Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ફલેટ ધારકોને વ્‍યકિતગત પાણી વેરો ઝીંકાશે : અમિત અરોરા

લાઇન લીકેજ, પાણી ચોરી માટે ચેકીંગ સ્‍કવોડ શરૂ થશે : સોમવારથી પાણી બચાવો ઝુંબેશ

રાજકોટ તા. ૮ : શહેરમાં ભરઉનાળે પાણીની કટોકટી સર્જાય નહી તે માટે આગામી સોમવારથી મ.ન.પા. દ્વારા પાણી બચાવો ઝુંબેશ શરૂ થશે. જેના અંતર્ગત હવેથી રહેણાંક એપાર્ટમેન્‍ટના ફલેટ ધારકોને વ્‍યકિતગત પાણી વેરા બીલ ફટકારાશે તેમ મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ જાહેર કર્યું હતું.
આ અંગે મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ માહિતી આપતા જણાવેલ કે, સોમવારથી મનપા દ્વારા પાણીનો ફોર્સ ઓછો આવતો હોય તે પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે લાઇન ચેકીંગ, ભુતિયા તળ જોડાણ, ઇલેકટ્રીક મોટર મુકયાની સામે પગલા સહિતની કાર્યવાહી શરૂ કરાશે.
અમિત અરોરાએ વધુમાં જણાવેલ કે, મનપા દ્વારા ઝોન અને હેડવર્ક વાઇઝ એનાલીસીસ કરવામાં આવશે. ઉપરાંત વાલ્‍વ ઓપરેટીંગ ઉપર ખાસ સુપરવિઝન પણ કરવામાં આવશે. સમગ્ર શહેરના ત્રણેય ઝોનમાં મનપાની ટીમો દ્વારા ચેકીંગ ઝુંબેશ અને કડક કાર્યવાહી સોમવારથી શરૂ કરી દેવામાં આવશે.
ઉપરાંત મનપા દ્વારા જ્‍યાં સંપ કનેકશન આપવામાં આવ્‍યું હશે ત્‍યાં સામુહિક નહી પણ વ્‍યકિતગત બીલ આપવા તૈયારી શરૂ કરાયાનું મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ માહિતી આપતા જણાવ્‍યું હતું. સાથે જ જે બીલ ભરતા ન હોય તેમની સામે પગલા લેવાશે. સમગ્ર એપાર્ટમેન્‍ટ કે સોસાયટી સામે નહીં.
પાણીનો બગાડ અટકાવવા પણ મ્‍યુ. કમિશનરે તત્‍પરતા દર્શાવતા જણાવેલ કે, શહેરમાં અનેક જગ્‍યાએ જુની પાણીની લાઇનો છે, જેમાં પાણીનો બગાડ વધુ હોય છે. આવી જુની લાઇનોનો અભ્‍યાસ કરી તેમાં જરૂરી હોય તે ફેરફાર પણ કરવામાં આવશે અને ભવિષ્‍ય માટે અત્‍યારથી જ પાણીનો બગાડ અટકાવવા કવાયત હાથ ધરાશે.

 

(3:09 pm IST)