Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ખાદી ભવનોમાં ૨૦ % વળતર યોજના શરૂ

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના તમામ કેન્દ્રો પર વિશેષ છુટ

રાજકોટઃ તા.૬, દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજી ઓકટોબરથી ખાદીમાં ૨૦ ટકા રીબેટ આપવાનું શરુ થતા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલીત ખાદી ભવનો અને ભંડારોમાં લોકો ખાદીની ખરીદી કરી રહયા હોવાનું સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રકુમાર દેસાઇએ જણાવ્યુ હતુ.

તેમણે કહ્યું કે દર વર્ષની જેમ બીજી ઓકટોબરથી સારાયેે દેશમાં અને ગુજરાતમાં ખાદી વેચાણ ઝુબેશ શરૂ થઇ છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી ગુજરાત ખાદીમાં ૨૦ ટકા અને પરપ્રાંત ખાદીમાં ૧૦ ટકા વળતર આપવાનું નકકી કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના રાજકોટ, જામનગર, જેતપુર, જુનાગઢ, વેરાવળ, માંગરોળ, જામખંભાળીયા, લીંબડી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ અને પાલનપુરના ભવન ભંડારોમાંથી સુતી, રેશમ અને ગરમ ખાદીની ખરીદી ઉપર આ વળતર અપાશે. રાજય સરકાર સ્વરાજની સંસ્થાઓ સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીયપક્ષો, નાગરીકો, વિદ્યાર્થી ભાઇઓ-બહેનોબ, નાના-મોટા ઔદ્યોગીક ગૃહો વગેરે સૌ અમારા ભવન-ભંડારો પરથી ખાદી ખરીદી રાષ્ટ્રીય વિચારને અનુમોદન આપશે.

ગાંધીજયંતિને અનુલક્ષીને આપણા વડાપ્રધાન  શ્રી. નરેન્દ્રભાઇ મોદીએ તેઓની માસીક 'મન કી બાત 'માં અપીલ કરતા ૨૦૧૮માં જણાવેલુ  કે'રજી ઓકટોબર મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. હું ગાંધી જયંતિથી દિવાળી સુધી ખાદીની કોઇને કોઇ ખરીદી કરવા આગ્રહ કરૂ છુ. આ વખતે પણ મારો આગ્રહ છે કે દરેક પરિવારમાં કોઇને કોઇ ખાદીની ચીજ ખરીદાવી જોઇએ. તેમજ અઠવાડીયામાં એક દિવસ ખાદી પહેરવી. તો જ ગરીબના ઘરમાં દિવાળીનો દિવો પ્રગટી શકે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેના ખાદી ભવન અને ભંડારો દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગના ન્હાવા-ધોવાના સાબુ, સેમ્પુ, લીકવીડ સોપ, ધાણીનું તેલ, મસાલા, સ્ટીલ,વુડન ફર્નીચર અને અન્ય ઉત્પાદનો દ્વારા ૨૦૦૦થી વધુ લોકોને સ્વરાજીનું નિમિત બને છે. તેના ઉત્પાદન અને પ્રમાણીત અન્ય ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના ઉત્પાદનો સમિતિના ખાદી ગ્રામોદ્યોગ ભવન-ભંડારોમાં ઉપલબ્ધ છે. પ્રેમ અને ભાઇચારાના પ્રતિકરૂપ અને ગરીબી રેખા નીચે રહેલ વ્યકિતને દૈનિક રૂ. ૧૦૦થી રૂ.૨૦૦ ની કમાણી આપતી ખાદી ખરીદો એજી જાહેર જનતાને અપીલ કરાઇ છે.

સમીતીના વેચાણ કેન્દ્રોમાં દિવાળી સુધી સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી વેચાણ ચાલુ રહેશે. એવી જ રીતે દિવાળી સુધીમાં આવતા તા.૪, ૧૮,૨૫, તા.૮/૧૧ રવિવારની સાપ્તાહીક રજાના દિવસોએ પણ વેચાણ ચાલુ રાખશે. તેમ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની યાદીમાં જણાવાયું છે.

(3:28 pm IST)