Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં તાલીમ વર્ગનો પ્રારંભ

 રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેરીયર કાઉન્‍સેલિંગ એન્‍ડ ડેવલોપમેન્‍ટ સેન્‍ટર (સી.સી.ડી.સી.) દ્વારા રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમશાળાઓ અને રેગ્‍યુલર કોચીંગ મારફત સફળતા પૂર્વક કરાવવામાં આવે છે. અનેક પરીક્ષાઓમાં સી.સી.ડી.સી. ના છાત્રો એ રેકોર્ડબ્રેક પરિણામો થકી સી.સી.ડી.સી. ની કોચીંગ પધ્‍ધતિ શ્રેષ્ઠ છે એ પ્રસ્‍થાપિત કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સી.સી.ડી.સી. દ્વારા તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્કની તૈયારીઓ માટેના તાલીમ વર્ગનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના અધ્‍યક્ષસ્‍થાને યોજાએલ. કુલપતિશ્રી એ વધુમાં જણાવ્‍યું હતું કે  સરકારી નોકરી મેળવ્‍યા પછી રાષ્ટ્રના હિતને કેન્‍દ્રમાં રાખીને કાર્ય કરવું જોઈએ. સરકારી નોકરી એ આપણા જીવન નિર્વાહ માટેનું સાધ્‍ય સાથે આપણું સામાજીક દાયિત્‍વ પણ છે.  આજની આ કાર્યશાળામાં આપને જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય એમાં મહેનત કરી સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્‍છાઓ પાઠવું છું અને આવી કાર્યશાળાના આયોજન બદલ સી.સી.ડી.સી. ના કોઓર્ડીનેટર પ્રોફેસર ડો. નીકેશભાઈ શાહ અને એમની ટીમને અભિનંદન પાઠવું છું. તાલીમ વર્ગના ઉદઘાટન કાર્યક્રમમાં કુલસચિવશ્રી ડો. જી.કે. જોષી ઉપસ્‍થિત રહ્યા હતા. આ તાલીમ વર્ગના ઉદઘાટન કાર્યક્રમમાં સી.સી.ડી.સી.ના કોઓર્ડીનેટર ડો. નીકેશભાઈ શાહ, તજજ્ઞ દિનેશભાઈ કણેત, ધવલભાઈ મારુ તથા બહોળી સંખ્‍યામાં છાત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(2:20 pm IST)