Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે કારની ઠોકરે સાયકલ સ્‍વાર નેપાળી યુવાનનું મોત

જીવરાજ પાર્ક પાસે રહેતો ૨૪ વર્ષિય યુવાન હોટેલની નોકરી પુરી કરી ઘરે જતો હતો અને રસ્‍તામાં જિંદગી પુરી થઇ ગઇ

રાજકોટ તા. ૭: કાલાવડ રોડ પર સ્‍પીડવેલ પાર્ટી પલોટ નજીક રાત્રીના સાડા અગિયારેક વાગ્‍યે કારની ઠોકરે સાઇકલ ચડી જતાં સાયકલચાલક જીવરાજ પાર્ક પાસે રહેતાં નેપાળી યુવાનનું મોત નિપજ્‍યું હતું. પાંચ દિવસ પહેલા જ તે હોટેલમાં નોકરીએ રહ્યો હતો અને નોકરી પુરી કરી ઘર તરફ જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.જાણવા મળ્‍યા મુજબ જીવરાજ પાર્ક પાસે શિલ્‍પ એપાર્ટમેન્‍ટમાં ચોકીદારના રૂમમાં પત્‍નિ, પુત્ર સાથે રહી ચોકીદારી કરતો રેમન્‍ત સુરતબહાદુર સાઉદ (ઉ.૨૪) નામનો નેપાળી યુવાન પાંચેક દિવસ પહેલા જ તાલુકા પોલીસ સ્‍ટેશન પાછળ આવેલી રીયલ અરવન્‍ટ ડેક હોટેલમાં વેઇટરની નોકરીમાં રહ્યો હતો. ગત રાતે નોકરી પુરી કરી સાઇકલ હંકારી ઘરે જતો હતો ત્‍યારે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં કાર ચાલકે જ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને ધર્મેન્‍દ્ર હુદડે જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. સંતાનમાં એક પુત્ર છે. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:28 pm IST)