Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

કાલે રામનવમી : રામલલ્લાના જન્‍મોત્‍સવના થશે વધામણા

‘‘ રામ નામ કે હીરે મોતી, મેં બિખરાઉ ગલી ગલી... લેલો રે કોઇ રામ કા નામ, શ્રી રામ જય રામ જય જય રામ '' : મધ્‍યાહને વિશેષ આરતી સાથે ઝાલર નગારા રણઝણી ઉઠશે : પૂજન, અર્ચન, ભજન, સત્‍સંગના ઠેરઠેર કાર્યક્રમો

રાજકોટ તા. ૯ : ‘રામ નામ કી ઔષધી કટે કોટી અપરાધ' જેમના નામ સ્‍મરણ માત્રથી કોટી કોટી અપરાધ માફ થઇ જતા હોય તેવા ભગવાન શ્રી રામનો કાલે અવરતણ દિવસ છે. કાલે ચૈત્ર સુદ નોમના ‘રામનવમી' તરીકે ઉજવણી થશે. રામલલ્લાના જન્‍મની ઘડીના ઓવારણા લઇ પારણે ઝુલાવાશે.

સમગ્ર રાજકોટ રામ રંગે રંગાવા અધીરૂ બન્‍યુ છે. રામ મંદિરોને અનેરા ફુલો અને રોશનીના શણગાર કરી વહેલી સવારથી દર્શન ખુલ્લા મુકાશે.

કાલે રામનવમી નિમિતે રામજી મંદિરોમાં બપોરે વિશેષ આરતીના આયોજનો થયા છે. રામલલ્લાની જાજરમાન શોભાયાત્રાથી માર્ગો શ્રીરામ નામથી ગુંજી ઉઠશે. ઠેરઠેર ધૂન, ભજન, કિર્તન, સત્‍સંગ, યજ્ઞ, દીપમાળાના આયોજનો થયા છે.

શહેરભરમાં રામનવમી નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

હરિનામ સંકીર્તન મંદિર

શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી હરિનામ સંકીર્તન મંડળ દ્વારા કાલે તા. ૧૦ ના રવિવારે રામ નવમી ઉજવાશે. સવારે પ.૩૦ કલાકે સંકીર્તન મંદિરેથી પ્રભાતફેરી નિકળશે. બપોરે ૧૨ વાગ્‍યે શ્રી રામ નવમી જન્‍મોત્‍સવ નિમિતે વિશેષ આરતી થશે. સર્વે ભકતજનો, દર્શનાર્થીઓ પ્રેમ પરિવારના મિત્રોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

કોટેશ્વર મહાદેવ મંદિર

કોઠારીયા કોલોનીના આસ્‍થાના પ્રતિક સમા કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે ચૈત્ર સુદ નોમના રામ જન્‍મોત્‍સવ ધામધુમથી ઉજવાશે. બપોરે ૧૨ કલાકે રામજન્‍મોત્‍સવની મહાઆરતી થશે. ધુન ભજન થશે. સાંજે ૭.૩૦ મહાઆરતી થશે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા કોટેશ્વર પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

બ્રહ્મસેના

બ્રહ્મસેના દ્વારા કાલે રામનવમી નિમિતે પૂજન અર્ચન સાથે શોભાયાત્રાનું સ્‍વાગત કરાશે. વિહિપ દ્વારા પંચનાથ મંદિરે તેમજ રાધેશ્‍યામ ગૌશાળા પ્રેરીત શોભાયાત્રાને બ્રહ્મસેનાનું સમર્થન છે. સંસ્‍થાના જગદીશભાઇ રાવલ, નવનીતભાઇ રાજયગુરૂ, ભુપતભાઇ વ્‍યાસ, વસંતરાય જાની, ગુણુભાઇ વ્‍યાસ, કિશોરભાઇ પંડયા, વિરેનભાઇ જાની, વિશાલભાઇ જાની, કૃણાલભાઇ પંડયા, નિલેષભાઇ જોષી, દિપકભાઇ જાની, રાજેન્‍દ્રભાઇ જાની, અગરભાઇ યાજ્ઞીક, દિવ્‍યેશભાઇ ત્રિવેદી, મહેશભાઇ દવે, સંદીપભાઇ પંડયા વગેરે ઉપસ્‍થિત રહી સાથે જોડાશે. તેમ બ્રહ્મસેનાના જગદીશ રાવલની યાદીમાં જણાવાયુ છે.

ઇશ્‍કોન મંદિર

કાલાવડ રોડ પર આવેલ ઇસ્‍કોન મંદિરે કાલે રામનવમીના દિવસે ભગવાન શ્રી સીતારામ લક્ષ્મણ ભક્‍ત હનુમાનજીના શ્રી વિગ્રહની પ્રાણ પ્રતિષ્‍ઠાની ૩જી વર્ષગાંઠ  ઉજવાશે. રામનવમીના પર્વ સાંજે ૪ થી ૬ ભક્‍તિમય અને સુમધુર કીર્તન, ૫૬ ભોગ દર્શન સાંજે ૬થી ૭:૩૦ રામકથા પર પ્રવચન અને સાંજે ૭:૩૦ વાગ્‍યે ૨૧૦૦ કિલો વિવિધ પ્રકારના સુગંધિત ફૂલોથી ભગવાન શ્રી રામચંદ્રનો પુષ્‍પ અભિષેક થશે. સાંજે ૪ વાગ્‍યાથી સર્વ દર્શનાર્થીઓ માટે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોવાનું શ્રી વૈષ્‍ણવસેવા દાસની યાદીમાં જણાવાયુ છે.

(2:42 pm IST)