Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

હવે બીજુ કામ ફાવતું જ નથી...નીપુ બંગાળી નકલી ડોક્‍ટર બની દવાખાનુ ચલાવતાં ત્રીજીવાર પકડાયો

આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી. વાળા અને ટીમે શિતળાધારમાંથી પકડયોઃ અગાઉ આજીડેમ પોલીસ અને ડીસીબીએ પકડયો હતો

કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા અને શૈલેષભાઇ નેચડાની બાતમી

રાજકોટ તા. ૯: શહેરમાંથી વધુ એક નકલી ડોક્‍ટરને પોલીસે પકડી લીધો છે. માત્ર આઠ ચોપડી ભણેલો અને અગાઉ પણ બે વખત ડીગ્રી વગર દવાખાના ખોલી લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતાં પકડાઇ ચુકેલા આ બંગાળી શખ્‍સને હવે જાણે બીજો કોઇ કામધંધો ફાવતો જ ન હોય તેમ ફરી એક વખત દવાખાનુ ખોલીને બેસી જતાં પકડી લેવાયો છે.

કોઠારીયા સોલવન્‍ટ શિતળાધાર વિસ્‍તાર ૨૫ વારીયા મેઇન રોડ પર હનુમાનજીના મંદિર પાસે એક શખ્‍સ કોઇપણ જાતના બોર્ડ લગાવ્‍યા વગર દવાખાનુ ચલાવે છે અને તેની પાસે ડીગ્રી પણ નથી તેવી બાતમી આજીડેમ પોલીસ મથકના કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા અને શૈલેષભાઇ નેચડાને મળતાં દરોડો પાડતાં ક્‍લિનીક અંદર એક શખ્‍સ ખુરશી પર ગળામાં સ્‍ટેથોસ્‍કોપ લટકાવીને બેઠો હોઇ તેને પોલીસની ઓળખ આપી હતી. ૯×૯નીઓરડીમાં દવાખાનુ ખોલીને બેઠેલા આ શખ્‍સે પોતાનું નામ નિપુ કુમોદરંજન મલિક (ઉ.વ.૪૪-રહે. હાલ શિતળાધાર કોઠારીયા સોલવન્‍ટ, મુળ દીધા ગામ રાશનની દૂકાન પાસે દીઘા, થાના ગાયઘાટા નોર્થ ચોવીસ પરગના વેસ્‍ટ બંગાળ) જણાવ્‍યું હતું. તેની પાસે તબિબી પ્રેકટીસ કરવાની કોઇ ડીગ્રી માન્‍યતા નહિ હોવાનું જણાવતાં ગુનો નોંધી ધરપકડ કરી દવાઓ, બાટલા, ઇન્‍જેક્‍શન સહિતની ચીજવસ્‍તુઓ મળી રૂા. ૨૭૬૨નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

આ શખ્‍સની વિશેષ તપાસ થતાં તે અગાઉ ૨૦૨૦માં આજીડેમ પોલીસના હાથે તથા ૨૦૨૧માં ડીસીબી પોલીસના હાથે ડીગ્રી વગર દવાખાનુ ચલાવતાં પકડાઇ ચુક્‍યાનું ખુલ્‍યું હતું. સતત ત્રીજી વખત તેણે દવાખાનુ ચાલુ કરી લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરવાનું શરૂ કરી દીધું હતું. બીજો કોઇ કામધંધો આવડતો જ ન હોઇ છુટયા બાદ ફરીથી આવું કરતો હોવાનું રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના મુજબ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી. વાળા, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા, જયપાલભાઇ બરાળીયા અને ભીખુભાઇ મૈયડે આ કામગીરી કરી હતી.

(11:45 am IST)