Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

૪ દિવસમાં ૪ સ્થળે હાથફેરોઃ સગીરને ભકિતનગર પોલીસે પકડી ભેદ ઉકેલ્યો

સીસીટીવીમાં દેખાયલો ટેણીયો હુડકો ચોકડીએ આવ્યાની બાતમી પરથી પકડીલેવાયોઃ ૬૩ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૬: શહેરના કોઠારીયાર રોડ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે કલરની દૂકાન, મસાલા માર્કેટમાં અને મેડિકલ સ્ટોરમાં તેમજ ગોંડલ રોડ પર પતરાના કારખાનામાં મળી ચાર દિવસમાં ચાર સ્થળે ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ ભકિતનગર પોલીસે ઉકેલી એક સગીરને પકડી લઇ રૃા. ૬૩૦૦૦ની રોકડ કબ્જે લીધી છે.

ચોરીની ઘટનાઓ જાહેર થઇ હોઇ ભકિતનગર પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. જેમાં એક ટાબરીયો બધી જગ્યાએ ચોરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું. ફૂટેજમાં દેખાયેલો ટેણીયો હુડકો ચોકડીએ પાનના ગલ્લે આવતો જતો રહે છે તેવી બાતમી કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલ, અરવિંદ ફતેપરા અને રાજદિપસિંહ જાડેજા તથા કરણ કોઠીવાલને મળતાં વોચ રાખી તેને પકડી લેવાયો હતો. તેની પાસેથી રૃા. ૬૩ હજાર રોકડા મળતાં આ બાબતે પુછતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. એ પછી તેણે ચોરીઓની કબુલાત આપી હતી.

ભકિતનગરમાં ચોરીના બે ગુના નોંધાયા હતાં તે ડિટેકટ થયા છે. આ ટેણીયો અગાઉ પણ ભકિતનગર, આજીડેમ, બનાસકાંઠા, માલવીયાનગર, આજીડેમ પોલીસમાં ચોરી, લૂંટના મળી પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએઅસાઇ એચ. એન. રાયજાદા, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, સંજયભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(4:21 pm IST)