Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જન્મદિવસે જ ૧૩ વર્ષની બાળાને ભગાડી જઇ દૂષ્કર્મ આચરનારો દિપ્તીનગરનો ચિરાગ સાયલા પાસે હોટેલમાં કામ કરતો પકડાયો

ભકિતનગર પોલીસે ચોક્કસ માહિતીને આધારે દબોચ્યોઃ બાળાને ગિફટ અપાવવાના બહાને ડી માર્ટ મોલથી ભગાડી ગયો'તોઃ સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતાં: ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરતાં બે દિવસ બાદ બાળાને પરત મોકલી દઇ પોતે ભાગતો ફરતો હતો : પીઆઇ જે. ડી. ઝાલા,પીએસઆઇ જે. બી. પટેલ અને ટીમે દબોચ્યો

રાજકોટ તા. ૭: શહેરના કોઠારીયા રોડ પર દિપ્તીનગર મેઇન રોડ પર બગીચા સામે શ્રીરામ નિવાસમાં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો નાડોદા રજપૂત ચિરાગ ઘનશ્યામભાઇ વણોલ (ઉ.વ.૧૯) ૨૬/૧૦ના રોજ ૧૩ વર્ષની બાળાને ડી માર્ટ મોલ પાસેથી તેણીના જન્મદિવસની ગિફટ લઇ આપવાનું કહી બાઇકમાં બેસાડી ભગાડી ગયો હતો. ભકિતનગર પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરતાં તે ભીંસમાં આવ્યો હતો અને બાળાને છોડી દઇ પોતે ભાગી ગયો હતો. પરત આવેલી બાળાએ પોતાને બર્થડે ગિફટ લઇ દેવાને બહાને ચિરાગે ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ દૂષ્કર્મ આચર્યાની વાત કરી હતી. સતત ફરાર આ શખ્સ સાયલા નજીક ડોળીયા બાઉન્ડ્રી પાસે રાજપૂતાના હોટેલમાં કામે રહી ગયો હોઇ ત્યાંથી તેને પકડી લેવાયો છે.

ભકિતનગર પોલીસે બનાવ અંગે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો હતો. બાળા પરત આવ્યા બાદ તેણીએ પોતાની સાથે બળજબરી થયાનું જણાવતાં કલમ ૩૭૬નો ઉમેરો કરાયો હતો. ૨૬/૧૦ના બાળાનો બર્થ ડે હોઇ તે ડી માર્ટ મોલમાં ગઇ હતી. એ પછી પરત ન આવતાં શોધખોળ કરાઇ હતી. મોલના કેમેરા ચેક કરવામાં આવતાં એક શખ્સ તેણીને બાઇકમાં બેસાડી લઇ જતો દેખાયો હતો. એ પછી પોલીસે તપાસ કરતાં આ શખ્સ દિપ્તીનગરનો ચિરાગ વણોલ હોવાનું ખુલ્યું હતું. તે ઘરે ન હોઇ એ જ ભગાડી ગયાનું સ્પષ્ટ થયું હતું.

આ શખ્સને શોધી કાઢવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડે સુચના આપી હોઇ પી.આઇ. જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, મનરૂપગીરી ગોસ્વામી, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ સિરોડીયા, રણજીતસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભરવાડીયા અને રાજશીભાઇએ તપાસ શરૂ કરતાં માહિતીને આધારે ચિરાગને ડોળીયા બાઉન્ડ્રીની હોટેલમાં કામ કરતો પકડી લેવાયો છે. ચિરાગની વિશેષ પુછતાછ કરવામાં આવી રહી છે.

(12:39 pm IST)