Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મનપા સંચાલિત હાઇસ્‍કુલોમાં તેજસ્‍વીતાનું તેજ વધ્‍યુ

૭૬.૭૮ થી ૧૮.૧૮ ટકા ધો.૧૦નું પરિણામ : સરોજીની નાયડુ હાઇસ્‍કુલ સૌથી શ્રેષ્‍ઠ સાબિત થઇ : ૨૦૧૬માં ૦% પરિણામ લાવનાર એકનાથ સ્‍કુલનું ૫૮ ટકા રિઝલ્‍ટ

રાજકોટ તા. ૬ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું આજે સવારે ૮ કલાકે પરિણામ જાહેર થયું છે. ધો. ૧૦નું પરિણામ ૬૫.૧૮% આવ્‍યું છે ત્‍યારે મનપા સંચાલીત છ હાઇસ્‍કુલનું પરિણામ ૭૬.૭૮%થી ૧૮.૧૮% સુધી આવ્‍યું છે. જેમાં સૌથી વધુ સરોજીની નાયડુ હાઇસ્‍કુલનું ૭૬.૭૮% રિઝલ્‍ટ આવ્‍યું છે.
આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ આજે સવારે ધો. ૧૦નું પરિણામ જાહેર થયું હતું ત્‍યારે મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત હાઇસ્‍કુલોનું વર્ષ ૨૦૨૦ કરતા પરિણામ આ વર્ષે ઉંચુ આવ્‍યું છે. ૬ હાઇસ્‍કુલોના પરિણામો તરફ નજર કરીએ તો પી એન્‍ડ ટી.વી. શેઠ હાઇસ્‍કુલનું ૨૪.૩૯%, સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલનું ૭૬.૭૮%, એકનાથ રાનડે હાઇસ્‍કુલનું ૫૮.૦૬%, મહારાણી લક્ષ્મી કન્‍યા વિદ્યાલયનું ૫૦%, મુરલીધર વિદ્યા મંદિરનું ૨૭.૫૮% તથા વિર સાવરકર વિદ્યાલયનું ૧૮.૧૮% પરિણામ આવ્‍યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં એકનાથ રાનડે વિદ્યાલયનું ધો. ૧૦નું ૦% રિઝલ્‍ટ આવ્‍યું હતું. ત્‍યારે બાદ ઉત્તરોતર પરિણામમાં સુધારો જોવા મળ્‍યો છે. ૨૦૧૯માં ૩૧.૨૦%, ૨૦૨૦માં ૨૫.૭૧% તથા આ વર્ષે ૫૮.૦૬% ઝળહળતું પરિણામ આવ્‍યું છે.
મનપા સંચાલિત હાઇસ્‍કુલોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે પાઠય પુસ્‍તકો, સ્‍કુલ બેગ, ગણવેશ, બુટ-મોજા આપવામાં આવે છે.

 

(4:15 pm IST)