Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સી.એ. યુવતિને પાંચ શખ્સોએ ઘેરી લઇ ઝઘડો શરૂ કર્યો, હસવા લાગ્યાઃ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

વાહન અકસ્માત સર્જી માફી માંગવાને બદલે બાઇક ચાલકે સીન કર્યા, મિત્રોને બોલાવી વધુ બખેડો કર્યો : યુવતિએ-આજે વિશ્વ મહિલા દિવસે તમે મારી સાથે આવું વર્તન કરો છો? તેમ કહેતાં યુવાનો વધુ ઉશ્કેરાયાઃ યુવતિના સહકર્મી તેમજ નિવૃત પીએસઆઇ પિતા અને એડવોકેટ બહેન આવતાં તેના પર કાતર-મુક્કાથી હુમલો

રાજકોટ તા. ૯: યુનિવર્સિટી રોડ પર સવગુણ સોસાયટી પ્લોટ નં. ૪માં રહેતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં દર્શનાબેન પોપટભાઇ પરમાર પોતાનું ટુવ્હીલર લઇને ઓફિસે જવા નીકળ્યા ત્યારે સાધુ વાસવાણી રોડ પર જીજે૦૩એલડી-૨૩૪૦ નંબરના બાઇકના ચાલકે અકસ્માત સર્જતા દર્શનાબેન પડી જતાં તેણે બાઇક ચાલકને ધ્યાન રાખવાનું કહેતાં તેણે મારું નામ ધર્મરાજસિંહ ઝાલા છે, તું લેડિઝ થઇને શું કરી શકે? તેમ કહી ફોન કરી પોતાના ત્રણ મિત્રોને બોલાવી લેતાં અને નજીકમાં આવેલી રિલેકસ હેર એન્ડ કેર નામની દૂકાનમાંથી પણ એક શખ્સે આવી જઇ પાંચેયે મળી તેને ઘેરી લઇ ઝઘડો શરૂ કરી તેમજ તેના પર હસવા માંડતાં તેણીએ ફોન કરી પોતાની ઓફિસના કર્મચારી હિરેનભાઇ પરમારને બોલાવતાં આ શખ્સોએ તેને માર મારી શર્ટ ફાડી નાંખી કાતરથી છરકા કરી નાંખ્યા હતાં. પોલીસે પાંચેયને ગણતરીના સમયમાં પકડી લઇ બરાબર રીતે કાયદાનું ભાન કરાવ્યું હતું.

ચાર્ટર્ડ એકાઉન્ટ યુવતિએ પોતાના પિતા નિવૃત પીએસઆઇ પી. એસ. પરમાર (ઉ.વ.૬૭) અને એડવોકેટ બહેન પદ્દમીનીબેનને પણ મદદ માટે બોલાવ્યા હોઇ તેઓ પણ આવી જતાં પાંચેય શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. નિવૃત પીએસઆઇને હાથની આંગળીઓમાં કાતરથી ઇજા પહોંચાડાતાં પાંચ ટાંકા આવ્યા હતાં. અકસ્માત બાદ દર્શનાબેને બાઇક ચાલકને 'આજે વિશ્વ મહિલા દિવસ છે છતાં તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો?' તેમ કહેતાં તે અને તેના મિત્રો વધુ ભુરાંટા થયા હતાં અને હસીને મજાક કરવા માંડ્યા હતાં.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નિવૃત પીએઅસાઇની ફરિયાદ પરથી આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી પાંચ શખ્સો ધર્મજીતસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.૨૧-રહે. રૈયા ગામ પરમાર નિવાસ પાસે), યોગેશ ભનાભાઇ ચાવડા (ઉ.૨૦-રહે. સાધુ વાસવાણી રોડ, મોમ્સ ઢોસા સામે), નિમેષ સંજયભાઇ ધામેલીયા (ઉ.૨૧-રહે. રેયા ગામ ચામુંડા કૃપા), યાજ્ઞિક દિનેશભાઇ ભટ્ટી (ઉ.૩૦-રહે. રૈયા રોડ સોપાન હિલ્સ ફલેટ નં. ઇ-૫૦૨, મુળ બગસરા) તથા પવાન રાજેશભાઇ પરમાર (ઉ.૨૩-રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર એસએનકે સ્કૂલ પાછળ બ્લોક નં. ૬૨/૩૭૩)ને પકડી લઇ કાયદો સમજાવતાં યુવતિ પર હસવાનું મોંઘુ પડી ગયું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ, વિજયભાઇ, જયંતિગીરી, મુકેશભાઇ, કૃષ્ણદેવસિંહ, અજયભાઇ, બ્રિજરાજસિંહ, રાવતભાઇ, વિપુલભાઇ સહિતે આ કાર્યવાહી કરી હતી.

(1:02 pm IST)