Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગજબની કિમીયાગીરીઃ નાણા મશીનમાંથી નીકળે કે તુરત ન પીન ખેંચી લઇ પાવર બંધ કરી દેતાં

હરિયાણાની મેવાતી ગેંગના મુબીનખાન અને તાલિબહુશેનને કેનેરા બેંકના સ્ટાફે પકડી ભકિતનગર પોલીસને સોંપ્યા : આમ કરવાથી બેંકમાં નાણા ઉપડ્યાની એન્ટ્રી તુરત ન પડે અને બાદમાં નાણા મળ્યા નથી છતાં ખાતામાંથી કપાઇ ગયા તે મતલબની ફરિયાદ કાર્ડધારક સાગ્રીત મારફત કરાવી છેતરપીંડી કરતાં: બનેના રિમાન્ડની તજવીજ : ગઠીયાઓનું સુત્ર-ડરના મના હૈઃ પરમદિવસે સાંજ ૮:૨૦ કલાકે સફળતા મળ્યા પછી ગઇકાલે વહેલી સવારે એટીએમમાં બીજીવાર ટ્રાન્જેકશન કર્યા અને ગઇકાલે જ સાંજે ત્રીજીવાર પણ આવ્યા ને પકડાયા : એટીએમનો ઇલેકટ્રીક પાવર વારંવાર ચાલુ-બંધ કરી બે કલાકમાં ૨૩ ટ્રાન્જેકશન કરી ૨ લાખ ઉપાડી લીધા!: ડુપ્લીકેટ ચાવીથી મોનિટર ખોલી પાવર સપ્લાય બંધ કરી માસ્ટર કાર્ડથી ટ્રાન્જેકશન કરી લેવાની આવડતઃ ચોથી તારીખે કેટલી રકમ ગઇ? તેનો હિસાબ બેંગલોરથી મેળવવા તજવીજ : પારકે પૈસે મોજઃ પ્લેનમાં અમદાવાદ આવ્યા ને ત્યાંથી રાજકોટ પહોંચ્યા

રાજકોટ તા. ૬: એટીએમમાં ઇલેકટ્રીક પાવર સપ્લાય વારંવાર ચાલુ-બંધ કરી ડુપ્લીકેટ ચાવીથી મોનિટર ખોલી  માસ્ટર કાર્ડનો ઉપયોગ કરી ટ્રાન્જેકશન કરી રૂપિયા બઠ્ઠાવી લેતાં હરિયાણાના બે ગઠીયા પકડાયા છે. આ બંને ડાઇબોલ્ટ પ્રકારના એટીએમ હોય તેને જ નિશાન બનાવતાં હતાં. રૂપિયા મશીનમાંથી નીકળી જાય એ સાથે જ વિજ પાવર સપ્લાયની પીન ખેંચી કાઢતાં હતાં. આમ થવાથી પૈસા તો તેને મળી જતાં પણ ખાતામાંથી ઉપડ્યાની નોંધ બેંકમાં થતી નહોતી. એ પછી થોડા દિવસ બાદ બેંકમાં જઇ ટ્રાન્જેકશન કરવા છતાં પૈસા મળ્યા નથી તેવી ફરિયાદ કરી દઇ ગઠીયાગીરી કરતાં હતાં.

પોલીસે રાજસ્થાન-હરિયાણાની બોર્ડરના મેવાત જીલ્લાના નુહ તાબેના ચંદેની ગામના મુબીનખાન નુરમહમદ મેવ તથા તાલિબહુશેન હમીતહુશેન મેવને ભકિતનગર સર્કલ પાસે આવેલી કેનેરા બેંકના એટીએમમાં છેડછાડ કરી બે કલાકમાં ૨૩ ટ્રાન્જેકશન કરી રૂ. ૧,૯૯,૦૦૦ ઉપાડી લેવાના ગુનામાં દબોચ્યા છે. આ બંનેને બેંકના સ્ટાફે પકડી લઇ ભકિતનગર પોલીસને સોંપતા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ગત સાંજે બંને પકડાયા એ પહેલા આગલા દિવસે ચોથી તારીખે સાંજે પણ ટ્રાન્જેકશન કરી ગયા હતાં. એ પછી ગઇકાલે વહેલી સવારે એટીએમમાં ઘુસ્યા હતાં અને બાદમાં ગઇકાલે સાંજે ત્રીજીવાર પણ આવ્યા હતાં અને દબોચાઇ ગયા હતાં.

આ મામલે પોલીસે રવિરત્ન પાર્ક-૨માં રહેતાં અને કેનેરા બેંક રાજકોટ એસએમઇ બ્રાન્ચ ભકિતનગર સર્કલના બ્રાંચ ઇન્ચાર્જ ધીરજકુમાર હંસરૂપ યાદવ (ઉ.૨૩)ની ફરિયાદ પરથી પકડાયેલા બંને શખ્સ મુબીનખાન અને તાલિબહુશેન સામે આઇપીસી ૪૨૦, ૪૬૧, ૧૨૦-બી, ૩૪ તથા આઇટીએકટની કલમ ૬૭ મુજબ ગુનો નોંધ્યો છે. ધીરજકુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ચાર દિવસથી પ્રોબેશનર ઓફિસર તરીકે બ્રાંચ ઓફિસરમાં ઇન્ચાર્જ છું. તા. ૫ના સવારે પોણા દસેક વાગ્યે હું બેંક ખાતે ફરજ પર પહોંચ્યો ત્યારે બેંકની બાજુમાં આવેલા એટીએમ સર્વિસિંગ અને કેશ લોડીંગ માટે જતાં એટીએમ કેશ ટ્રાન્જેકશન રિપોર્ટ કાઢ્યો હતો. જે જોતાં આઇડી નં. ૫૫૫૩થી ૫૫૭૮ સુધીનો રિપોર્ટ નીકળ્યો હતો.

જેમાં કલાક ૪:૪૮ અને ૨૯ સેકન્ડથી કલાક ૧૩:૩૮ અને ૧૮ સેકન્ડ સુધીનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં એક કાર્ડના સળંગ ૨૩ ટ્રાન્જેકશન જોવા મળ્યા હતાં. જે રૂ. ૫૦૦ના બે, રૂ. ૧૦ હજારના ૧૯ અને ૧૦૦૦નું એક તથા ૭૦૦૦નું એક મળી કુલ રૂ. ૧,૯૯,૦૦૦ના હતાં. આથી મને શંકા જતાં એટીએમના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બે અજાણ્યા શખ્સો એટીએમમાં છેડછાડ કરતાં અને મશીનનું મોનિટર ડુપ્લીકેટ ચાવીથી ખોલી પાવર સપ્લાયની સ્વીચ વારેઘડીએ ચાલુ બંધ કરતાં જોવા મળ્યા હતાં.

આ બંનેએ પમીએ સવારે ૪:૫૭ અને ૨૯ સેકન્ડથી ૬:૫૭ અને ૫૯ સેકન્ડ સુધી સ્વીચ ચાલુ-બંધ કરી હતી. આથી અમોએ આગલા દિવસના તા. ૪ના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરતાં એ દિવસે સાંજે ૨૦:૨૦ (૮:૨૦) કલાકે પણ આ બંને એટીએમમાં ઘુસી મોનિટરમાં છેડછાડ કરતાં દેખાયા હતાં. ત્યારે પણ ટ્રાન્જેકશન કરતાં દેખાયા હતાં. એ પછી પમીએ સીસીટીવી કેમેરાની પોઝિશન તપાસવાનું ચાલુ રાખતાં સાંજે ૧૮:૦૦ (છ વાગ્યે) બંને શખ્સો ફરીવાર આવતાં બેંકના પ્યુન શિતેન્દ્ર ડાંગર તથા લાઇફ ઇન્સ્યોરન્સ માર્કેટીંગ ઓફિસર વિજય ચુડાસમા સહિતે આ બંનેને પકડી બેંકમાં બેસાડી દીધા હતાં અને ઓફિસર જીજ્ઞેશ ગુર્જરએ પોલીસને બોલાવી હતી.

પુછતાછમાં બંને શખ્સે પોતે હરિયાણાના મેવાત જીલ્લાના ગામેથી આવ્યાનું કહી અને પોતાના નામ જણાવ્યા હતાં. માસ્ટર કાર્ડનો ઉપયોગ કરી એટીએમની પાવર સપ્લાય વારેઘડીએ બંધ કરી ૨૩ ટ્રાન્જેકશન કરી રૂ. ૧,૯૯,૦૦૦ ઉપાડી લીધા હતાં. તા. ૪/૧૦ના સાંજે કરેલા ટ્રાન્જેકશનમાં કેટલી રકમ ઉપડી તેની માહિતી બેંગ્લોર હેડ ઓફિસ ખાતેથી મેળવીને જણાવાશે.

પારકે પૈસે મોજ કરતાં આ બંને શખ્સો હરિયાણાથી પ્લેનમાં અમદાવાદ ચોથી તારીખે આવ્યા હતાં અને ત્યાંથી રાજકોટ આવ્યા હતાં. ડાઇ બોલ્ટ એટીએમ કે જે ફોલ્ટી હોય છે તેને જ આ શખ્સો સરળતાથી નિશાન બનાવી શકે છે. રાજકોટની કેનેરા બેંકનું આ એટીએમ બી ફોલ્ટ ધરાવતું હોઇ તેનું ઓનલાઇન સર્ચિંગ કર્યા બાદ બંને ત્રાટકયા હતાં. ચોથીએ સાંજે એટીએમમાં છેડછાડ કરી ટ્રાન્જેકશન કરી લીધા હતાં. એ પછી ગઇકાલે પાંચમીએ વહેલી સવારે ફરીથી ૨૩ ટ્રાન્જેકશન કર્યા હતાં. જરાય ડર જ ન હોય તેમ ફરીથી ગઇકાલે સાંજે છ વાગ્યે એટીએમ પાસે આવ્યા હતાં અને પકડાયા હતાં. કોવિડ રિપોર્ટ બાદ ધરપકડ કરી બંનેની વિશેષ તપાસ થશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, નિલેષભાઇ મકવાણા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

ડાઇબોલ્ટ પ્રકારના એટીએમ મશીનને જ ટાર્ગેટ બનાવે

પીઆઇ જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે પકડાયેલા બંને શખ્સ ડાઇબોલ્ટ પ્રકારના એટલે કે જુના અગાઉના વખતના એટીએમ મશીન હોય તેને જ ટારગેટ બનાવે છે. આ મશીનમાં બોલ્ટ ખોલી શકાય છે અને તેમાં સ્વીચ આવે તે ચાલુ બંધ કરી શકાય છે. હાલ જે નવા મશીનો આવ્યા છે તેને ખોલી શકાતા નથી. બીજા વ્યકિતના નામના એટીએમ કાર્ડ એટીએમ મશીનમાં નાંખી ટ્રાન્જેકશન કરે છે અને નાણા મશીનમાંથી બહાર આવે તે સાથે જ એટીએમ મશીનની વિજ પ્રવાહની પીન ખેંચી મશીન બંધ કરી દે છે. આ રીતે દસ-દસ હજારના કે એથી ઓછી રકમના ટ્રાન્જેકશન કરી લાખો રૂપિયા મેળવ્યા બાદ  પોતાને પૈસા મળ્યા નથી અને બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા છે તેવી ફરિયાદ કાર્ડધારક ઓનલાઇન કરી દે છે. આ કાર્ડ જેનું હોય છે તે પણ આ ગઠીયાનો સાગ્રીત જ હોવાની શકયતા છે. ડાઇબોલ્ટ પ્રકારના એટીએમ કયાં કયાં છે તેનું ઓનલાઇન સર્ચ કર્યા બાદ કળા કરવા પહોંચી જતાં હતાં.

(3:23 pm IST)