Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિવાળી ઇફેકટ : રાજકોટ - અમદાવાદથી ટ્રેનો હાઉસફુલ : ૮૦થી ૨૫૦ દિવસનું વેઇટીંગ : મુસાફરોમાં દેકારો : વધુ ટ્રેનની માંગ

દિલ્હી - વારાણસી - હાવડા - ગોરખપુર ટ્રેનોમાં ભારે ડીમાન્ડ : વતન જવા માંગતા લોકોને ભારે હાલાકી

રાજકોટ તા. ૭ : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેમ એસટી અને ટ્રેનમાં મુસાફરોનો ધસારો વધી રહ્યાનું આજે મળતા રીપોર્ટ પરથી જાણવા મળ્યું હતું.

ખાસ કરીને સ્પેશીયલ ટ્રેનોમાં જ ભારે ધસારો હોવાનું અને નિયમિત ટ્રેનો દોડતી ન હોય તે મુખ્ય કારણભૂત હોવાનું રેલવેના અધિકારી સૂત્રોએ કહ્યું હતું.

વિગતો મુજબ રાજકોટ - અમદાવાદથી ઉપડતી લાંબા અંતરની તમામ ટ્રેનોમાં ૫૦થી ૨૫૦નું વેઇટીંગ ચાલી રહ્યું છે.

જે ટ્રેનોમાં વેઇટીંગ ચાલી રહ્યું છે, તેમાં અમદાવાદ - હઝરત નિઝામુદ્દીન, ગોરખપુર, દરભંગા, પટણા, વારાણસી, દિલ્હી, હાવડા, રાજકોટ, મુંબઇ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.

વેઇટીંગ સતત વધી રહ્યું હોય, વતનમાં જવા માંગતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી છે, વધુ ટ્રેનો દોડાવાય તેવી માંગણી ઉઠી છે.

હાલ ફકત સ્પેશીયલ અને ફેસ્ટીવલ ટ્રેનો જ ચાલુ છે, કોરોનાને કારણે રૂટીન ટ્રેનો શરૂ થઇ નથી અને હવે ગઇકાલથી તમામ સ્લીપર કલાસ ટ્રેનોમાં વેઇટીંગ પાટીયા લાગી જતા મુસાફરો હેરાન - પરેશાન થઇ ગયા છે.

રાજકોટ ઉપરાંત અમદાવાદમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતવાસીઓ રહે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉપર વતનમાં જવાનું તેઓએ પસંદ કર્યું છે, અને ગઇકાલથી તા. ૧૪ સુધી ૫૦થી ૨૫૦ સુધીનું લાંબા અંતરની તમામ ટ્રેનોમાં વેઇટીંગ હોય છેલ્લી ઘડીએ આયોજન કરનારા મુસાફરોને ભારે હાલાકી ઉદ્ભવી છે.

(11:39 am IST)