Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

એક પણ રજા વગર સતત ૩ મહિનાથી કોવિડની ફરજ...દાખલો બેસાડતાં નર્સ પ્રિતિબેન નૈયારણ

કર્મયોગી કહે છે-દર્દીઓના આશિર્વાદ મળતાં હોવાથી કોઇ તકલીફ નથી

રાજકોટ તા. ૬ : રાજકોટમાં કોરાનાના દર્દીઓની સેવા ચાકરી માટે કર્મયોગીઓ પોતાના પરિવારજનોને દૂર રાખીને દર્દી નારાયણની સેવાનું કર્તવ્ય નિભાવી રહયા છે.ભાવનગર જિલ્લામાંથી આવેલા નર્સ બહેન પ્રિતીબેન નૈયારણ રાજકોટમાં છેલ્લા ત્રણ મહિનાથી અવિરત સેવા આપે છે.

ભાવનગર જિલ્લાના જેસર ખાતે રહેતા પ્રીતિબેન ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતા હતા અને તેમને રાજકોટમાં સરકારી કોવીડ હોસ્પિટલમાં કામ કરવાની તક મળતા તેઓ જરા પણ ડર રાખ્યા વગર રાજકોટ આવી ગયા. તેમના પરિવારજનો ભાવનગર જિલ્લામાં  રહે છે

પ્રીતિબેન કહે છે કે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ રાજકોટ સમરસ કોવીડ હોસ્પિટલમાં બોયઝ વિભાગના કોવીડ કેર સેન્ટરમાં સેવા આપે છે. અત્યાર સુધીમાં એક પણ રજા રાખી નથી. હોસ્ટેલમાં જ રાત દિવસ રહીને સેવા આપે છે. સરકાર દ્વારા બહારથી આવેલા સ્ટાફને હોસ્ટેલમાં રહેવાની પણ સગવડતા આપવામાં આવી છે

સમરસમાં દર્દીઓની સારવારમાં નર્સ તરીકે બધી જ  કામગીરી ઉપરાંત દર્દીને જમવા કે બીજી કોઇ અગવડતા હોય તો તેમાં પણ તેઓ મદદ કરે છે. કર્મયોગીની ફરજ-નિષ્ઠા અને સતત સેવાને લીધે દર્દીઓના આશીર્વાદ મળતા રહે છે. આ આશીર્વાદને લીધે ત્રણ મહિનાથી કોવીડમાં સતત સેવા છતાં કોઇ મુશ્કેલી પડી નથી. પ્રીતિબેને કહયું કે માસ્ક, સેનિટાઇઝેશન, વારંવાર હાથ ધોવામાં આવે તો કોરાનાથી બચી શકાય છે. કોરાનાથી ડરવાની જરૂર નથી. કોઇ તકલીફ હોય તો 'ટેસ્ટ ઈઝ બેસ્ટ'નું સૂત્ર અપનાવી તપાસ કરાવવી જોઇએ. કોરાનાની સમયસર સારવારથી વહેલા અને સંપૂર્ણ સ્વસ્થ થઇ શકાય છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કોવિડની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.

(1:54 pm IST)