Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કાલાવડ રોડ કપાતનું હીયરીંગ : ૮૩ માંથી ૪૮ મિલ્કત ધારકો જ હાજર : જમીન, એફ.એસ.આઇ અને રોકડના વિકલ્પો અપાયા

૪૦% મિલ્કતધારકો જમીન સામે જમીન અને ૪૦ % એ એફએસઆઇ વધારો તથા બાકીના ૨૦% એ રોકડા રૂપિયા માંગ્યા

કે.કે.વી ચોક થી મોટામવા સ્મશાન સુધીના કાલાવડ રોડ પર લાઇન ઓફ પબ્લિક  સ્ટ્રીટ હેઠળ રોડ પહોળો કરવા કપાતમાં આવતી મિલ્કત  અનુસંધાને આજે સવારે મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પહેલા માળે આવેલ કોન્ફરન્સ હોલમાં હીયરીંગ કરવામાં આવેલ. આ તકે મ.ન.પા.નાં ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા, વેસ્ટ ઝોનનાં એ.ટી.પી વિપુલ મકવાણા સહિતનાં અધિકારીઓ , અસરગ્રસ્તો ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૭ : શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડને ૩૬ મીટર સુધી પહોળો કરવા કે.કે.વી. ચોકથી મોટા મવા સુધીનાં રસ્તામાં આવતી ૮૩ મિલ્કતોની કપાત કરવા માટે અસરગ્રસ્ત મિલ્કત ધારકોના વાંધા-સૂચનો સાંભળવા આજે મ.ન.પા.નાં ટાઉન પ્લાનીંગ વિભાગે હીયેરીંગ રાખ્યું હતું.

જેમાં ૮૩ માંથી માત્ર ૪૮ મિલ્કતધારકો જ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામને તેઓની મિલ્કત કપાતમાં બદલામાં જમીન સામે જમીન, તેમજ બીલ્ડીંગ બાંધકામમાં વધુ એફ.એસ.આઇ અથવા રોકડ રકમ વળતર પેટે આપવા ંતંત્રએ ઓફર કરી હતી.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરના ગૌરવ પથ તરીકે ઓળખાતા કાલાવડ રોડને કે.કે.વી. ચોકથી પશ્ચિમ તરફ (મોટામવા સ્મશાન) સુધીનો રોડ ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ—૧૯૪૯ની કલમ ૨૧૦ અંતર્ગત 'લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ' ની દરખાસ્ત અન્વયે ટી.પી. સ્કીમ મુજબ હૈયાત કાલાવડ રોડ ૩૦.૦૦ મી. માંથી ૩૮.૦૦ મી. પહોળો કરવા માટે કપાત અન્વયે આજરોજ તા.૦૭/૦૭/૨૦૨૧ના બુધવારના સવારે ૧૧૬૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા, ડો. આંબેડકર ભવન, રાજકોટ ખાતે માનનીય મ્યુનિસિપલ કમિશ્નર સાહેબશ્રીના અઘ્યક્ષ સ્થાને સુનાવણીનું આયોજન કરેલ. જેમાં કુલ ૮૩ મિલકતોના માલિક/કબજેદાર/ભાડુઆત પૈકી ૪૮ મિલકતના માલિક/કબજેદાર/ભાડુઆત હાજર રહેલ, જે અન્વયે માનનીય મ્યુનિસિપલ ક્રમિશ્નર સાહેબશ્રીની ઉપસ્થીતીમાં ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રીએ કપાત થતી મિલ્કતો સામે આપવાના થતા વૈકલ્પિક વળતરની સમજણ આપવામાં આવેલ, તેમજ અસરગ્રસ્તોના વાંધા સુચનો તથા રજુઆતો સાંભળી નિયમાનુસારની થતી કાર્યવાહી કરવા ખાતરી આપેલ છે.

નોંધનીય છે કે આ રીપેરીંગ ઉપસ્થિત ૪૦ ટકા મિલ્કત ધારકોએ તેઓની મિલ્કત કપાત સામે જમીન સામે જમીનની માંગણી કરેલ જો કે જમીન કયાં અપાશે ? તેની જાણકારી અપાયા બાદ તેઓ આખરી નિર્ણય કરશે. જ્યારે ૪૦ % મિલ્કત ધારકોએ બિલ્ટઅપ એફ.એસ.આઇ વધારો માંગ્યાનું અને બાકીના ૨૦ % લોકોએ રોકડ સ્વરૂપે વળતર માંગ્યું હોવાનું સતાવાર સુત્રોએ જણાવેલ હતું.

(3:53 pm IST)