Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જેની સાથે સગાઇ કરી એ યુવતિને ભગાડી જઇ મૈત્રીકરાર કર્યાઃ હવે ગમતી નથી કહી બેફામ ત્રાસ આપી કાઢી મુકી!

લોધીકા ખિરસરાની ક્રિષ્નાને અમરેલી જેસંગપરાના અશ્વિન સાથે સગાઇ થઇ હતીઃ પતિ અશ્વિન, દિયર, સાસુ સહિતે ત્રાસ ગુજાર્યાનો આક્ષેપઃ યુવતિ સારવાર હેઠળ

 ક્રિષ્નાનો સગાઇ થયો ત્યારનો ફોટો અને હાલનો ફોટો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૭: લોધીકાના ખિરસામાં રહેતી ક્રિષ્ના દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૦) નામની સગર યુવતિની દોઢ વર્ષ પહેલા જ્યાં સગાઇ થઇ હતી એ અમરેલી જેસંગપરાના અશ્વિન થાવાણીએ તેણીને લોકડાઉનને કારણે લગ્ન અટકી જતાં ભગાડી જઇ મૈત્રીકરાર કરી પોતાની સાથે અગિયારેક મહિના રાખ્યા બાદ નાની નાની વાતે પતિ, દિયર સહિતનાએ અસહ્ય ત્રાસ ગુજારી મારકુટ કરતાં અને છેલ્લે હવે તું ગમતી નથી કહી રાજકોટ તેના માવતરના ઘરે ધકેલી દેતાં તેણીને જુના મારને કારણે દુઃખાવો થતો હોઇ શરીરે ઇજાના નિશાનો હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

ક્રિષ્ના અશ્વિન થાવાણી (ઉ.૨૦)ને સાંજે લોધીકાના ખિરસામાં રહેતાં તેના પિતા દિનેશભાઇ સોલંકીના ઘરેથી ઇજાગ્રસ્ત, અસ્વસ્થ હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. મારકુટ થયાનું જણાતાં તબિબે એમએલસી કેસ જાહેર કરતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી.

ક્રિષ્નાના ફઇ હેમીબેન ભંભાણાએ જણાવ્યું હતું કે ક્રિષ્નાની સગાઇ જ્ઞાતિના રિવાજ મુજબ દોઢ વર્ષ પહેલા જેસંગપરાના અશ્વિન સાથે થઇ હતી. લગ્ન પણ નક્કી થઇ ગયા હતાં. પરંતુ એ પછી લોકડાઉન આવી જતાં લગ્ન અટકી ગયા હતાં. ત્યારબાદ આજથી અગિયારેક મહિના પહેલા અશ્વિન તેણીને લગ્ન કરવાના જ છે પછી કરી લઇશું કહી લલચાવી સાથે ભગાડી ગયો હતો. જેસંગપરામાં બંને મૈત્રી કરાર કરીને રહેવા માંડ્યા હતાં. પરંતુ થોડા દિવસો સારી રીતે રાખ્યા બાદ પતિ, સાસુ, દિયર સહિતે તું અમને ગમતી નથી કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું.

અસહ્ય મારકુટ ક્રિષ્ના સહન કરતી રહી હતી. હવે તેણીને ગઇકાલે તેનો દિયર, ફઇજી અને સાસુ ખિરસરા મુકવા આવ્યા હતાં અને તેઓ અમારી દિકરીને આવી હાલતમાં લાવ્યા હોઇ શંકા જતાં અમે પોલીસને જાણ કરી હતી. લોધીકા પોલીસે તમામને પુછતાછ માટે બેસાડ્યા હતાં. ક્રિષ્ના પર દિયરે પણ જુલમ ગુજાર્યાની શંકા હોઇ તબિબી પરિક્ષણ કરાવવા અમે માંગણી કરી છે. તેમ વધુમાં ક્રિષ્નાના ફઇ હેમીબેને કહ્યું હતું.

(11:44 am IST)