Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

શિયાળાનું સૌષ્ઠવ કોરોનાને હરાવશે ?

આ ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શકિત ટનાટન બની જતી હોય છે એટલે કોરોનાને હંફાવી શકવાનો આશાવાદ : ઉનાળાની ગરમી પણ કોરોનાને પરાસ્ત ન કરી શકી, ચોમાસાના વરસાદે પણ કોરોનાને નવડાવ્યો નહી હવે શિયાળાનું સૌષ્ઠવ શું કરે છે તેના પર મદાર : અડદીયા, ચવનપ્રાશ, શીંગ - તલની ચીકી જેવા હેલ્ધી ફુડ સામે કોરોનાની શી વિશાત?

રાજકોટ : કોરોનાએ જાણે ત્રણેય ઋતુની મહેમાનગતિ કરી લીધી હોય તેમ ઉનાળો, ચોમાસુ અને હવે શિયાળાએ પગરવ કરી લીધા છે. પણ કોરોના જવાનું નામ લેતો નથી.

પહેલા કહેવાયુ કે ઉનાળાના તડકા ખુબ તપશે એટલે આ વાયરસ નાશ પામશે. પણ કોઇ અસર જોવા ન મળી. ઉલ્ટાનો વકર્યો. પછી ચોમાસા ઉપર આશા રાખવામાં આવી કે ચોમાસામાં વરસાદ પડશે એટલે કોરોના ધોવાય જશે. પણ એેવુય ન થયુ. હવે શિયાળા ઉપર આશા રાખવામાં આવી રહી છે કે શિયાળાની ઠંડી આ વાયરસને હંફાવશે. આમ જોઇએ તો શિયાળો એટલે શીત વાતાવરણ આપનારો ગણાય. ઠંડીમાં તો લોકોને ઉલ્ટાના શરદી, ઉધરસ, તાવ, કફના વાયરા રહે. એટલે આ ઋતુમાં તો ઉલ્ટાની કોરોનાના કેસ વધવાની ભીતી રહે. પણ આશાવાદમાં માનનારાઓ એવુ કહી રહ્યા છે કે શિયાળો એટલે શરીર સૌષ્ઠવની ઋતુ. લોકોની રોગપ્રતિકારક શકિત આ ઋતુમાં આપોઆપ તેજ બનતી હોય છે. એટલે શિયાળામાં કોરોના હાંફી જાય તેવી આશા ચોકકસ રાખી શકાય.

શિયાળો એટલે શરીર કસવાનો સમય. આ ઋતુમાં રનીંગ, વોકીંગ અને અન્ય કસરતનું પ્રમાણ પણ વધી જાય છે. લોકોને ગમે છે આ ઋતુમાં શરીરને કસવાનું. અડદીયા, ચવનપ્રાશ, શીંગ-તલની ચીકી જેવા હેલ્ધી ફુડ પણ ખુબ આરોગાય છે. એટલે લોકો ગડંદીયા જેવા રૂસ્ટપુષ્ટ બની જતા હોય છે. આમ શિયાળો સર્વરીતે રોગપ્રતિકારક શકિત વધારનારો પુરવાર થતો હોય કોરોનાનો કાંટો કાઢવા શિયાળા પર હવે મદાર રખાયો છે. આ બધા તર્ક વિતર્ક જો અને તો ઉપર ચાલી રહ્યા છે.  બીજુ થાય પણ શું? તબીબી જગત તો તેની રીતે પુરી મહેનત કરી રહેલ છે. છતાય ઋતુની અસર ઉપર પણ ધારણા રાખવામાં આવી રહી છે.

- મિતેષ આહીર

(11:42 am IST)