Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ધરમનગર આવાસના કવાર્ટરમાં પાડોશીના ઘરમાં ચોરી કરનારા વસીમ ઉર્ફે વસલાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

ક્રાઇમ બ્રાંચના કોન્સ. પ્રતાપસિંહ, ક્રિપાલસિંહ અને જીજ્ઞેશભાઇની બાતમી : મોબાઇલ અને દાગીના મળી રૂ. ૫૫ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૬ : દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં પાડોશીના ઘરમાં સોનાના દાગીના અને મોબાઇલની ચોરી કરનાર સંધી શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે રામાપીર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરની રામાપીર ચોકડી નજીક મારૂતિ હોલ પાસે એક શખ્સ ચોરાઉ મોબાઇલ ફોન વેચવા આવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા અને જીજ્ઞેશભાઇ મારૂને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમાનભાઇ ગઢવી, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા તથા જીજ્ઞેશભાઇ મારૂ સહિતે મારૂતિ હોલ પાસેથી વસીમ ઉર્ફે વસલો મહેબૂબભાઇ સાકળીયા (ઉ.વ.૨૧) (રહે. દોઢસો ફૂટ રોડ ધરમનગર આવાસ યોજના બ્લોક નં. ૨૮/૮૨૮)ને બે ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા વસીમ ઉર્ફે વસલાએ દસ દિવસ પહેલા કવાર્ટરમાં તેની નીચેના માળે રહેતા રજાકભાઇ મીઠાણીના મકાનમાંથી મોબાઇલ ફોન અને દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે બે મોબાઇલ, સોનાનું પેન્ડલ, બુટી અને નાકનો દાણો મળી રૂ. ૫૫,૦૦૦ની મત્તા કબ્જે કરી હતી.

(3:24 pm IST)