Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પ્રમુખમાર્ગઃ ભકિતનો માર્ગ

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

શ્રીમદ્દભાગવત ગ્રંથના પ્રારંભમાં યોગીરાજ શુકદેવજીનું જીવન વળંત્તાત આવે છે. જન્‍મજાત વૈરાગી સ્‍વભાવના શુકદેવ જન્‍મ થતાં જ જંગલમાં જતા રહ્યા હતા. અખંડ આત્‍માનો અનુભવ કરતા તેઓ જ્ઞાન-ધ્‍યાનમાં લીન રહેતા. તેમના પિતા વ્‍યાસજીની ઈચ્‍છા હતી કે આ યોગીરાજ શ્રેષ્‍ઠ પુરાણ શ્રીમદ્‌ ભાગવતને ભણે અને ભગવાનની ભકિતનું સુખ ભોગવે. વ્‍યાસજીની પ્રેરણાથી તેમના શિષ્‍યો જે વનમાં શુકદેવજી તપ કરતા હતા તે વનમાં જઈ શ્રીકળષ્‍ણ ભગવાનના દિવ્‍યચરિત્રોના શ્‍લોકોનું ગાન કરતા. બર્હાપીડ્‍મ નટવરવપુઃ જેવા શ્‍લોકો દ્વારા ભગવાનના અલૌકિક સ્‍વરૂપ તથા અહોબકીયં જેવા શ્‍લોકો દ્વારા ભગવાનના દિવ્‍યગુણોના શ્રવણ દ્વારા શુકદેવજીને ભગવાન પ્રત્‍યે આકર્ષણ થયું. આત્‍મરૂપે વર્તતા હોવા છતાં તેમને પરમાત્‍માની ભકિતમાં વિશેષ સુખ અનુભવાયું અને તેઓએ ભક્‍તિમાર્ગે પ્રયાણ કર્યું. શુકદેવજીનું આખ્‍યાન સૌ માટે પ્રેરક અને અનુકરણીય છે.

ભકતકવિ નરસિંહ મહેતા કહે છે કે ‘ભૂતળભક્‍તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાંહી રે.' બ્રહ્મલોકમાં પણ દુર્લભ એવી ભક્‍તિ આ પૃવી પર સૌને માટે સુલભ છે.

મીરાંબાઈ નાના હતા ત્‍યારે લગ્નની હઠ લેતા તેમના માતાએ તેમને ગિરધરલાલની નાની પ્રતિમા આપી. તે દિવસથી જ ભગવાન શ્રીકળષ્‍ણમાં જોડાયેલા મીરાંબાઈ અખંડ ભજનમાં મસ્‍ત રહેવા લાગ્‍યા. તેઓના જીવનમાં આવેલા અનેક પ્રશ્નોને તેઓએ ભગવાનની ભક્‍તિમાં રહી હસતાં હસતાં પાર કરી દીધા.

ભગવાન જીવનમાં પ્રધાન થાય અને ચંચળ મનને સહેજે જીતવા વૈષ્‍ણવરાજ શ્રીવલ્લભાચાર્યજીએ સમય સમયની ઠાકોરજીની ભક્‍તિ સૌને શીખવી છે. આ માર્ગે જે ચાલે છે તે જીવન સંગ્રામમાં સદાય વિજયી બની રહે છે.

સાંપ્રત સમયે પ્રમુખસ્‍વામી મહારાજે પોતાના ચરિત્રો દ્વારા આ ભક્‍તિમાર્ગને પ્રત્‍યક્ષ કરી આપ્‍યો. તા. ૪-૭-૨૦૧૧ની રાત્રે  પ્રમુખસ્‍વામી મહારાજના સૂવાના સમયે તેઓની નાડી તપાસવામાં આવી, તે જોઈ સેવકો ચોંકી ઊઠ્‍યા. નાડીની અનિયમિતતા ભયંકરતાની આગાહી કરી રહેલી. નિષ્‍ણાત તબીબોએ તપાસ કરતા ખબર પડી કે પ્રમુખસ્‍વામી મહારાજને ૯૦મા વર્ષે આ બીજીવાર હૃદયરોગનો હુમલો આવ્‍યો છે. તાબડતોડ જરૂરી સારવાર શરૂ થઈ ગઈ. સૌનો એક જ મત પડ્‍યો. ‘આગામી ૭૨ કલાક નિર્ણાયક છે ત્‍યાં સુધી પ્રમુખસ્‍વામી મહારાજને સંપૂર્ણ પથારીવશ જ રાખવા. થોડુંયે હલન-ચલન ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.'

પરંતુ બીજા દિવસની સવારે પ્રમુખસ્‍વામી મહારાજે જણાવ્‍યું, ‘મંદિરમાં ઠાકોરજીના દર્શને જવું છે.' સૌ તબીબોએ સ્‍પષ્ટ અને દૃઢ અસંમતિ દર્શાવી છતાં પ્રમુખસ્‍વામી મહારાજની ભક્‍તિભાવભરી વિનંતી આગળ સૌ ઝૂકી ગયા. દર્શન કરવા પધારેલા તેઓએ રોજની જેમ જ નીરખી-નીરખીને મૂર્તિઓના દર્શન કર્યાં. તેમાં લેશપણ વ્‍યગ્રતા કે ઉતાવળ ન્‍હોતી. તે સમયે સૌને સમજાયું કે પ્રમુખસ્‍વામી મહારાજનું સ્‍થૂળ હૃદય ઘવાયું છે પણ હૃદયમાં રહેલી ભકિત નહીં.

એકવાર નડિયાદમાં કષ્ટ ન પડે તે હેતુથી બીજીવાર ઠાકોરજીના દર્શને જતા પ્રમુખસ્‍વામી મહારાજને  ભક્‍તોએ રોકયા. ત્‍યારે અણગમો દર્શાવતા તેમણે કહ્યું હતું કે, ‘‘ભક્‍તિ કરવા તો આવ્‍યા છીએ. તે ના થાય તો બીજું કરવુંય શું? અને તે વિના જીવવુંય કેમનું?'' ભગવાનની ભક્‍તિ તેમનું જીવન હતું. પળે પળે તેઓની આ ભક્‍તિના દર્શન સૌને થતા રહેલા.

એકવાર જમવા બેઠેલા તેમની પાસે એક ભક્‍ત આવ્‍યા. તેઓએ સાથે લાવેલી કેરી સેવકને આપી અને તે સુધારીને પ્રમુખસ્‍વામી મહારાજને જમાડવા કહ્યું. તે સમયે તેઓએ તેમ કરતા સેવકને રોકયા. કારણ કે તે સમયે ઠાકોરજી પોઢી ગયા હતા. ઠાકોરજીને ધરાવ્‍યા વિના તેઓએ કયારેય, કશુંયે ગ્રહણ કર્યું ન્‍હોતું.

આફ્રિકામાં થોમસન ફોલ્‍સ ખાતે પધારેલા પ્રમુખસ્‍વામી મહારાજ સામે ઠંડીમાં હીટર મૂકવામાં આવ્‍યું. ત્‍યારે તેમણે તે હીટર તરત જ ઠાકોરજી તરફ વાળી દીધું કારણ કે ઠાકોરજીને પણ ઠંડી લાગતી હોય ને!

એકવાર સમુદ્રતાાન પછી ઉતારે પધારેલા તેઓએ સેવકને ઠાકોરજીને મીઠા જળથી સ્‍નાન કરાવવા કહેલું કારણ કે સમુદ્રના ખારા પાણીથી ઠાકોરજીનું શરીર ચચરે નહીં.

વડોદરામાં ઠાકોરજીને મુખવાસ ધરાવતા એલચી આખી મૂકેલી ત્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજે ટકોર કરી કે એલચીને ફોલીને દાણા મૂકો જેથી ઠાકોરજીને જમતા ફાવે.

પોતાની સાથે રાખતા ભગવાન સ્‍વામિનારાયણની નાની ચલ પ્રતિમા હરિકળષ્‍ણ મહારાજની ભક્‍તિ પ્રમુખસ્‍વામી મહારાજ આ રીતે જીંદગીભર કરતા રહ્યા. તેમના જીવનના આવા ભક્‍તિભર્યા સેંકડો પ્રસંગો છે.

પળે પળ ભગવાનનો વિચાર કરવો, ભગવાનની ભક્‍તિમાં ખોવાઈ જવું તે જ સંતમાર્ગ છે, તે જ પ્રમુખમાર્ગ છે. જે આ માર્ગે જે ડગ માંડે છે તેનું જીવન સાર્થક બની રહે છે.

(2:52 pm IST)