Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હાઇકોર્ટનો ચુકાદો : વીજ કર્મચારી ઉપર હુમલો કરનાર ગ્રાહક લેખીતમાં માફીનામું આપે

રાજકોટ,તા. ૯ : ગત તા. ૫ ડિસેમ્‍બર ૨૦૨૨ ના રોજ, રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ટીમ એક વીજ જોડાણ કાપવા ગઈ હતી ત્‍યારે તેના કર્મચારી પર ગ્રાહક પુષ્‍પરાજસિંહ જાડેજા દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હતો. હુમલો કરવામાં આવતા જ પીજીવીસીએલ દ્વારા તરત જ ગ્રાહકનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ગ્રાહક દ્વારા બાકી બીલ ભરપાઈ કરી આપવામાં આવેલ અને કનેક્‍શનનું જોડાણ ફરી માંગવામાં આવેલ. પરંતુ પીજીવીસીએલ દ્વારા ગ્રાહક પાસેથી લેખિતમાં માફી માંગી ભવિષ્‍યમાં ફરીથી આવું કૃત્‍ય નહી કરે તેવું લેખિતમાં આપ્‍યા બાદ જ કનેક્‍શન આપવામાં આવશે તેવું જણાવેલ. પરંતુ ગ્રાહકે લેખિત માફી માંગીવાનો ઇનકાર કરેલ અને કનેક્‍શનનું જોડાણ ફરી મેળવવા હાઈકોર્ટમાં પીજીવીસીએલ વિરુદ્ધ ગયેલ. રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર અને તેની ટીમના પ્રયત્‍નોથી કોઇપણ દબાણમાં આવ્‍યા વગર બે મહિના પછી પણ આજદિન સુધી ગ્રાહકને વીજ જોડાણ આપેલ નથી.   પીજીવીસીએલ ના કર્મચારી પર હુમલો કરવાના સંદર્ભે હાઇકોર્ટે હુકમ કરીને ગ્રાહકને આદેશ આપેલ છે કે હુકમ ફરમાવ્‍યાની તારીખથી દિવસ ૭ માં પીજીવીસીએલને ભવિષ્‍યમાં ફરી વાર આવું ગુનાહિત કૃત્‍ય નહી કરે તેવું લેખિત બાંહેધરી સાથેનું માફીનામું આપે ત્‍યારબાદ જ કનેક્‍શન આપવામાં આવશે.

(1:39 pm IST)