Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

તંદુરસ્‍તી વિશે મહિલા જાગૃત બને તે સમાજ માટે લાભદાયક છે : ડો.દર્શના પંડયા

ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓ માટે ખાસ સેમીનાર યોજાયો

રાજકોટઃ વર્તમાન આધુનિક રહેણીકરણીના કારણે સમાજમાં અને ખાસ કરીને મહિલાઓમાં સ્‍વાસ્‍થ્‍ય બાબતે મુશ્‍કેલીઓ વધી છે ત્‍યારે મહિલાઓ જો તંદુરસ્‍ત હશે તો સમાજ માટે લાભદાયક બનશે એમ રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્‍ટ ડો. દર્શના પંડ્‍યાએ જણાવ્‍યું છે. મહિલાઓની તંદુરસ્‍તી બાબતે સતત કાર્યરત રહેતાં ડો. દર્શના પંડ્‍યા દ્વારા તાજેતરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓ માટે ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ડો. દર્શના પંડ્‍યાના જણાવ્‍યા અનુસાર, આજકાલ અનિયમીત અને આધુનીક રહેણીકરણીના કારણે સમાજમાં અનેક રોગનું પ્રમાણ વધ્‍યુ છે. એમાં પણ પરિવારના મહત્‍વના અંગ સમાન મહિલાઓમાં પણ જાગૃત્તિના અભાવે અનેક રોગ ઘર કરી ગયાનું જોવા મળે છે. પરિવારમાં મહિલા તંદુરસ્‍ત હશે તો પરિવાર અને સમાજ માટે લાભદાયક બનશે એવા હેતુ સાથે ડા. દર્શના પંડ્‍યા (આશુતોષ મેટરનીટી એન્‍ડ સર્જીકલ હોસ્‍પિટલ, કોટેચા નગર મેઈન રોડ, કોટેચા ગર્લ્‍સ સ્‍કુલ સામે, રાજકોટ. ફોનઃ ૨૪૩૩૪૪૫) દ્વારા વિવિધ સંસ્‍થાઓના સહયોગથી મહિલા જાગૃત્તિ માટે સેમીનારોનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ખાતે એ વિસ્‍તારના બહેનો માટે સ્‍વસ્‍થ આરોગ્‍ય અંગે સેમીનાર યોજાયો હતો. જેમાં ડો. દર્શના પંડ્‍યા દ્વારા ધર્મ અને પુરાણોના સંદર્ભો સાથે સરળ ભાષામાં સમજણ આપી મહિલાઓ કેવી રીતે શસક્‍ત બની શકે એનુ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. તેમણે ગર્ભાવસ્‍થા દરમિયાન મહિલાએ શું કાળજી રાખવી, રજોનિવૃતિમાં થતાં ફેરફાર, સ્ત્રીઓમાં ગર્ભાશયના અને સ્‍તન કેન્‍સર વગેરે બાબતો પણ વિસ્‍તૃત છણાવટ કરી હતી. તેમણે નોર્મલ ડિલીવરી કઈ રીતે સરળતાથી કરી શકાય અને સ્‍તન પાન ને ઉતેજન મળે એ માટે વિવિધ ટીપ્‍સ આપવામાં આવી હતી. બહોળી સંખ્‍યામાં મહિલાઓ એ ઉપસ્‍થિત રહી સેમીનારનો લાભ લીધો હતો.

 અત્રે ખાસ જણાવવાનું કે રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્‍ટ ડો. દર્શના પંડ્‍યા દ્વારા વરસોથી બાળાઓ અને મહિલાઓની જાગૃત્તિ માટે અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમની આશુતોષ હોસ્‍પિટલ ખાતે દર મહિને મહિલાઓ માટે વિવિધ વિષય પર સેમીનાર યોજાય છે અને જે તે વિષયના નિષ્‍ણાત લોકોને બોલાવી મહિલાઓને યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓ કોલેજોમાં લેક્‍ચર લઈ તરૂણીઓને થતી વિવિધ શારિરીક તકલીફો વિશે સમજણ આપતા હોય છે. તેમની સમાજ સેવાની પ્રવૃત્તિનો વધુને વધુ મહિલાઓને લાભ મળે એ માટે વિવિધ સંસ્‍થાના સહયોગથી જે તે વિસ્‍તારમાં જઈ મહિલાઓને તેમના ઘર આંગણે જઈ તંદુરસ્‍તી માટે જાગૃત કરવા તેમણે ઝુંબેશ શરૂ કરી છે જે આવકારને પાત્ર છે. આ સેમીનારમાં વોર્ડ નં. ૯ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી, મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ મોટવાણી, મંત્રી રાજેશભાઈ જોબનપુત્રા સહિત આ વિસ્‍તારના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ડો. ભાવેશભાઈ જોષીએ કર્યું હતું.

ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર દ્વારા તાજેતરમાં તંદુરસ્‍તી વિશે મહિલાઓમાં જાગૃત્તિ માટે રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્‍ટ ડો. દર્શના પંડ્‍યાના ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું તેની તસવીરી ઝલક.

(3:20 pm IST)