Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પીજીવીસીએલ કંપની અંજાર રૂરલ-૧ સબ ડીવીઝનમાં એપ્રેન્‍ટિસ લાઇનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીનું દુઃખદ નિધન થતા ધડાધડ ર લાખ ૮૦ હજાર એકઠા કરાયા

એમડી શ્રી બરનવાલના સુચના બાદ મહત્‍વની કાર્યવાહીઃ નિરાધાર પરીવારને આર્થિક સહાય...

રાજકોટ તા. ૯: પીજીવીસીએલ કંપની અંજાર રૂરલ-૧ સબ ડીવીઝનમાં એપ્રેન્‍ટિસ લાઇનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી વિષ્‍ણુભાઇ મેતા ને તારીખ ૧૭-૦૪-ર૦રર ના રોજ પ્રાણઘાતક અકસ્‍માતમાં તેમનું દુઃખદ અવસાન થયેલ હતું અને કંપીના નિયમાનુસાર એપ્રેન્‍ટિસ લાઇનમેનને મળવાપાત્ર વળતરની રકમ ખુબ નજીવીહોય કંપનીના માનવીય અભિગમ ધરાવતા એમડી શ્રી વરૂણકુમાર બરનવાલે સુચન કરવામાં આવેલ હતું કે આવા કિસ્‍સામાં કંપનીના કર્મચારીઓ, યુનિયન અને અન્‍ય સંસ્‍થા દ્વારા અનુદાન એકત્રિત કરી પીડિતના પરિવારને શકય એટલી નાણાકીય મદદ કરવી જરૂરી છે.

કંપનીના એમડી દ્વારા કરવામાં આવેલ સુચના અને આહવાનને અંજાર પીજીવીસીએલ ના અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદેદારો દ્વારા અમલીકરણ કરી ફૂલ નહિં તો ફૂલની પાંખડી સ્‍વરૂપે રૂપિયા બે લાખ એંસી હજાર જેટલી માતબર રકમ એકત્રીત કરી તારીખ ૮ના રોજ ચંદીયા ગામે ‘‘પંચકોટી યજ્ઞ''ના કાર્યક્રમમાં સ્‍વર્ગસ્‍થ શ્રી વિષ્‍ણુભાઇ મેતા ના પરિવારજનોને અંજાર પીજીવીસીએલ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના શ્રી વાસણભાઇ આહીરના હસ્‍તે આપવામાં આવેલ હતી જે ખરેખર સાચી યુનિયન પ્રવૃત્તિ થકી પીડિત પરીવાર માટે સાચી લાગણી અને તેમને મદદરૂપ થવાની તત્‍પરતાને વાસ્‍તવિક રીતે અમલી કરેલ હતી.

સમાજમાં નિરાધાર બનેલ પીજીવીસીએલનાં પરિવારને આર્થિક મદદ કરવાના સેવાયજ્ઞમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સીનીયર કાર્યકારી પ્રમુખ શ્રી વાસણભાઇ આહીર, વિક્રમભાઇ માતા, બી. કે. મહેશ્‍વરી, રણછોડભાઇ છાંગા, મહાવીરસિંહ જાડેજા, ભાવસારભાઇ, સંઘના ઉપ પ્રમુખ ગોપાલભાઇ માતા, સહીતના તમામ હોદેદારો અને અધિક્ષક ઇજનેર શ્રી ઝાલાવાડિયા તેમજ વાઘેલા કાર્યપાલક ઇજનેર શ્રી સહીત અન્‍ય લોકો દ્વારા જે ઉત્‍સાહભેર કામગીરી કરેલ છે. તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

આવી સામાજિક જવાબદારી કામગીરી કરવા બદલ સંઘના સીનીયર સેક્રેટરી જનરલ બળદેવભાઇ પટેલ, એડીશ્‍નલ સેક્રેટરી જનરલ મહેશભાઇ દેશાણી અને મહામંત્રી ચેતનસિંહ રાઠોડે અભિનંદન પાઠવ્‍યા હતા. 

(4:01 pm IST)