Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

લાયકાતને જ ગુણવત્તા ગણવા કુલપતિ ભીમાણી મક્કમ

દેરાણી - જેઠાણી - નણંદના કાર્યકાળમાં ભલામણકાંડ સર્જાયો હતો પરંતુ હવે... : નેટ-સ્‍લેટ - પીએચ.ડી.ની પદવીવાળાને પસંદ કરાશે : પસંદગી સમિતિમાં અન્‍ય યુનિવર્સિટીના ડીન, ઉચ્‍ચ શિક્ષણ કમિશનરના પ્રતિનિધિનો સમાવેશ : સત્તા વગર વલખા મારતા વિરોધીઓ સામે કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીનું ફુલપ્રુફ આયોજન

રાજકોટ તા. ૯ : વિવાદથી સતત ચર્ચામાં રહેલ બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી કોઇને કોઇ કારણે અખબારો અને સોશ્‍યલ મીડિયામાં ભારે ચર્ચાસ્‍પદ બને છે. અગાઉ કરાર આધારીત ભરતી પ્રકરણમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની આબરૂ ધૂળ-ધાણી થઇ હતી. જ્‍યારે હવે ફરીથી કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણી વિરોધીઓના વંટોળ વચ્‍ચે ન્‍યાયીક રીતે ભરતી કરવા કટીબધ્‍ધ થયા છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં ૬૪ કરાર આધારીત અધ્‍યાપકોની ભરતી કરવાની છે. અગાઉ દેરાણી-જેઠાણી અને નણંદના કાર્યકાળમાં ભલામણનો ધોધ થતાં રાજ્‍ય સરકાર અને ભાજપ મોવડી મંડળ નારાજ થયું હતું અને ભરતી રદ્દ કરવાની સૂચના આપી હતી.

અઢીથી ત્રણ દાયકા સુધી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળને પેઢી સમજનાર કેટલાક સિન્‍ડીકેટ સભ્‍યો હાલ સત્તાની બહાર છે અને સત્તા મેળવવા દિવસ-રાત એક કરી ભટકી રહ્યા છે. કુલપતિ ગીરીશ ભીમાણી સામે પણ રજૂઆતનો મારો ચલાવ્‍યો છતાં કોઇ રાજ્‍ય સરકારે મચક આપી નથી. આ સંજોગોમાં ૬૪ કરાર આધારીત અધ્‍યાપકોની ભરતી માટે કાર્યકારી કુલપતિ ગીરીશભાઇ ભીમાણીએ ફુલપ્રુફ આયોજન હાથ ધર્યું છે.

જેમાં કરાર આધારીત ૬૪ અધ્‍યાપકોની ભરતીમાં યુજીસીની સુચના મુજબ નેટ - સ્‍લેટ અને પીએચ.ડી. થયેલા ઉમેદવારો ના જ ઇન્‍ટરવ્‍યુ લેવાશે અને લાયકાતને જ ગુણવત્તા ગણવા મક્કતાથી પગલા લેવાશે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ફરી કોઇ ભલામણકાંડ ન થાય તે માટે અન્‍ય યુનિવર્સિટીના ડીન અને ઉચ્‍ચ શિક્ષણના પ્રતિનિધિને પસંદગી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.

યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગત મુજબ સત્તા વગર રઝળપાટ કરતા કેટલાક પીઢ આગેવાનો આ ભરતી ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ પીઢ આગેવાનો તા. ૨૩ મે પછી યુનિવર્સિટીમાં ભાગ્‍યે જ જોવા મળશે તેમ કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીના નજીકના વર્તુળોએ હુકાર કર્યો છે.

(4:08 pm IST)