Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મગફળી રજીસ્ટ્રેશન : ૪૬ હજાર ખેડૂતોની રાજકોટ જિલ્લામાં નોંધણી : ઓપરેટર - તલાટી - ગ્રામસેવક : ખેડૂત મિત્ર દ્વારા કાર્યવાહી

આંકડો ૧ લાખ ઉપર પહોંચશે : આજથી ધસારો ઓછો થયો છે : જિલ્લામાં કોઇ ફરિયાદ નથી : DSO સાથે વાતચીત

રાજકોટ તા. ૫ : રાજકોટ શહેર - જિલ્લામાં માત્ર ૪ દિવસમાં ૪૬ હજાર ખેડૂતોનું મગફળી અંગે શાંતિપૂર્ણ રીતે રાજકોટ સહિત તમામ ૧૧ યાર્ડ અને ગામડાઓમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરી લેવાયું છે, તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પૂજા બાવડાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે આપણા જિલ્લામાં રજીસ્ટ્રેશનમાં કોઇ મુશ્કેલી નથી, ગ્રામ્ય લેવલે વીસીઇ ઓપરેટરો, ગ્રામસેવક, ખેડૂતમિત્ર, તલાટીઓ વિગેરેને લીંક અપાઇ હોય રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે, તમામ સ્થળે જે તે ડે.કલેકટરો - મામલતદારો દ્વારા ચેકીંગ પણ ચાલી રહ્યું છે. તેમણે જણાવેલ કે, અંદાજે ૧ લાખ આસપાસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થવાની શકયતા છે, ગયા વર્ષે ૮૮ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ, આ વખતે માત્ર ૪ દિ'માં ૫૦ ટકા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે, પરીણામે આજથી હવે યાર્ડ અને ગ્રામ્ય લેવલે ધસારો સંપૂર્ણ ઓછો થઇ જશે.

બાયો ડીઝલ એકમ ઉપર દરોડા અંગે તેમણે જણાવેલ કે, દરોડાની કાર્યવાહી ચાલુ જ રખાઇ છે, આપણે ૬ સ્થળે તપાસ કરી અને તેમાં સફળતા પણ મળી છે.

(2:51 pm IST)