Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

નામ વગરના દવાખાનામાં ડિગ્રી વગરનો ડોકટરઃ પોલીસ આવ્યાની શંકા ઉપજતા કહ્યું-બેસો બેસો હમણા જ ડોકટર સાહેબ આવે છે!

કોઠારીયા રીંગ રોડ તિરૂપતિ બાલાજી પાર્કમાં મેડિકલ સ્ટોરની બાજુમાં એક વર્ષથી દસ ચોપડી પાસ અરવિંદ ડોકટર બની સારવાર કરતો'તો : કમ્પાઉન્ડરનો અનુભવ કામે લગાડી લોકોની જિંદગી સાથે ચેડા કરી રૂપિયા કમાતો'તોઃ ભકિતનગર પોલીસે દબોચી લીધો : હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા અને કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ જે. બી. પટેલ અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૬: કોરોના કાળમાં લોકો પૈસા માટે દર્દીઓની જિંદગી જોખમમાં મુકતાં પણ અચકાતા નથી. થોડા મહિના અગાઉ એસઓજી, તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે પાંચ જેટલા નકલી તબિબોને  સમયાંતરે પકડ્યા હતાં. ત્યાં વધુ એક નકલી ડોકટર ભકિતનગર પોલીસની ઝપટે ચડ્યો છે. કોઠારીયા રીંગ રોડ તપસી હોટેલ પાછળ ઓમ તિૂપતિ બાલાજી પાર્ક-૫માં સનસાઇન ફાર્મા મેડિકલ સ્ટોરની બાજુમાં નામ વગરના કિલનીકમાં ડીગ્રી વગરનો ડોકટર પ્રેકટીસ કરી નાણા કમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી તેને દબોચી લીધો હતો. કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતો ૧૦ ચોપડી ભણેલા આ શખ્સને દવાખાનામાં દર્દી નહિ પણ પોલીસ આવ્યાની શંકા ઉપજતાં-દવા લેવાની છે, દેખાડવાનું છે...બેસો બેસો હમણા જ ડોકટર સાહેબ આવે છે...એવું કહી અજાણ બનવા માંડ્યો હતો. પરંતુ પોલીસે 'સારવાર' શરૂ કરતાં જ પોતે જ ડોકટર બની દવા દેતો હોવાનું કબુલ્યું હતું.

પીએસઆઇ જે. બી. પટેલે ફરિયાદી બની અરવિંદ નરસીભાઇ પરમાર (કુંભાર) (ઉ.વ.૩૭-રહે. ગાયત્રીનગર મેઇન રોડ ગોપાલનગર-૯, શિવાંજલી એપાર્ટમેન્ટ, ત્રીજો માળ બ્લોક નં. જી) સામે આઇપીસી ૪૧૯,  મેડિકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ મુજબ કોઇપણ જાતની ડીગ્રી કે સર્ટિફિકેટ વગર ડોકટરનું રૂપ ધારણ કરી બિમાર લોકોની એલોપેથી સારવાર કરી ઇન્જેકશન આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી દવાઓ, ઇન્જેકશન સહિતના સાધનો, રોકડા રૂ. ૧૦૦૦ મળી રૂ. ૭૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અરવિંદે કબુલ્યું હતું કે પોતે હાલમાં જ્યાં દાકતરી કરતો હતો ત્યાં અગાઉ એક અસલી ડોકટર વેગડનું દવાખાનુ હતું. તેમાં પોતે કમ્પાઉન્ડર હતો. એકાદ વર્ષ પહેલા આ અસલી ડોકટર શાપરમાં બીજુ દવાખાનુ ચાલુ કરી ત્યાં જતાં રહ્યા બાદ પોતે કમ્પાઉન્ડરના અનુભવને આધારે આ જ દૂકાન ભાડે રાખી તેમાં ડોકટર બનીને બેસી ગયો હતો. દર્દી મુજબ પ૦ કે ૧૦૦ કે એથી વધુ ફી વસુલતો હતો અને ઇન્જેકશન પણ આપી દેતો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડના માર્ગદર્શનમાં પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, સલિમભાઇ મકરાણી, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ શિરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, રણજીતસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રણજીતસિંહ અને ભાવેશભાઇની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.  પોલીસને બાતમી મળતાં દર્દીના સ્વાંગમાં દરોડો પાડ્યો હતો. નામ વગરના કિલનીકમાં ખુરશી પર ગળામાં સ્ટેથોસ્કોપ લગાડીને બેઠેલા અરવિંદને પહેલા તો દર્દી આવ્યાનું સમજાયું હતું. પણ શંકા જતાં ખુરશીમાંથી ઉભો થઇ ગયો હતો અને 'દવા લેવાની છે...આવો બેસો-બેસો...હમણા જ ડોકટર સાહેબ આવે છે'...તેવી વાતો કરવા માંડ્યો હતો. પરંતુ પોલીસે કયા ડોકટર છે? કયારે આવશે? એવું પુછતાં જ ગેંગેં-ફેંફેં થઇ ગયો હતો અને પોલ ઉઘાડી પડી ગઇ હતી.

(3:24 pm IST)