Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સોની બજારના વેપારી સાથે લાખોની ઠગાઇના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૭: સોની બજારમાં વેપારી સાથે રૂ. ૧૪.૯૪ લાખની છેતરપીંડીમાં આરોપી જેલ હવાલે થતાં જામીન અરજી કરતાં કોર્ટે જામીન અરજી રદ કરી હતી.

રાજકોટમાં સોની બજારમાં વેપારી સાથે રૂ. ૧૪.૯૪ લાખની છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો હતો. વી. રસીકલાલ જવેલર્સ નામની પેઢીના સંચાલકે દાગીના બનાવવા આપેલ સોનું તથા દાગીના પરત ન આપી શ્રમિકે છેતરપીંડી આચર્યાની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ પુછતાછ કરી હતી.

રેસકોર્ષ પાર્ક પાસેના ગોલ્ડ ક્રેષ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોની બજારમાં વી. રસીકલાલ જવેલર્સ નામની પેઢી ચલાવતા હિતેશભાઇ રસીકભાઇ ધકાણએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે સોની બજારમાં ખડકી ચોક પાસે કૃષ્ણાશ્રય એપાર્ટમેન્ટમાં રહેતો પિન્ટુ પ્રકાશ વેડીયાનું નામ આપ્યું હતું.

સદરહું ફરીયાદને અનુસંધાને પોલીસે નાસતા ભાગતા આરોપી પીન્ટુ પ્રકાશ વેડીયાની ધરપકડ કરી તેની રીમાન્ડ મેળવેલ હતી. રીમાન્ડ પુર્ણ થતા આરોપીને અદાલતમાં રજુ કરતા. આરોપીએ જામીન પર મુકત થવા અરજી કરેલ. સદર અરજી સામે ફરીયાદીના એડવોકેટ કમલેશ શાહ એ લેખીત વાંધા રજુ રાખી આરોપીની વર્તણુંક ધ્યાને લેવા જણાવેલ હતું. ફરીયાદ પક્ષના વાંધા તથા આરોપી પક્ષે દલીલો સાંભળી અદાલતે આરોપીની જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં ફરીયાદી સોની બજારના વેપારી વી. રસીકલાલ જવેલર્સ વતી વકીલ તરીકે કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, મુકેશ દોશી, ધવલ પડિયા તથા જીગર સંઘવી રોકાયેલ હતા.

(2:44 pm IST)