Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બે વર્ષ પહેલા આજીડેમ પોલીસે પકડ્યો'તો...ફરી દાકતરી ચાલુ કરી અને આ વખતે એસઓજીની ઝપટે ચડ્યો

ડો. કક્કડના બોર્ડવાળા દવાખાનામાં ડીગ્રી વગરનો ડોકટર સંજય સોમપુરા પ્રેકટીસ કરતાં ઝડપાયો!

આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્કમાં રૂ. ૫૦ થી ૮૦ ફી લઇ દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતો'તોઃ દવાઓનો જથ્થો, સ્ટેથોસ્કોપ, બેટરી, બીપી ચેક કરવાનું મશીન, કાતર, ડ્રેસીંગનો સામાન, ઇન્જેશન સહિતનો મુદ્દામાલ કબ્જે : એસઓજીના સોનાબેન મુળીયા, વિજેન્દ્રસિંહ ઝાલા અને અઝહરૂદ્દીન બુખારીની બાતમી પરથી પીએસઆઇ અંસારી અને ટીમનો દરોડો

આદત સે મજબૂરઃ બે વર્ષ પહેલા ડીગ્રી વગર દવાખાનુ ચલાવતાં પકડાયો, લોકઅપ જોઇ છતાં સુધરવાનું નામ ન લીધું. ફરી દવાખાનુ ચાલુ કર્યુ ને ફરીથી પોલીસ મથકની હવા ખાધી...પ્રથમ તસ્વીરમાં નકલી ડોકટર સંજય સોમપુરા તથા અન્ય તસ્વીરોમાં પીએસઆઇ અંસારી તથા ટીમ અને કબ્જે થયેલો દવાખાનાનો સામાન જોઇ શકાય છે.

રાજકોટ તા. ૭: શહેરમાં અવાર-નવાર ડીગ્રી વગરના ડોકટરો લોકોની જિંદગી સાથે ચેડા કરતાં ઝડપાય છે. કોઇ આઠ-દસ ચોપડી માંડ પાસ હોય છે, પણ કમ્પાઉન્ડરના અનુભવને આધારે દાકતરી કરવા માંડતા હોય છે. વધુ એક આવો ડોકટર શહેર એસઓજીની ઝપટે ચડ્યો છે. આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક-૧માં દરોડો પાડી પોલીસે સંજય રસિકભાઇ સોમપુરા (ઉ.વ.૫૫)ને ઝડપી લીધો છે. બે વર્ષ પહેલા પણ આજીડેમ વિસ્તારમાં કિલનીક ચલાવતાં પકડાયો હતો. થોડો સમય ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી લઇ હાલમાં ત્રણ-ચાર મહિનાથી ફરી દવાખાનું ચાલુ કરી દીધું હતું. પણ આ વખતે તેણે ચાલાકી વાપરી કિલનીક ઉપર ડો. બી.વી. કક્કડનું નામ અને તેની આયુર્વેદિક ડિગ્રીના નંબર લખેલા હતાં. આમ છતાં તે પકડાઇ ગયો હતો.

એસઓજીના કોન્સ. સોનાબેન મુળીયા, વિજેન્દ્રસિંહ ઝાલા અને અઝહરૂદ્દિન બુખારીને સચોટ બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ બાતમીના સ્થળે પહોંચી તો કિલનીક પર દવાખાનુ-ડો. બી.વી. કક્કડ એવું લખાણ જોવા મળ્યું હતું. આ આયુર્વેદિક ડોકટરની ડિગ્રીના નંબર પણ બોર્ડમાં હતાં. પોલીસ અંદર પહોંચી તો ૮*૧૦ની જગ્યામાં એક શખ્સ ખુરશી પર ગળામાં સ્ટેથોસ્કોપ લટકાડીને બેઠેલો જોવા મળ્યો હતો. અંદર દર્દીઓને સુવડાવવાનું ટેબલ હતું. તેમજ બીપી માપવાનું મશીન, ઇન્જેકશન, એલોપેથી દવાઓનો જથ્થો સહિતના મેડિકલના સાધનો હતો.

ખુરશી પર બેઠેલા શખ્સને પુછતાં પોતાનું નામ સંજય રસિકભાઇ સોમપુરા (બ્રાહ્મણ) (ઉ.વ.૫૫) હોવાનું અને પોતે કિલનીક સાથેના જ મકાનમાં રહેતો હોવાનું કહ્યું હતું. પહેલા તો પોતે ડોકટર હોવાનું રટણ કર્યુ હતું. પણ ડીગ્રી માંગવામાં આવતાં જ ગેંગેં-ફેંફેં થઇ ગયો હતો. તેમજ પોતે માત્ર દસ ચોપડી ભણેલો હોવાનું અને કોઇ ડીગ્રી નહિ હોવાનું તેમજ અગાઉ કમ્પાઉન્ડરનો અનુભવ લીધો હોઇ તેના આધારે દવાખાનુ ખોલી ૫૦ થી ૮૦ રૂપિયા ફી વસુલી લોકોની સારવાર કરતો હોવાનું કબુલતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી રૂ. ૨૦૮૭૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આઇપીસી ૪૧૯ તથા મેડિકલ પ્રેકટીશનર એકટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. વિશેષ તપાસ થતાં ૨૦૧૮માં પણ આ શખ્સ આજીડેમ પોલીસના હાથે દવાખાનુ ચલાવતાં પકડાયો હતો. હાલમાં ફરીથી દાકતરી ચાલુ કરી દીધી હતી. તેણે કિલનીક પર પરિચીત ડો. કક્કડનું બોર્ડ લગાવી દીધું હતું. જેથાની આ ડોકટર તદ્દન અજાણ હતાં. વિશેષ તપાસ આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદીએ હાથ ધરી છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરી અને એસઓજી પીઆઇ આર. વાય. રાવલની સુચના હેઠળ પીએસઆઇ એમ. એસ. અંસારી,  હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, અનિલસિંહ ગોહિલ, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, અઝહરૂદ્દીન બુખારી અને સોનાબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.

(12:41 pm IST)