Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટના ઉપપ્રમુખ તરીકે શિક્ષણશાસ્ત્રી શૈલેષભાઇ જાનીની વરણી થઇ

રાજકોટની જાણીતી ગીતાંજલિ કોલેજના સંચાલકની વરણીથી જ્ઞાતિના ઉત્‍કર્ષને નવો વેગ મળશે

રાજકોટ તા. ૯ : સમસ્‍ત બ્રહ્મસમાજના માધ્‍યમ થકી શિક્ષણ, આરોગ્‍ય અને માનવ કલ્‍યાણની પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બને તે માટે રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રના સામર્થ્‍યસભર આગેવાનોએ બ્રહ્મ સમાજના વિકાસમાં જોડવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે બ્રહ્મસમાજના વિકાસમાં લાભ મળી શકે તેવા ઉદ્દેશથી મન, કર્મ અને વચનથી વર્ષોથી બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા બ્રહ્મ અગ્રણી અને શહેરની અગ્રીમ શૈક્ષણિક સંસ્‍થાના સંચાલક શ્રી શૈલેષ જાનીની સમસ્‍ત બ્રહ્મસમાજના ઉપાધ્‍યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બ્રહ્મ સમાજની એકતા, એકવાક્‍યતા અને અખંડિતતા માટે સમસ્‍ત બ્રહ્મ સમાજ સર્વ સમાજને સાથે રાખીને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે કાર્યરત છે, ત્‍યારે રાષ્ટ્રવાદને સમર્પિત એવા પ્રતિભાશાળી વ્‍યક્‍તિત્‍વને આ અભિયાનમાં જોડવાનું કાર્ય સમસ્‍ત બ્રહ્મ સમાજના મુખ્‍ય સૂત્રધાર કશ્‍યપભાઈ શુક્‍લ અને પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાનીના નેતૃત્‍વ હેઠળ સુપેરે થઈ રહ્યું છે. આ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવાના ઉદ્દેશથી બ્રહ્મ અગ્રણી અને આગેવાન,શિક્ષણશાસ્ત્રી શૈલેષ જાનીની સમસ્‍ત બ્રહ્મ સમાજના ઉપાધ્‍યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

બ્રહ્મસમાજના ઉપાધ્‍યક્ષ તરીકેની શ્રી શૈલેષ જાનીની નિયુક્‍તિને સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે. શ્રી કશ્‍યપભાઈ શુક્‍લ, શ્રી દર્શિતભાઈ જાની અને સમગ્ર કારોબારીએ શ્રી શૈલેષ જાનીની નિમણૂકના નિર્ણયને સ્‍વીકૃતિ આપીને સમસ્‍ત બ્રહ્મ સમાજની ટીમમાં તેમનું લાગણીસભર સ્‍વાગત કર્યું હતું.

શ્રી કશ્‍યપ શુક્‍લ તથા શ્રી દર્શિતભાઈ જાનીના શ્રદ્ધા વિશ્વાસની કદર કરતા શૈલેષ જાની એ જણાવ્‍યું હતું કે આ એક દાયિત્‍વ છે અને બ્રહ્મ સમાજના ધ્‍યેય ઉદેશને સાર્થક કરવા માટે મન વચન કર્મ થી પુરી નિષ્ઠા અને વફાદારી સાથે કાર્ય કરવાની ખાતરી આપેલ હતી.

સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ તેમજ અન્‍ય સમાજના ઉત્‍કર્ષ માટે અનેકવિધ પ્રોજેક્‍ટ ચાલી રહ્યા છે તેમજ સમાજને મહત્‍વપૂર્ણ દિશાદર્શન આપવામાં આવી રહ્યું છે ત્‍યારે શ્રી શૈલેષ જાની નિયુક્‍તિથી આ તમામ પ્રોજેક્‍ટને નવું બળ મળશે તેવી અપેક્ષા અસ્‍થાને નથી

(4:11 pm IST)