Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રા.લો. સંઘના સુકાનીઓની ચૂંટણી ૧૩મીએ : સંઘર્ષ-સમાધાન બન્ને માર્ગો ખૂલ્લા

વારાફરતી ગાંધીનગર 'આટા' મારતા બેય જુથ : સભ્યો જાળવવા-ખેડવવા પ્રયાસો તેજ : 'ફરવા' મોકલાશે : મતદાનની પદ્ધતિ સ્થળ પર નક્કી થશે

રાજકોટ, તા. ૬ :  સહકારી ક્ષેત્રની મોભાદાર સંસ્થા રાજકોટ-લોધિકા સહકારી સંઘના સંચાલક મંડળની ચૂંટણી ઓગષ્ટમાં યોજાઇ ગયા બાદ આખરે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે મુહૂર્ત નીકળ્યું છે. ચૂંટણી અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે તા. ૧૩ મીએ સવારે ૧૧ વાગ્યે સંઘની કચેરી ખાતે ચૂંટણી યોજવા માટે એજન્ડા પ્રસિધ્ધ કર્યો છે. ભાજપના જ બે જુથ સામસામે છે. નીતિન ઢાંકેચા જુથ અને અરવિંદ રૈયાણી જુથ વચ્ચે ભારે ખેંચતાણ છે. બન્ને જુથ વારાફરતી ગાંધીનગરની મુલાકાત લેતુ રહે છે. સુકાનીઓની ચૂંટણી માટે સંઘર્ષ અને સમાધાન બન્ને રસ્તા ખુલ્લા છે. આંગળી ઉંચી કરાવીને મતદાન થશે કે ગુપ્ત મતદાન તે સ્થળ પર જ નકકી થશે.

રા.લો. સંઘની ચૂંટણી પછી અને સરકાર નિયુકત સભ્યો પછી બન્ને જુથનું સંખ્યા બળ (૧૦ ની આસપાસ) લગભગ સરખુ રહ્યું હોવાથી સુકાની પદ માટે રસાકસી રહેશે. સરકાર નિયુકત સભ્યો મતદાન કરી શકે કે નહિ ? તે હજુ પ્રશ્નાર્થ છે. હાઇકમાન્ડ મધ્યસ્થી કરે તો જ સમાધાન શકય બનશે નહીતર સભ્યોને આકર્ષવાનો જંગ અભૂતપૂર્વ બનશે. સંઘમાં ૧૬ ચૂંટાયેલા, ૩ સરકાર નિયુકત અને ૧ બેંકના પ્રતિનિધિ સહિત ર૦ સભ્યો છે. સરકારના આશીર્વાદ જેની સાથે હશે તે રા.લો. સંઘમાં સતા મેળવી શકશે. સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલવા સહિતના અનેક પ્રકારના દાવપેચના ડોકિયા થઇ રહ્યા છે.

(3:26 pm IST)