Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

૩૦ વડિલોની સેનાએ કોરોનાને હરાવ્યો

અમને પરિવારથી વિશેષ હુંફ મળીઃ સદ્દભાવના વૃધ્ધાશ્રમના વડિલો સાજા થતાં સર્જાયા ભાવુક દ્રશ્યોઃ ૬૦ વર્ષથી ઉપરના ઘરવિહોણા વડિલોની સમરસ સેન્ટરમાં શ્રેષ્ઠ સારવારઃ સેવાનું પ્રેરક ઉદાહરણઃ કપરા સમયે પોતાના પણ નથી સાચવતાં, અહિ એટેન્ડન્ટ દિકરા-દિકરીઓએ રાત-દિવસ જોયા વગર સેવા કરીઃ ચંપાબેન પરમાર

રાજકોટ તા. ૬ : આંખમાં અવિરત અશ્રુધારા વહાવતા વયોવૃધ્ધ માતા અને સતત ધ્રુજતા હાથે અશકત વૃધ્ધ પી.પી.ઇ. કીટ પહેરેલા યુવાન અને યુવતીને વળગી રડી રહયા હતા. ત્યારે કઠણ કાળજાના માનવીનું હૃદય પણ કંપી ઉઠયું હતું. આ ભાવનાત્મક દ્વશ્યોનું  આજે સાક્ષી બન્યું રાજકોટ સ્થિત સમસર હોસ્ટલમાંનું કોવીડ કેર સેન્ટર.  

કોરોનાના કપરા કાળે લોકોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ સાથે માનવતાના નવા પાઠ પણ શીખવ્યા છે. હાલ કોરોના સંક્રમણ સમયે સંક્રમિતેાની સારવાર દરમિયાન અનેક પ્રસંગો માનવતાની ચરમસીમા દર્શાવતા જાય છે.

આજ રોજ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેથી ૫૬ થી માંડીને ૮૦ વર્ષથી વધુની વયના સદભાવના વૃધ્ધાશ્રમના કુલ ૩૦ જેટલા વૃધ્ધો કોરોનાના સંક્રમણમાંથી મુકત થઇને  નિર્ભીક અને સ્વસ્થ બનીને પરત ફરી રહ્યા હતા ત્યારે લાગણીભીના દ્રશ્યો સર્જાયા હતા.

આંખમાં આસું સાથે ડુમો ભરતા સ્વરે વૃધ્ધ ચંપાબેન નારણભાઈ પરમારે કહ્યું કે,'આવા કપરા સમયમાં ઘરના લોકોય નથી સાચવતા અને અમને સદભાવના વૃધ્ધાશ્રમમાં મુકી ગ્યા છે. અમને કાળમુખો કોરોના થઈ ગ્યો હતો. પરંતુ અહીંયા સમરસ હોસ્ટલમાં અમને અમારા સગા દીકરા કરતાંય વધુ સારી રીતે સાચવે એવા અટેન્ડન્ટ દિકરા દિકરીઓએ રાત-દિવસ જોયા વગર અમારી સેવા કરી છે. ડોકટરો રાત્રે અગિયાર વાગ્યા સુધી આવીને ચેકિંગ કરી જતા,દવા આપી જતા. અમારી તબિયત જોવા કોઇ પોતીકું કહી શકાય તેવું નથી પણ અહીંના તમામ સ્ટાફે અમને બધાને પોતીકા બનાવી ખુબ જ સારી રીતે સાચવ્યા છે. આજે અમને સાજા કરીને પાછા અમારા આશ્રમમાં અમને મોકલી રહ્યા છે. અમારા સંધાય ઘરડાવના ખુબ જ આશીર્વાદ છે કે ભગવાન આ દિકરા-દિકરીઓને ભણાવી ગણાવીને સારી નોકરી આપે અને તેઓ પોતાના મા-બાપને સાચવે અને જીવનમાં ખુબ જ આગળ વધે અને તેમની પેઢીના લોકોને કોઈ લૃદ્વક્ર  આવો રોગ ના થાય, તેવા અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે.'

ડાયાબિટીસ અને ગેંગ્રીનના કારણે એક જ પગ ધરાવતા અને કોરોના સામે લડીને વિજેતા સાબિત થનાર ૫૯ વર્ષીય હરીષભાઈ બગડાઇ કહે છે કે,અહીંયા ૨૪*૭ માણસો હાજર જ હોય છે. બહુ સારી રીતે સાચવે છે,રાતે બે વાગ્યે પેશાબ-પાણી માટે જાગીને સાદ કરીએ તો પણ તરત જ આવીને હાથ ઝાલીને આપણને મદદ કરે છે આ અટેન્ડન્ટ ભાઈઓ,અમારામાંથી બે –ત્રણ લોકોને જરૂર પડ્યે નવરાવી, પોતાના હાથે જમાડે અને બેડ સુધી મુકી પણ જતા. આ કળિયુગમાં પોતાના પણ આવી સેવા ન કરે, એવી અમારી સેવા આ એટેન્ડન્ટોએ કરી છે.

સદભાવનાના આ વૃધ્ધ દર્દીઓની સેવા કરીને પોતાના મા-બાપની સેવા કર્યાનો સંતોષ વ્યકત કરતા એટેન્ડન્ટ શ્રી પાથર મિત્ત્।લ જણાવે છે કે,હું એટેન્ડન્ટ તરીકે સેવા બજાવું છું. અહીંયા આવેલા આ વડીલોની તમામ જરૂરીયાતને સમજી દીવસ રાત તેઓ સાથ રહીને તે પુરી કરવામાં અમને અનેરો આનંદ પ્રાપ્ત થયો છે. આટલા દિવસોનો તેમના સંગાથને કારણે તેઓ સાથે આત્મીયતા બંધાઇ ગઇ છે. તેઓ પરત સાજા થઇને તેમના નિવાસસ્થાને જઇ રહયા છે. ત્યારે અમને મળીને અંતરના આર્શીવાદ સાથે આનંદ વ્યકત કર્યો છે. તે મારા માટે આજીવન સંભારણું બની રહેશે. 

છેલ્લા થોડા દિવસથી કોવિડ મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. કોકિલા મકવાણા જણાવે છે કે,સદભાવના સંસ્થામાંથી આવેલા વૃધ્ધોની સેવા કરતા મને એવુ જ લાગે છે કે હું મારા દાદા-દાદીની સેવા કરતી હોંઉં. આજે તેઓ ડીસ્ચાર્જ થઈને જઈ રહ્યા છે તેની ખુબ જ ખુશી છે પણ તેઓની યાદ પણ બહુ જ આવશે. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે,તેઓને ભવિષ્યમાં કયારેય ડોકટરોની કે દવાની જરૂર ના પડે અને તંદુરસ્ત અને સુખમય જીવન જીવી શકે.

કોરોનાગ્રસ્ત થયેલ કોઈ પણ વ્યકિતના સાજા થઈને ઘરે પરત ફરવામાં રાજકોટની સમરસ હોસ્ટેલનો ખુબ જ મહત્વનો અને નોંધપાત્ર ફાળો રહેલો છે. પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ અને નોડલ મેડીકલ ઓફીસરશ્રી ભાનુભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત મેડીકલ ઓફિસરો,પેરા મેડીકલ સ્ટાફ, એટેન્ડન્ટ, સેનેટરી સ્ટાફના લોકો ઉત્તમોત્તમ કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને આવા વડીલો, અશકતો અને બાળકો સહિત જરૂરીયાતમંદ દર્દીઓની સારવાર થકી મળતા અંતરના આશીર્વાદ અને આત્મસંતોષની લાગણી તેમના ચમકતા ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવે છે.

(1:53 pm IST)