Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

પોલીસ ફરિયાદ નથી નોંધતી તેવી ‘ફરિયાદ' નહિ રહે

શહેરના પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનીકસ જગત સાથે ખુલ્‍લ સંવાદમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની ખાત્રી : અરજી લઇ ગુન્‍હો નહિ નોંધવાનો ટ્રેન્‍ડ પોલીસ વિભાગ માટે અયોગ્‍ય હોવાનો સ્‍વીકાર : તમામ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ અધિકારીઓને પ્રજાની ફરીયાદ તુરંત નોંધી ઝડપી પગલાં લેવા તાકીદ : પ્રજાની સલામતી અને ગુન્‍હાના ઝડપી ઉકેલનો એક માત્ર ધ્‍યેય

રાજકોટ, તા., ૮: આજે શહેરના પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનીકસ મીડીયા સાથેના સૌ પ્રથમ સંવાદમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રજાના પ્રશ્નો અને તેમની સમસ્‍યાના નિરાકરણ બાબતે નિખાલસ ચર્ચા કરી કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી રાખવા તેઓ તત્‍પર હોવાનું જણાવ્‍યું હતું.  પોલીસ ફરીયાદ નથી લેતી તેવી ‘ફરીયાદ' નહિ રહે તેવું તેમણે જણાવી સ્‍પષ્‍ટ કર્યુ હતું કે, પોલીસ પ્રજાની ફરીયાદ સાંભળવા અને તેના નિરાકરણ માટે જ બેઠી છે. ફરીયાદ નહી નોંધવાનો ટ્રેન્‍ડ પોલીસ માટે અયોગ્‍ય હોવાનો તેમણે સ્‍વીકાર્ય કર્યો હતો.

પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલા તાલીમ ભવનના વિશાળ એસી હોલમાં માધ્‍યમો સાથે શ્રી રાજુ ભાર્ગવે ખુલ્લા મને ચર્ચા કરી હતી. પત્રકારોના પ્રશ્નો સાંભળી યોગ્‍ય કરવા ખાત્રી આપતા પોલીસ કમિશ્નરશ્રીએ જણાવ્‍યું હતું કે, બંન્ને તરફે તાલમેલ જળવાઇ રહ તે જરૂરી છે.

શહેરની ભૌગોલીક પરિસ્‍થિતિનો અભ્‍યાસ કરી ક્રાઇમ હોટ સ્‍પોટસ શોધી કાઢી ગુન્‍હાખોરો ઉપર કડક રાહે પગલાં લેવાનું અમારૂ પ્‍લાનીંગ છે. ટીનજર્સ વિદ્યાર્થીઓમાં પ્રસરી રહેલી ડ્રગ્‍સની બદી વિષે તેઓએ જણાવ્‍યું હતું કે, અમે પણ સંતાનોના વાલીઓ છીએ. આ મુદ્દોની ગંભીરતા સારી રીતે સમજીએ છીએ અને આ બદીને ડામવા સતત પ્રયત્‍નશીલ રહેશું. 

ટ્રાફીક સમસ્‍યાના ઉકેલ બાબતે તેઓએ સ્‍પષ્‍ટ કહયું હતું કે, આ સમસ્‍યાનું નિરાકરણ  પોલીસના હાથમાં છે તેવી માન્‍યતા ભુલભરેલી  છે. ટ્રાફીક સમસ્‍યાનો ઉકેલ એકલી પોલીસ ન લાવી શકે. આ માટે સહીયારા પ્રયાસો જરૂરી છે. રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશન, પીજીવીસીએલ અને આર એન્‍ડ બી સાથે સંકલન સાધી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયાસો કરીશું. આ માટે પ્રજા જાગૃત બની  નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે. વાલીઓ પોતાના સગીર વયના સંતાનોને સ્‍કુલે જવા માટે બાઇક કે સ્‍કુટર લઇ આપે છે. આ માટે પોલીસ તો જવાબદાર નથી. વાલીઓએ જ પોતાના સંતાનોનું હિત સમજવુ પડશે. મારા માટે લાયસન્‍સ વિહોણા વિદ્યાર્થીઓ સામે પગલા લેવાનો આદેશ આપવો સહેલો છે પરંતુ બીજે દિવસે તમે જ (માધ્‍યમો)  આ વિષે ટીકા-ટીપ્‍પણી કરવાનું ચુકશો નહિ તેમ જણાવતા તેમણે સમસ્‍યાના નિરાકરણ માટે સતત પ્રયત્‍નશીલ રહેવાનો કોલ આપ્‍યો હતો.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, શહેરમાં વધુ વાહનો,  અપુરતી પાર્કીગ વ્‍યવસ્‍થા અને નવા બની રહેલા રોડ-રસ્‍તા  અને બ્રીજના કારણે ટ્રાફીક અવ્‍યવસ્‍થા સર્જાતી રહે છે. જુદા જુદા સરકારી વિભાગો આ મુદ્દે જવાબદારી પુર્વક વર્તી પગલાં લ્‍યે તે માટે સંકલન બેઠકનું આયોજન કર્યુ છે.

પ્રજાની સલામતી, ગુન્‍હા ઘટાડવાનો ગોલ અને ગુન્‍હાના ઝડપી ઉકેલનો એક માત્ર ધ્‍યેય છે. આ ધ્‍યેય પુર્ણ કરવા તમામ સાથી અધિકારીઓ અને પોલીસ સ્‍ટેશન અને બ્રાંચના અધિકારીઓ સાથે મીટીંગ યોજી જરૂરી સુચના આપી દેવામાં આવી છે. આવતા દિવસોમાં તબક્કાવાર પરીણામો મળતા તમે જોઇ શકશો.

તબક્કાવાર વેપારીઓ, જુદી-જુદી સામાજીક સંસ્‍થાઓ અને લોકો સાથે સંવાદનું આયોજન કરી કાયદો અને વ્‍યવસ્‍થા તેમજ ટ્રાફીક સમસ્‍યાના સુચનો માંગી રોડ મેપ બનાવી તે મુજબ પોલીસ પગલાં લેશે તેવું પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે અંતમાં જણાવ્‍યું હતું.

(3:52 pm IST)