Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

હવે વિજ્ઞાન જાથાને શિવરાત્રીના મેળા સામે પણ વાંધો પડ્યો : કહ્યું,બનાવટી બાવાઓની ફૌજ ઉતરે છે!!

બનાવટી નાગા બાવાઓના નામે મહા શિવરાત્રીને બદનામ કરવા જાણે બીડુ ઝડપતા જયંતજી : રાજય સરકારે - વિજયભાઈએ હવે જાગવાની જરૂર : સર્વત્ર પ્રવર્તી રહેલો મત : જયંતજી કહે છે દિવ્ય શકિત, સાધના, તાકાત, શકિત આ બધુ જ પોકળ - બનાવટી છે

રાજકોટ : જૂનાગઢમાં આ વર્ષે તા.૯મી ફેબ્રુઆરીથી તા.૧૩મી ફેબ્રુઆરી સુધી પવિત્ર, આસ્થાનું કેન્દ્ર શ્રદ્ધાસુમન અલૌકિક પાંચ દિવસીય શિવરાત્રીનો મેળો યોજાવાનો છે જેના માટે સૌને આદર અને ધાર્મિક અહોભાવ છે. પરંતુ મેળામાં પરપ્રાંતીય બનાવટી નાગા બાવા અંગકસરત, પ્રસાદ, ચલમની ઘૂંટનો આગ્રહ કરી શ્રદ્ધાળુઓના શરીર ઉપરની કિંમતી દાગીના, રૂપિયા ખંખેરી છેતરપીંડી આચરતા હોય લોકોને સાવધાન રહેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાએ છેલ્લા આઠ વર્ષમાં દસ બનાવટી બાવાનો પર્દાફાશ કરતા તેઓ મદારી અને અન્ય જ્ઞાતિના નીકળ્યા હતા તેથી સાવધાની જરૂરી છે. સાચા સાધુ સંતો સદૈવ આદર હોય છે એવી ડાહી વાતો જાથાના ચેરમેન શ્રી જયંત પંડ્યાએ કરી છે.

 

શ્રી જયંત પંડ્યા જણાવે છે કે દર વર્ષે બનાવટી બાવાથી યેનકેન રીતે લોકો છેતરપીંડીના ભોગ બને છે. સોનાની વીંટી, ચેઈન, ઘડિયાળ, પાકીટના રૂપિયા ગાયબ થઈ જાય છે. ભોગ બનેલ વ્યકિત અર્ધભાનાવસ્થામાં આવતા ૩૦ કે ૪૦ સેકન્ડ બેભાન થઈ જતા કિંમતી વસ્તુ ગાયબ થઈ જાય છે. અંગકસરતમાં વિંટી, ઘડીયાલ મુકતા પરત આપવામાં આવતી નથી તેથી લોભામણા નિદર્શનથી દૂર રહેવા જાથાએ અપીલ કરી છે. તેમણે લીંગ ઉપર કસરત પ્રદર્શનથી ચેતવા અને સાધુ - સંતોએ બનાવટી બાવા માટે ઉકેલ શોધવો પડશે તેવી વણમાગી સલાહ પણ જયંતજીએ આપી છે.

શિવરાત્રીના મેળામાં બનાવટી બાવાની ફૌજ ઉતરી હોય છે તેનું કોઈ નિયંત્રણ નથી. લોભામણી રાવટીમાં શ્રદ્ધાળુઓ ભોગ બને છે. બનાવટી બાવા અર્ધભાન કરી વીંટી, ઘડીયાળ, ચેઈન ઉતારી લે છે. ભાનમાં આવે ત્યારે મોડુ થઈ જાય છે. કયાં છેતરાયા તેની ખબર રહેતી નથી. મેળામાં સાવચેતી અતિ આવશ્યક છે. કેફી - નશીલા પદાર્થથી દૂર રહેવું. નિર્દોષને ટોળકી નિશાન બનાવે છે. કાયમી ટેવ પાડવા મફત ઘૂંટ મારવાનું કહી વ્યસની બનાવે છે પછી લૂંટ આચરે છે. દિવ્યશકિત, સાધના, તાકાત શકિત વગેરે પોકળ હોય છે કયારેક ધાર્મિકવિધિ - ધૂણી બનાવટી હોય છે.

વિશેષમાં એડવોકેટ પંડ્યાએ જણાવ્યુ કે એક ચલમ પીવાથી ત્રણ યુવાનોના કાંડામાંથી ઘડિયાળ, વીંટી, ચેનનો હાર નીકળી ગયેલ તે સંબંધી જાથાએ તત્કાલીન ડીએસપીને જાણ કરી હતી. ઉપરાંત ગત વર્ષે જટામાંથી ગંગાજળ કાઢી છેતરપીંડી નાગા બાવાનો સ્થળ ઉપર જ પર્દાફાશ કર્યો હતો તેની પાસેથી દસ ગ્રામ ગાંજો, લોકો પાસેથી છેતરપીંડીની વસ્તુ મળી આવી હતી. રાજકોટમાં મવડી પ્લોટ સહિત અન્ય વિસ્તારોમાં છેલ્લા આઠ વર્ષમાં ૧૦ બનાવટી બાવાનો પર્દાફાશ કરાયાનું પણ જયંતજી કહે છે.

બનાવટી બાવાના કારણે કાયમી ઓળખકાર્ડ રાખવા આયોજકોએ વિચારવુ જોઈએ તેવી સલાહ સાધુ - સંતોને જયંતજીએ આપી છે.

(12:52 pm IST)