Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2024

મોરબી રોડ પર ઇભલાનો ફરી આતંકઃ પિતા-પુત્રની હત્‍યાનો પ્રયાસ

‘તમારી કરિયાણાની દૂકાને ભૈયાને કેમ ભેગા કરો છો?' કહી યોગેશ મકવાણાને ગાળો ભાંડીઃ તેના વૃધ્‍ધ માતા વચ્‍ચે પડતાં તેમને બે ત્રણ ફડાકા માર્યાઃ પછી પોતાના ભાઇ અને બે અજાણ્‍યા સાથે મળી તલવાર-ધોકાથી હુમલો કર્યોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યોઃ બે સકંજામાં :સિક્‍યુરીટી ગાર્ડ યોગેશ મકવાણાને માથામાં ગંભીર ઇજાઃ કરિયાણાના ધંધાર્થી હરજીવનભાઇ મકવાણાને ધોકા-લાકડીના ઘાથી મુંઢ ઇજાઃ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત પણ કર્યા : ઇબ્રાહીમ ઉર્ફ ઇભલા વિરૂધ્‍ધ મારામારી, હત્‍યાનો કોશિષ, આર્મ્‍સ એક્‍ટ, ખંડણી, ફરજમાં રૂકાવટ, રાયોટીંગ સહિતના ૫૦ જેટલા ગુના

રાજકોટ તા. ૮: શહેરના જુના મોરબી રોડ પર ચામડીયા ખાટકીવાસ શાળા નં. ૭૭ પાસે રહેતાં અને અગાઉ મારામારી, હત્‍યાની કોશિષ, ખંડણી, આર્મ્‍સ એક્‍ટ, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ સહિતના પચાસ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા ઇબ્રાહીમ ઉર્ફ ઇભલાએ પોતાના ભાઇ અને બે અજાણ્‍યા સાથે મળી રવિવારે રાતે ફરીથી ધમાલ મચાવી છે. મોરબી રોડ ગણેશનગરમાં રહેતાં અને સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં યુવાનને તલવારના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસ કરતાં અને તેના વૃધ્‍ધ પિતા કે જે ઘર સાથે જ કરિયાણાની દૂકાન ધરાવે છે તેને ધોકા-લાકડીથી ફટકારતાં પોલીસે ગુનો નોંધ્‍યો છે. તમારી કરિયાણાની દૂકાને ભૈયા લોકોને શું કામ ભેગા કરો છો? કહી આ આતંક મચાવ્‍યો હોવાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ ગણેશનગર-૮માં રહેતાં યોગેશભાઇ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૪૩) અને તેના પિતા હરજીવનભાઇ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૬૭) પર રાતે ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો સહિતે તલવાર-ધોકાથી હુમલો કરતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાંઉ આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ પટેલ અને તોૈફિકભાઇ જુણાતે બી-ડિવીઝન પોલીસને કરતાં પીઆઇ એસ.એમ. જાડેજા સહિતે હોસ્‍પિટલે પહોંચી યોગેશભાઇ હરજીવનભાઇ મકવાણાની ફરિયાદ પરથી ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ, તેનો ભાઇ ફિરોઝ કરીમભાઇ અને બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૨૯૪ (ખ), ૧૩૫, એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યોગેશભાઇ મકવાણા સિક્‍યુરીટી ગાર્ડ તરીકે શાપરની બેંક ખાતે નોકરી કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે અને પત્‍નિનું નામ રમીલાબેન છે. પોતે માતા-પિતા સાથે સંયુક્‍ત કુટુંબમાં રહે છે. માતા પિતા ઘર સાથે જ કરીયાણાની દુકાન ચલાવે છે. યોગેશભાઇએ જણાવ્‍યું હતું કે રવિવારે રાતે સાડા આઠેક વાગ્‍યે હું મારા ઘરના ઉપરના માળે હતો ત્‍યારે અમારી દૂકાન પાસે અવાજ થતો હોઇ અને ઝઘડો થતો હોય તેમ લાગતાં હું નીચે આવતાં મારા બા-બાપુજી સાથે ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો માથાકુટ કરતો હોઇ મેં તેને શા માટે માથાકુટ કરો છો? તેમ પુછતાં તેણે કહેલું કે તારી દૂકાન પાસે ભૈયા લોકોને કેમ ઉભા રાખો છો? કેમ બેસાડો છો? તેમ કહેતાં મેં તેને કહેલું કે દૂકાન હોઇ ગ્રાહક તરીકે તેવો ચીજવસ્‍તુ લેવા આવતાં હોય છે.

આથી ઇભલો ઉશ્‍કેરાઇ ગયો હતો અને મને મા-બહેન સમી ગાળો દેવા માંડતા મેં તેને ગાળો બોલવાની ના પાડતાં અને મારા બા વચ્‍ચે પડતાં ઇભલાએ તેને બે ત્રણ ફડાકા મારી દીધા હતાં. જેથી મેં મારા બાને છોડાવ્‍યા હતાં. આ પછી ઇભલો દોડીને શેરીમાં ગયો હતો અને તલવાર લઇને આવ્‍યો હતો. તેનો ભાઇ ફિરોઝ પણ ધોકા સાથે આવ્‍યો હતો. ફિરોઝે ઇભલાના હાથમાંથી તલવાર લઇ મથે માથામાં બે ઘા મારી દેતાં હું લોહીલુહાણ થઇ પડી ગયો હતો. મારા બાપુજી હરજીવનભાઇ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૬૭) વચ્‍ચે પડતાં તેને પણ ઇભલાએ ધોકાથી માર મારતાં તેને ઇજા થઇ હતી. બીજા બે અજાણ્‍યાએ લાકડીથી હુમલો કરી માને અને મારા બાપુજીને માર માર્યો હતો અને આજે તો આને પુરા જ કરી નાખવા છે તેમ કહી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ધમકી દીધી હતી અને ભાગી ગયા હતાં.

મને અને મારા બાપુજીને ઇજાઓ થઇ હોઇ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અમારી કરીયાણાની દૂકાને ભૈયા ગ્રાહકો ખીરદી કરવા આવતાં હોઇ ઇભલાએ તમારી દૂકાને ભૈયા આવવા ન જોઇએ, તેને કેમ ભેગા કરો છો? કહી ગાળો ભાંડતાં ગાળો દેવાની ના પાડતાં તલવાર, ધોકા, લાકડીથી હુમલો કરી મારી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો અને મારા પિતાને મુંઢ માર માર્યો હતો. તેમજ અમને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યા હતાં. તેમ વધુમાં યોગેશભાઇએ જણાવતાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધ્‍યો હતો. ડી. સ્‍ટાફની બે શકમંદને પુછતાછ માટે ઉઠાવી લીધા હતાં. ઇભલો અને તેનો ભાઇ હાથમાં આવ્‍યા ન હોઇ શોધખોળ થઇ રહી છે.

(3:35 pm IST)