Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

પાટીદાર V/s પાટીદારઃ જામશે જંગઃ રૂપાલા સામે લડવા પરેશ ધાનાણી તૈયાર

વિવાદમાં ફસાયેલા ભાજપના ઉમેદવાર રૂપાલા સામે કોંગ્રેસે માસ્‍ટર સ્‍ટ્રોક ફટકાર્યોઃ રાજકોટ બેઠક ઉપર કડવા પાટીદાર સમાજના રૂપાલા અને લેઉઆ પટેલ સમાજના પરેશ ધાનાણી વચ્‍ચે ચૂંટણી જંગ જામશે : રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ પરેશ ધાનાણીને મનાવવા તેમને ત્‍યાં પહોંચ્‍યુ હતુઃ લાંબી ચર્ચા-વિચારણા બાદ પરેશ ધાનાણી જો રૂપાલા મેદાનમાં રહેશે તો તેમની સામે લડશેઃ જો રૂપાલા બદલાશે તો તેઓ ચૂંટણી નહીં લડે

ચુપ રહીશુ તો છલથી હણાશુ... ભારતના સંસ્‍કાર.. પાલનના પડકારઃ પરેશ ધાનાણીના ૪ ટવીટપરેશભાઇ ધાનાણીએ ઉપર પ્રહારો કરીને ૪ ટવીટ કર્યા છે. જે આ મુજબ છે.

રાજકોટ તા.૯: રાજકોટ સંસદીય મત વિસ્‍તારમાં ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિવાદ ઉભો થયા બાદ કોંગ્રેસે તેની સામે લડવા માસ્‍ટર સ્‍ટ્રોક લગાવ્‍યો છે અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા મનાવવામાં આવ્‍યા હોવાનું જાણવા મળે છે. જો પરસોત્તમ રૂપાલા મેદાનમાં રહેશે તો તેમની સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. આમ, રાજકોટ બેઠક ઉપર બેય બળીયા પાટીદારો વચ્‍ચે જંગ ખેલાશે. અત્રે એ નોંધનીય છે કે, પરેશ ધાનાણીને રૂપાલા સામે લડવા માટે મનાવવા આજે રાજકોટથી કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ તેમની પાસે ગયુ હતુ અને તેમને મનાવ્‍યા હોવાનું બહાર આવ્‍યુ છે. જો પરસોત્તમ રૂપાલા મેદાનમાંથી ખસી જશે તો ધાનાણી પણ મેદાનમાં નહીં ઉતરે. ભાજપના ઉમેદવાર રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે જ્‍યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ધાનાણી લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. આમ, રાજકોટમાં પાટીદાર વિરૂદ્ધ પાટીદાર જંગ ખેલાશે તે આજની તારીખે શક્‍ય બન્‍યુ છે.

રાજકોટની પ્રતિષ્‍ઠાભરી લોકસભા બેઠક ઉપરથી ભાજપનાં ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા સામે હવે કોંગ્રેસના દિગ્‍ગજ નેતા પરેશભાઇ ધાનાણી ચૂંટણી લડે તેવુ નિヘતિ મનાઇ રહ્યું છે. રાજકોટ કોંગ્રેસના આગેવાનો પરેશભાઇ ધાનાણીને મનાવવા માટે અમરેલી પહોંચ્‍યા હતાં. અને પરેશભાઇ ધાનાણીએ પણ રાજકોટની બેઠક  ઉપરથી ચૂંટણી લડવા કોંગ્રેસના કાર્યકર તરીકે હું તૈયાર છુ તેમ જણાવ્‍યું હતું.

પરેશભાઇ ધાનાણીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ૧પ-૧પ દિવસથી ક્ષત્રીય સમાજના લોકો, મહિલાઓ ન્‍યાય માંગે છે.

પરંતુ અહંકારી ભાજપના નેતાઓએ પારોઠના પગલા નહી ભર્યા તો નવા મહાભારતના રણમેદાનમાં ‘અર્જુન' આવી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા અને ગુજરાતમાં ભડકો થયો. સૌથી ચર્ચામાં રહી રાજકોટની બેઠક. રાજકોટની બેઠક પર બે ટર્મના સાંસદનું પત્તુ કાપીને ભાજપે કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને બસ ત્‍યારથી શરૂ થઈ ગઈ ભવાઈ...એક કાર્યક્રમમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપીને બળતામાં ઘી હોમ્‍યું. ત્‍યાર બાદ ઢગલાબંધ બાર રૂપાલાએ માફી માંગી પણ હવે મામલો શાંત પડી રહ્યો છે. એવામાં ક્ષત્રિય સમાજ હાલ રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે રસ્‍તા પર ઉતરી આવ્‍યો છે.

જેના ભાગરૂપે કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમભાઇ રૂપાલાની સામે પોતાના સૌથી મજબુત નેતા મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી લીધી છે. સૂત્રોની માનીએ તો કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાની સામે પૂર્વ વિપક્ષી નેતા અને પાટિદાર દિગ્‍ગજ નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કોંગ્રેસ CEC બેઠકમાં નક્કી કરવામાં આવ્‍યું છે પરેશ ધાનાણીનું નામ. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીના નામની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. એક વાત તો અહીં નક્કી છેકે, હવે રાજકોટની બેઠક પર ફરી ઈતિહાસ દહોરાશે. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી ચૂંટણી લડશે એવું હવે પ્રબળ માનવામાં આવી રહ્યું છે. આ અંગે પરેશ ધાનાણીને પણ પક્ષ દ્વારા મનાવી લેવાયા હોવાની પણ ચર્ચા છે. ભાજપને હેટ્રીક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપે પોતાના બે કેન્‍દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયાને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરમાં કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયાને ટિકીટ આપી છે. હવે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ લેઉવા પાટીદારને ટિકીટ આપી શકે છે. જે બેઠક પર હવે સૌ કોઈની નજર છે.

હવે લોકસભાની ચૂંટણીના કાઉન્‍ટડાઉન શરૂ થઈ રહ્યું છે. જેમાં તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી શરૂ કરવામાં આવી છે. ભાજપે ૨૨ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે માત્ર ૭ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બાકી રહેલા ઉમેદવારોની યાદી ઉપર બંને પાર્ટીઓમાં મંથન ચાલી રહ્યું છે. ત્‍યાં રાજકોટ બેઠક પર કોંગ્રેસ પાટીદાર નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે.

આ સાથે જ રાજકોટ બેઠક પર પાટીદાર વિરુદ્ધ પાટીદારની જંગ થઈ શકે છે. જેમાં ભાજપે કડવા પાટીદાર સમાજમાંથી આવતાં વરિષ્ઠ નેતા અને કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ને મેદાનમાં ઉતારવામાં આવ્‍યા છે. જ્‍યાં કોંગ્રેસ તરફથી અમરેલીના પૂર્વ ધારાસભ્‍ય અને પૂર્વ વિપક્ષી નેતા તેમજ લેઉવા પાટીદાર પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે.

જો આવું થશે તો ૨૨ વર્ષ બાદ બંને નેતાઓ વચ્‍ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. અગાઉ વર્ષ-૨૦૦૨માં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને ૧૬ હજારથી વધારે મતથી હરાવ્‍યા હતા. જ્‍યારે હવે બંને નેતાઓલોકસભાની ચૂંટણીમાં એકબીજાની સામસામે આવી રહ્યા છે. જેના કારણે સ્‍થાનિકોમાં પણ મત અંગે વિભાજન જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છેકે, ૨૨ વર્ષ પહેલાં ગુજરાતની અમરેલી વિધાનસભા બેઠક પર લડાયો હતો બે પાટીદાર નેતાઓ વચ્‍ચે જબરદસ્‍ત જંગ. ફરી એકવાર આ જંગના વાગી રહ્યાં છે નગારા. ફરી એકવાર આ બે નેતાઓ આવી શકે છે સામસામે. ફરી એકવાર સામસામે આવી શકે છે આ બે દિગ્‍ગજ નેતાઓ.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને ભાજપના દિગ્‍ગજ નેતા પરસોત્તમ રૂપાલાની. ૨૨ વર્ષ પહેલાં પરેશ ધાનાણીએ અમરેલી વિધાનસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્‍યા હતાં. તે સમયે પરેશ ધાનાણી ગળહમાં સૌથી યુવા ધારાસભ્‍ય તરીકે બિરાજમાન થયા હતા. હવે ફરી એકવાર આ જંગ છેડાય તેવા એંધાણ જણાઈ રહ્યાં છે. પણ સવાલ એ થાય છેકે, શું આ વખતે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થશે? શું નારાજ થયેલો ક્ષત્રિયએ સમાજ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ ખોલાવી શકે છે?

રાજકોટ બેઠક ઉપર લેઉવા પટેલ સમાજના અંદાજે ચાર લાખ અને કડવા પટેલ સમાજના એક લાખ જેટલા મત છે. ભાજપના પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. કોંગ્રેસ અહીંયા જ્ઞાતિવાદી સમીકરણો અંકે કરવા માટે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી રહ્યું છે.

(3:10 pm IST)