Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

લાપાસરીમાં સરકારી ખરાબામાં ૧ હજાર ચો.મી. ઉપર દબાણ ખડકાયાઃ તાલુકા મામલતદાર દોડી ગયાઃ નોટીસો અપાઇ

નાકરાવાડી-સૂર્યા રામપરામાં ખેતી વિષયકના બે દબાણોઃ ર થી ૩ દિ'માં હટાવાશે... : કલેકટર સામે ઉધ્ધતાઇભર્યું વર્તન કરનાર લેભાગુ સામે લેન્ડગ્રેબીંગ કરવા કાર્યવાહી

રાજકોટ તા. ૬: રાજકોટ તાલુકા ક્ષેત્રમાં અનેક સ્થળે કરોડોની સરકારી જમીન ઉપર ઠેર-ઠેર દબાણો થઇ ગયા છે, તાલુકા મામલતદારનું તંત્ર શું કરે છે...તેવો પ્રશ્ન થઇ પડયો છે, દિવસ ઉગેને તાલુકા મામલતદારને દબાણ અંગેની ફરીયાદો મળે છે.

આજે વધુ આવી એક ફરીયાદ મળતા તાલુકા મામલતદાર કથિરિયાએ પોતાની ટીમ દોડાવી હતી, લાપાસરી સર્વે નં. ૩૦૧ પૈકી ૩/પૈકી-૧ ની કુલ ર૩૭પ ચો.મી. સરકારી ખરાબામાંથી ૧ હજાર ચો.મી. જમીન ઉપર બહાદુરસિંહ ભટ્ટી અને એના ભાઇએ બે અલગ-અલગ પ૦૦ ચો.મી. જગ્યા ઉપર આખા શેડ અને અન્ય રહેણાંકનું બાંધકામ બનાવી નાંખતા અને તેની ફરીયાદ તાલુકા મામલતદારને મળતા મામલતદારે તલાટીને દોડાવ્યા હતા, અને ઘટના સ્થળે આજે બાંધકામ ઉપર નોટીસ ફટકારી ૭ દિ'માં બાંધકામ હટાવી દેવા પાર્ટીને તાકિદ કરી છે, અન્યથા આવતા અઠવાડિયે દબાણ દૂર કરવા ઓપરેશન હાથ ધરાશે.

આ ઉપરાંત નાકરાવાડી-સૂર્યા રામપરામાં ગયા અઠવાડિયે ખેતી વિષયક બે દબાણ અંગે નોટીસો અપાઇ હતી, જે આગામી ર થી ૩ દિવસમાં દૂર કરાશે.

દરમિયાન ઉપરોકત નાકરાવાડી-સૂર્યારામપરામાં દબાણ અંગે કલેકટર સમક્ષ ઉધ્ધતાઇભર્યું વર્તન કરનાર એક લેભાગુ શખ્સ સામે કલેકટરે કડક પગલા લેવાની સુચના આપતા તેની સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા અંગે તંત્રે તૈયારીઓ કરી છે, આ શખ્સે સરકારી જમીન ઉપર દબાણ કર્યાનું ખુલ્યું છે, મુખ્યમંત્રીમાં પ્રશ્ન ગયો તો ત્યાંથી પણ આ પ્રશ્ન ઉડાવી દેવાયેલ, હવે કલેકટર કાર્યવાહી કરશે.

(4:23 pm IST)