Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

આજી ડેમ પાસે મામલતદારના ઓપરેશનથી આજીનગરના સેંકડો લોકો ''બેઘર'' બની ગયાઃ મોટો ઉહાપોહઃ કલેકટરને આવેદન

કોરોના હોવા છતાં બહાર નીકળવું પડયું છેઃ દિવાળી ટાણે જ તંત્રે ઘર વગરના કરી નાંખ્યાઃ રોજીરોટીનો પણ સવાલ છે : વૈકલ્પિક જગ્યા ફાળવવા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જવા તૈયાર હોવાનું કહ્યું

આજી ડેમ પાસે આવેલ આજીનગર વિસ્તારમાં  કલેકટર તંત્રે બુલડોઝર ફેરવી દેતા સેંકડો લોકો બેઘર બની ગયા છે, આજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૭: તાજેતરમાં પૂર્વ વિસ્તારના ઇન્ચાર્જ મામલતદારે આજીડેમ પાસે કિશાન ગૌશાળાવાળા રોડ ઉપર ડીમોલીશન કરી ઝુપડા-કાચા-પાકા મકાનો તોડી પાડયા હતા, પરિણામે સેંકડો લોકો બેઘર બની ગયા છે, મોટો ઉહાપોહ ઉભો થયો છે, અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ માટેની આ જમીન ઉપર આ દબાણ ઉભું થયું હતું, આ જમીન કલેકટર તંત્રે વનખાતા અને કોર્પોરેશનને આપેલી છે, આજે બેઘર બનેલા લોકો કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા, અને આવેદન પાઠવી વૈકલ્પિક રહેઠાણ-જમીન આપવા માંગણી કરી હતી.

મીરા ઉદ્યોગનગર-આજીનગર ખાતે રહેતા અને બેઘર બનેલા લોકોએ આવેદનમાં જણાવ્યું હતું કે, અમે આ ઉપરોકત વિસ્તારમાં ૪૦ વર્ષથી રહીએ છીએ. અમે અગાઉ આપેલ આવેદન સમયે ૧પ દિવસમાં જવાબ આપવાનું જણાવેલ, પરંતુ ૧પ દિવસ પછી કોઇ જવાબ મળ્યો નથી, અમે દિવાળી ટાણે જ બેઘર બની ગયા છીએ, રહેવાનો કોઇ આશરો નથી, એટલે ગમે ત્યાં ૧૦૦ વારનો પ્લોટ અથવા ગ્રામીણ વિસ્તારમાં પણ જગ્યા ફાળવશો તો જવા તૈયાર છીએ. હાલ કોરોનાની મહામારી છે છતાં અમે બહાર નીકળી દોડી આવ્યા છીએ, રોજીરોટી માટે પણ કોઇ સાધન નથી, આથી તાકિદે અમારો વસવાટ કરી આપવા વિનંતી છે.

(2:59 pm IST)