ્કૂલ નજીક જૈન દેરાસર પાસે થઇ બાદમાં મેડિકલ કોલેજની પાછળના ભાગે સીએલએફના પડતર કન્ડમ થયેલ કવાર્ટર પાછળ પોસ્ટ મોર્ટમ રૂમની નજીક આવેલી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં તેણે છાત્રને જબરદસ્તથી હાથ બાંધી દઇ મોઢા પર મુંગો દઇ નુકસાન કરી સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરી લીધું હતું. તેમજ જોઇ કોઇને આ બાબતે કંઇ કહ્યું તો મારી નાંખશે તેવી ધમકી આપી હતી. છાત્રએ હિમ્મત કરી બાંધેલા હાથ છોડાવ્યા હતાં અને હવસખોરને પથ્થર ફટકારતાં તે ભાગી ગયો હતો. તે છાત્રને બાઇકમાં બેસાડી લઇ ગયો ત્યારે રસ્તામાં વાતચીતમાં પોતાનું નામ વિજય કહ્યું હતું. આ નામ સાચુ હશે કે કેમ? તે અંગે પણ શંકા છે.

પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા, સંજયભાઇ દવે, જનકભાઇ કુગશીયા, અક્ષયભાઇ ડાંગર સહિતની ટીમે આરોપીને શોધી કાઢવા દોડધામ આદરી છે. પોલીસે મોડી રાત સુધી ભોગ બનનારને સાથે રાખી અલગ અલગ શકમંદોને બતાવી હવસખોરને ઓળખી કાઢવા પ્રયાસ કર્યો હતો. તપાસ યથાવત રાખવામાં આવી છે.

હવસખોર છાત્રને જ્યાં લઇ ગયો એ જગ્યાનો જાણકાર હોઇ શકે છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હવસખોરને શોધી કાઢવા દોડધામ આદરી છે. 

(1:27 pm IST)