Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઘરફોડ ચોરી સાથે સાયબર ચોરોનો ઉપાડોઃ ખાતાધારકોની જાણ બહાર જુદા જુદા બે બનાવોમાં ૩ લાખ બારોબાર ઉપડી ગયા!!

જીલ્લા સાયબર યુનીટ અને શહેર સાયબર યુનીટને મળેલી ફરીયાદોના આધારે તપાસ શરૂઃ રાજકોટના કારખાનેદાર અને ખીરસરા પેલેસ હોટેલના મેનેજર ભોગ બન્‍યા

રાજકોટ, તા., ૯: શહેર અને જીલ્લામાં ફરીથી તસ્‍કરોએ માથુ ઉંચકયું છે. ઘરફોડ ચોરી  સાથે સાયબર ચોરોનો ઉપાડો વધ્‍યો છે. છેલ્લા ર૪ કલાકમાં સપાટી ઉપર આવેલી જુદી જુદી બે ફરીયાદોમાં બેંક ખાતા ધારકોની જાણ બહાર ગણતરીની મીનીટોમાં લાખોની રોકડ સાયબર માફીયાઓએ બારોબાર ઉપાડી લીધાનું બહાર આવ્‍યું છે. એક ઘટનામાં માંડા ડુંગર નજીક કાસ્‍ટીંગની ફેકટરી ધરાવતા રાજુભાઇ ગીરજાશંકરભાઇ ભટ્ટ જયારે બીજી ઘટનામાં હોટેલ ખીરસરા પેલેસના મેનેજર સુરીન્‍દરસિંહ ગઢવાલ ભોગ બન્‍યા છે. આ બારામાં જીલ્લા અને શહેર સાયબર યુનીટમાં વિધિવત ફરીયાદ નોંધાવાતા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહીતી મુજબ તા.૬ ના રોજ સુરીન્‍દરસિંહ ગઢવાલ (રહે. હોટેલ ખિરસરા પેલેસ, તા. લોધીકા) સવારે ઉઠયા ત્‍યારે તેના એસબીએલ બેંકના ખાતામાંથી ગણતરીની મિનીટોમાં ૭૧, ૬૮૭ રૂા. અને ૬૮,૬૭પ  રૂા. મળી ૧ લાખ ૪૦ હજારથી વધુ રોકડ બારોબાર ઉપડી ગઇ હતી. આ બારામાં લોધીકા પોલીસ સ્‍ટેશનમાં લેખીત ફરીયાદ આપ્‍યા બાદ જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કાર્યરત સાયબર સેલમાં પીએસઆઇ સી.બી.વાંકે ઓનલાઇન છેતરપીંડીબાજોને શોધી કાઢવા કવાયત આદરી છે.

બીજી ફરીયાદમાં ગઇકાલે સવારે ૮.૩પ વાગ્‍યે ૪૯,૯૧૭ રૂા. અને ૪૯,૧૩૪ રૂા.  રાજુભાઇ ગીરજાશંકર ભટ્ટના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્‍ટમાંથી ઉપડી ગયા હતા.

બંન્ને ફરીયાદો અંગે સાયબર ક્રાઇમ યુનીટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફરીયાદીઓએ પોતાના ખાતાની કોઇ પણ માહીતી ભુલે ચુકે પણ શેર ન કરી હોવા છતા લાખોની રકમ ખાતામાંથી ચોરાઇ ગઇ હતી.  હવે ઘરફોડ ચોરીની જેમ સાયબર ચોરો પણ પોલીસ માટે માથાના દુઃખાવારૂપ બન્‍યા છે.

ઉલ્લેખનીય છે કે, સાયબર સેલ અને જુદી-જુદી બેંકો દ્વારા અવાર નવાર ઓનલાઇન થતા ટ્રાન્‍ઝેકશનો બારામાં કોઇ પણ માહીતી શેર નહિ કરવા ચેતવણી અપાતી હોય છે. લોકો પણ જાગૃત બન્‍યા છે છતાં સાયબર માફીયાઓ ખાતા ધારકોના ખાતા બારોબાર ખાલી કરી નાખવા માંડયા છે.

(2:50 pm IST)