Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજનો પ્રેરક સંદેશ

પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે ન જઇએ...કોરોના ચોક્કસ હારશે

રાજકોટ તા. ૬ : જૈન ધર્મના આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજે કોરોનાના કપરા સમયમાં પ્રત્યેક વ્યકિતને પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે ન જવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.

તેઓ કહે છે કે, વર્તમાન કાળમાં વિશ્વમાં ચારે બાજુ કોરોના મહામારીનો ઉપદ્રવ ફેલાયો છે. લાખો લોકો તેનો શિકાર બન્યા છે. તેવા સમયે સરકાર પણ કોરોનાને નાથવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ પણ ખંતપૂર્વક લોકોની સેવા કરી રહયો છે. આ બધા પ્રસાયોના કારણે લોકોમાં જાગૃતિ આવી રહી છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધવાના કારણે અત્યારના સમયમાં લોકોમાં જે ભય ફેલાયો છે. તે ભય વ્યાજબી નથી. આપણે સાવધાની જરૂર રાખવાની છે, પરંતુ ડરવાની જરા પણ જરૂર નથી. કોરોનાથી બચવા માટેના આપણે ઉપાયો જરૂર કરીએ, પરંતુ પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે કદી ન જઈએ.

સોશ્યલ ડીસ્ટન્સ જાળવીએ, સાથો - સાથ નોનવેજ અને જંક ફૂડ જેવા ખોરાકનો ત્યાગ કરીએ. ઘરનો તાજો જ ખોરાક લઈએ, ઉકાળેલું ગરમ પાણી પીએ, બિન-જરૂરી ઘરની બહાર ન નિકળીએ અને જો જવું જ પડે તો જેટલો સમય ઘરની બહાર રહીએ તેટલો સમય પૂરતી સાવધાની રાખીએ. આ સમયમાં સરકારશ્રી દ્વારા જેટલી સાવધાની રાખવાનું કહેવામાં આવે છે, તેનો અચૂક અમલ કરીશું તો આપણે લીધેલી સાવધાની કોરોના સામે આપણું રક્ષણ કરશે. આપણે જેટલી સાવધાની રાખીશું તેટલા આપણે સુરક્ષિત રહીશું, અને જો આપણે સુરક્ષિત રહેશું તો આપણાં ઘર - પરિવારના બધા જ સભ્યો - વડીલો - માતા - પિતા પણ સલામત - સુરક્ષિત રહેશે.

જૈન ધર્મમાં પણ બોલતા સમયે 'મોપત્તી'નો ઉપયોગ કરવો, મોડી રાતના ખાવાનું તેમજ બહારનું ખાવાનું ત્યાગ કરવા જેવી પાયાની વાતો કરવામાં આવી છે. તેને અનુરૂપ આપણે સૌ પણ મોઢાં ઉપર માસ્ક અવશ્ય લગાવીએ અને આપણી જીવન પ્રણાલિમાં આહાર - વિહારમાં સાત્વિક ખોરાકને પ્રાધાન્ય આપીશું તો આપણે કોરોનાના સંક્રમણથી બચી શકીશું એટલું જ નહી પરંતુ બહુ જ ઝડપથી આપણે કોરોનાને હરાવી પણ શકીશું. 'હારશે કોરોના, જીતશે રાજકોટ.' 

(1:55 pm IST)