Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

માર્કેટ યાર્ડમાં ભાજપની ખેડૂત પેનલની વિજયકૂચ : વેપારી પેનલ તૂટી

કિસાન સંઘની વાવણી નિષ્ફળ : કેસરિયો પાક લહેરાયો : જીતનું આખરી આંકડાકીય ચિત્ર બપોર પછી સ્પષ્ટ થશે : પ્રથમ ૮૦૦ મતની ગણતરીમાં ભાજપ પ્રેરિત પેનલને સરેરાશ ૭૦ થી ૮૦ ટકા મત : બાકીના મત કિસાન સંઘને અથવા રદ્દ : ભાજપ સમર્થિત વેપારી પેનલના ૩ અને હરીફ પેનલના એક અતુલ કમાણી ચૂંટાયા : માર્કેટ યાર્ડમાં ખેડૂત પેનલના પ્રથમ ૭૦૦ મતની ગણતરીમાં ભાજપ પ્રેરીત પેનલને સરેરાશ ૮૦ ટકા મત મળ્યાઃ ભાજપ સમર્થન વેપારી પેનલના ૩ ઉમેદવારો રાજુ રવેશીયા, દિલીપ પનારા અને સંદીપ લાખાણી તથા હરીફ વેપારી હિતરક્ષક પેનલના અતુલ કમાણી વિજેતા ખેતી વિભાગની ગણતરી ચાલુ છે. બપોર પછી આંકડાકીય ચિત્ર સ્પષ્ટ થશેઃ ભાજપની પેનલની જીત નકકી

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની મત ગણતરી અને વિજેતા ઉમેદવારોની તસ્વીર. સહકારી આગેવાનો જયેશ રાદડિયા, ડી.કે.સખિયા, પરસોત્તમ સાવલિયા, નીતિન ઢાંકેચા, વિજય કોરાટ વગેરે વિજય સ્મિત સાથે પરિણામને વધાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૬ : સહકારી ક્ષેત્રની સૌરાષ્ટ્રની અગ્રગણ્ય રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડની વેપારી પેનલ અને ખેતીની પેનલની ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઇ છે. ખેતી વિભાગની તમામ ૧૦ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજયકૂચ કરી રહ્યા છે. જ્યારે વેપારી પેનલમાં ભંગાણ પડયું છે. ભાજપ સમર્થિત વેપારી પેનલના ૩ અને હરીફ ખેડૂત હિતરક્ષક પેનલના ૧ ઉમેદવાર વિજેતા થયા છે. ખેતી વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલની જીત નક્કી થઇ ગઇ છે. પણ ગણતરી ચાલુ હોવાથી જીતનું આંકડાકીય ચિત્ર બપોર પછી સ્પષ્ટ થશે. કિસાન સંઘના દિલીપ સખિયાએ મેદાને ઉતારેલ પેનલ ઘોર પરાજ્ય તરફ છે.

ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલના જીતેન્દ્ર સખિયા, હંસરાજભાઇ લીંબાસિયા, વસંતભાઇ ગઢિયા, હઠીસિંહ જાડેજા, ભરત ખૂંટ, જયંતીભાઇ ફાચરા, જે.કે.પીપળિયા, વિજય કોરાટ, જયેશ બોઘરા અને હિતેષ મેતા જીતના માર્ગે છે. વેપારી પેનલમાંથી ભાજપ સમર્થિત પેનલના રાજેષ થાવરિયા, દિલીપ પનારા અને સંદીપ લાખાણી જીતી ગયા છે. આ પેનલમાંથી અજય ખૂંટ હાર્યા છે. એક બેઠક પર ભાજપની હરીફ વેપારી પેનલના અતુલ કમાણી વિજેતા થયા છે.

આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં ખેતી વિભાગના ૮૦૦ મતની ગણતરી થઇ તેમાંથી સરેરાશ ૬૫૦થી ૭૦૦ મત ભાજપ પ્રેરિત પેનલને મળ્યા છે. બાકીના સરેરાશ ૨૦ ટકા મતમાં કિસાન સંઘ પ્રેરિત પેનલના મત અને રદ્દ થયેલા મતનો સમાવેશ થાય છે. અમૂક ઉમેદવારો વિરૂધ્ધ નોંધપાત્ર ક્રોસ વોટીંગ દેખાય છે.

યાર્ડની ચૂંટણીમાં મહદઅંશે ધાર્યા મુજબ પરિણામ આવતા ચૂંટણીમાં ભાજપ તરફી નિર્ણાયક ભૂમિકા ભજવનારા પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

બેડી માર્કેટયાર્ડની પ્રતિષ્ઠાભરી ચૂંટણી ગઇકાલે યોજાયેલ. જેમાં ૧૪૬૦ ખેડૂત મતદારો પૈકી ૧૩૯૩ મતદારોએ અને વેપારી વિભાગમાં નોંધાયેલા ૫૭૦ મતદારો પૈકી ૫૪૧ મતદારોએ મતદાન કર્યું હતું. આજે સવારે મતપેટીઓ ખોલી બન્ને વિભાગની મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. નવા યાર્ડ ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારો ઉમટી પડયા છે. સાંજે ચૂંટાયેલા ઉમેદવારો જાહેર થયા બાદ થોડા દિવસમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પડશે. છેલ્લા પાંચ વર્ષથી યાર્ડમાં ડી.કે. સખિયા અને હરદેવસિંહ જાડેજા વાઇસ ચેરમેન છે. આ વખતે બન્ને ચૂંટણી લડયા નથી તેથી યાર્ડમાં નેતૃત્વ પરિવર્તન નિશ્ચિત છે. મત ગણતરીની વધુ વિગતો મેળવાઇ રહી છે.

વિજેતા વેપારીઓ

ભાજપ સમર્થિત પેનલ

.   રાજેષ થાવરિયા   ૨૮૭

.   દિલીપ પનારા     ૨૮૬

.   સંદીપ લાખાણી    ૨૬૬

વેપારી હિતરક્ષક પેનલ

.   અતુલ કમાણી      ૨૮૦

વેપારી ઉમેદવારે ફેર ગણતરી માંગતા હરીફનો ૧ મત વધ્યો

રાજકોટ : માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આજે વેપારી વિભાગના બે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે માત્ર ૧ મતનો તફાવત રહેતા હરીફ ઉમેદવારે ફેર મત ગણતરી માંગતા સામેના ઉમેદવારની સરસાઇમાં ૧ મતનો વધારો થયો હતો.

જાણવા મળ્યા મુજબ ભાજપ સમર્પિત પેનલના સંદીપ લાખાણી ૨૬૫ મતે વિજેતા થતા હરીફ પેનલના કિશોર દોંગા ૧ મતે પરાજિત થયેલ. તેમણે માંગ્યા મુજબ ફેર મત ગણતરી કરતા સામેના ઉમેદવારનો ૧ મત વધેલ. સંદીપ લાખાણી ૨૬૬ મતે વિજેતા થયા હતા.

માર્કેટ યાર્ડમાં સતત બીજી ટર્મમાં વેપારી પેનલ તૂટી

રાજકોટ : માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આજે ભાજપ સમર્પિત વેપારી પેનલના ૩ અને હરીફ પેનલના ૧ ઉમેદવાર વિજેતા થયા છે. ૫ વર્ષ પહેલા યોજાયેલ ચૂંટણી વખતે બે પેનલોમાંથી બબ્બે વેપારીઓ ચૂંટાયા હતા. સતત બીજી વખત ક્રોસવોટીંગથી પેનલમાં ભંગાણ પડવાનો ક્રમ જળવાયો છે.

(4:04 pm IST)