Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગોપાલ ઈટાલીયાઃ બૌધ્ધિક- સાત્વિક વ્યકિતનો રાજકારણમાં પ્રવેશ સમાજ માટે શુભસંકેત

આવા યુવાનો આગળ આવે તો રાજનીતિ, લોકશાહી અને દેશનું ભલું થાયઃ નાગરિકોના હકક માટે નોકરી ગુમાવેલી

હું જેનાથી પ્રભાવિત છું તેવા આખાબોલા ભાઈ શ્રી ગોપાલ ઈટાલિયા દ્રઢનિશ્ચયી, ચપળ, ઉગ્ર, આંતરીક શુદ્ધ, ક્રાંતિકારી, મૈત્રી ભાવના વાળા, તત્વચિંતક અને જનતામાં જુસ્સો જગાડવાનું કામ કરનાર બાહોશ યુવાન.

ત્રીસ વર્ષનો ખંતીલો જુવાનજોધ, ઘુઘવાટા, હાકલા પડકારા કરી ચમરબંધી સત્તાધીશો લલકારતો ભાઈ શ્રી ગોપાલભાઈ ઈટાલીયા આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપપ્રમુખ છે.

સારા માણસો રાજકારણમાં આવતા ન હોવાથી જડ, દંભી, ભ્રષ્ટ, નિરક્ષર, રૂઢિવાદી અને અસામાજીક તત્વોએ રાજકીય પક્ષોને કબ્જે કરી સમાજનું શોષણ કરી રહ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલિયા જેવા બૌદ્ધિ અને સાત્ત્વિક વ્યકિતનું રાજકીય પ્રવેશ સમાજ માટે શુભ સંકેત છે.

ભાવનગર જિલ્લાના ટીંબી ગામે પ્રાથમિક અભ્યાસ કરી તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી પોલીટીકલ સાયન્સની પદવી મેળવી હતી.

નાગરીકોના હક માટે કાયદાની સરળ સમજણ સાથે માહિતી પ્રદાન કરી સમાજને જાગૃત કરી રહેલ ગોપાલભાઈ કોન્સ્ટેબલ અને રેવન્યુ કલાર્ક તરીકે સરકારી નોકરીમાં હતા. ત્યાારે નોકરીની ખેવના વગર બેરોજગાર યુવાનોના અધિકાર અને દારૂબંધી માટે સરકાર સામે લડત કરતા હોય બરતરફ કરવામાં આવેલ.

રાજકીય સફળતા રાતોરાત મળતી નથી. પરંતુ શ્રી ગોપાલ ઈટાલીયા જેવા અભ્યાસુ, જાણકાર, શિક્ષિત, સમજદાર અને પરિપકવ યુવાનો રાજકારણમાં સફળત થાય એમાં તેમનું પોતાનું જ નહિ પરંતુ રાજનીતિનું, લોકશાહીનું અને દેશનું ભલું થાય તેમ છે.

સામાજિક અને રાજકીય સ્ટેજ ઉપરથી કહેવાતા આગેવાનો અને નેતાઓ દ્વારા યુવાનો આગળ આવો, યુવાનો આગળ આવો એવા હાંકલ પડકારા ખુબ કરવામાં આવે છે. પરંતુ જયારે ખરેખર ગોપાલ ઈટાલીયા જેવા યુવાનો આગળ આવે છે. ત્યારે જનતાનું અને કહેવાતા આગેવાનોનું વલણ યુવા વિરોધી જ હોય છે. પરંતુ ભાઈશ્રી ગોપાલ ઈટાલીયા આગળ આવ્યા છે ત્યારે ખુબ આગળ વધે એવી પ્રાર્થના.

ડો.પુરૂષોત્તમ પીપરીયા

આર.સી.સી.બેન્કના સી.ઈ.ઓ.રાજકોટ, મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

(11:38 am IST)