Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

કેન્‍દ્રમાંથી રાજકોટને વધુ રૂા. ૪૨૯ કરોડ મળશે : અમૃત-૨ યોજના હેઠળ વિકાસ કામો

ગુજરાત માટે યોજનાના પ્રથમ તબક્કામાં રૂા. ૫૧૨૮ કરોડની દરખાસ્‍ત મંજુર : પાણી પુરવઠા, ભુગર્ભ ગટર, તળાવ નવીનીકરણ, બાગ બગીચા સહિતના ૪૧૨ કામોનો સમાવેશ : માહિતી આપતા મેયર પ્રદિપ ડવ

રાજકોટ તા. ૮ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ઓક્‍ટોબર-૨૦૨૧માં પાંચ વર્ષના સમય માટે અમૃત-૨.૦ યોજના લોન્‍ચ કરવામાં આવેલ. આ યોજના અંતર્ગત ગુજરાત રાજયના નગરો અને મહાનગરો માટે વિવિધ ૪૧૨ કામો પ્રથમ તબક્કામાં રૂ.૫૧૨૮ કરોડની દરખાસ્‍ત પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ હોવાનું મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્‍યું હતું.
આ અંગે મેયર પ્રદિપ ડવએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારના શહેરી વિકાસ મિશનᅠGUDMᅠદ્વારા અમૃત-૨.૦ મિશન અંતર્ગત રૂ.૧૫ હજાર કરોડના કામો સ્‍ટેટ વોટર એક્‍શન પ્‍લાન અન્‍વયે ત્રણ તબક્કામાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. ᅠદેશના રાજયોના નગરો, મહાનગરોમાં પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજના પુરી પાડવા શરૂ કરવામાં આવેલ અટલ મિશન ફોર રીજુવીનેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન અમૃત-૨.૦ મિશન અન્‍વયે ગુજરાત સરકારે રજુ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ.૫૧૨૮ કરોડની દરખાસ્‍ત કેન્‍દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજુર કરી છે.
ગુજરાત શહેરી વિકાસ મિશનᅠGUDMᅠદ્વારા સ્‍ટેટ વોટર એક્‍શન પ્‍લાન પ્રથમ તબક્કામાં રાજયની ૮ મહાનગરપાલિકાઓ, ૧૫૬ નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્‍તમાં પાણી પુરવઠાના ૨૦૬, ભૂગર્ભ ગટર યોજનાના ૭૦ તથા તળાવ નવિનીકરણના ૬૮ અને બાગ બગીચાના ૬૮ મળી કુલ ૪૧૨ કામોનો સમાવેશ થાય છે.
અમૃત-૨.૦ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્‍યત્‍વે વોટર વર્કસના જેમાં ડી.આઈ.પાઈપલાઈન, હેડવર્કસ, નેટવર્ક્‍સ ખર્ચનું અપગ્રેડેશન ઉપરાંત ભૂગર્ભના કામો સહિત રૂ.૪૨૯ કરોડના કામો સૂચવવામાં આવેલ. જે તમામ કામો કેન્‍દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે. જે મંજુર થતા આ તમામ કામો માટે ડી.પી.આર.બનાવવાની કામગીરી હાથ ધરાશે. કેન્‍દ્ર સરકાર દ્વારા ત્‍વરિત મંજુરી આપતા શહેરના વિકાસ કામોને વેગ મળશે તેમ મેયરે અંતમાં જણાવેલ.

 

(2:56 pm IST)