Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કલકત્તામાં હત્યાકાંડ રચાયા ત્યારે ગાંધીજીએ અમરણાંત ઉપવાસ જાહેર કરતાં કહ્યું કે 'કાં તો કલકત્તામાં શાંતિ જળવાશે અથવા હું મારો દેહ પાડીશ'

આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ ઃ દિલ્હીમાં તા. ૧૫/૦૮/૧૯૪૭નાં રોજ 'ઇન્ડિયા ગેટ' પાસે ધ્વજવંદન થયું. પાંચ લાખ લોકોએ સેલ્યુટ કરેલ ઃ સી. રાજગોપાલચારીએ ગાંધીજીને કહ્યું હતું 'શું ગુંડાઓ સામે કોઈ ઉપવાસ કઈ રીતે કરી શકે?' ગાંધીજીએ જવાબ આપ્યો કે 'એ ગુંડાઓની પાછળ જે લોકો છે, તેમનાં હૃદય સુધી મારે પહોંચવું છે' ઃ બાપુ, જો તમારો દેહાંત થશે, તો જે આગ તમે હોલવવા માંગો છો તે દાવાનળ બની જશે. ગાંધીજીએ જવાબ આપ્યો કે એ જોવા હું જીવતો તો નહિ હોઉં ને? ઃપ્રજા પ્લાસીનું યુદ્ધ ભૂલી ગઈ, ૧૮૫૭ પછીનો દમન વિસરી ગઈ, અમૃતસરનો હત્યાકાંડ ભૂલી ગઈ, લાઠીચાર્જ, સ્વાતંત્ર્ય સેનાનીઓની ફાંસી ભૂલી ગઈ

તા. ૧૫/૦૮/૧૯૪૭ નાં રોજ નવી દિલ્હીમાં માનવ મહેરણ ઉમટ્યો હતો. સાંજે ૫ વાગ્યે ધ્વજવંદન વિધિ યોજાઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલ ૯૦,૦૦૦ હિંદવાસીઓનાં સ્મારક તરીકે રચાયેલા 'ઇન્ડિયા ગેટ' પાસે સમુદાય એકઠો થયો હતો.

લોર્ડ માઉન્ટબેટન પાકિસ્તાનથી પરત આવી ગયેલ. વાઈસરોયનાં સલાહકારોની ગણતરી મુજબ ૪૦,૦૦૦ લોકો હાજરી આપશે પણ દિલ્હીનાં ૫ લાખ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા. માઉન્ટબેટન લોકોનાં સમુદાય જોઇને ચિંતામાં મુકાયા અને તત્કાલિન સમયે 'ધ્વજવંદન' વખતે જે વિધિઓ અને શિષ્ટાચાર કરવા અંગે વિચારેલ તે થઈ શકવું મુશ્કેલ હતું.

માઉન્ટબેટને તરત જ જાહેરાત કરી કે 'રાષ્ટ્રધ્વજ ફરકાવી દો.' લોકો હર્ષનાદો કરવા લાગ્યા. પ્લાસીનું યુદ્ધ ભૂલી ગયા, ૧૮૫૭ પછીનાં દમન વિસરી ગયા, અમૃતસરનો હત્યાકાંડ ભૂલી ગયા, માર્શલ-લો થી થયેલ લાઠીચાર્જ, સ્વાતંત્ર્ય સેનાનીઓને થયેલ 'ફાંસી' ભૂલી ગયા, ત્રણ સદીઓની મુશ્કેલીઓ ભૂલાઈ ગઈ. નહેરૃ, સરદાર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હિંદની તવારિખમાં અંગ્રેજોએ ન સાંભળ્યો હોય તેવો વિરાટ અવાજ સંભળાતો હતો.

હિંદ અને પાકિસ્તાનમાં 'ધ્વજવંદન' તો થયું પણ તત્કાલિન સમયે કોઈને ખબર ન્હોતી કે ક્યો વિસ્તાર હિંદમાં રહે છે અને ક્યો વિસ્તાર પાકિસ્તાનમાં રહે છે. બ્રિટનનાં સર સિરિલ રેડ્કલીફે જે ભાગલા અંગે રિપોર્ટ માઉન્ટબેટનને આપ્યો હતો તે તા. ૧૫/૦૮/૧૯૪૭ નાં રોજ ધ્વજવંદન બાદ ભારતનાં વડાપ્રધાન નહેરૃ અને પાકિસ્તાનનાં વડાપ્રધાન લિયાકતઅલી ખાનને આપ્યો અને બંને અલગ રૃમમાં જઈને વાંચવા લાગ્યા અને જેવા બંને બહાર આવ્યા ત્યારે બંનેએ ગુસ્સાથી તે રિપોર્ટનો વિરોધ કર્યો. રેડકલીફનો અહેવાલ પ્રસિદ્ધ થતાંની સાથે જ દેશમાં ભયાનક પરિણામો આવે તેવા બિહામણા દ્રશ્યનો પ્રારંભ થઈ ગયો.

ગાંધીજી દિલ્હીમાં ન રહેતાં કલકત્તા પહોંચ્યા હતા અને તા. ૧૭/૦૮/૧૯૪૭ નાં રોજ કલકત્તાનાં વિશાળ મેદાનમાં હિંદુ-મુસલમાનનો મેળો જામ્યો હતો. ગાંધીજી પ્રાર્થનાસભાની વ્યાસપીઠ પર પહોંચ્યા ત્યારે ઉપસ્થિત મેદનીએ તેમનું સ્વાગત કર્યું. ૧૦ લાખ લોકો એકત્રિત થયા હતા.

જો કે, ત્યારબાદ પાકિસ્તાન અને હિંદમાં જે 'હત્યાકાંડો' રચાયા તેની અસર તા. ૩૧/૦૮/૧૯૪૭ નાં રોજ કલકત્તા સુધી પહોંચી અને કલકત્તામાં ખુનામરકી ચાલુ થઈ. ગાંધીજી કલકત્તામાં હતા. ૭૮ વર્ષનાં નેતાએ શરીરનું બલિદાન આપવાનો નિર્ણય કર્યો અને આમરણાંત ઉપવાસ શરૃ કર્યા. ગાંધીજીએ ૧૬ વખત નાના અને મોટા ઉપવાસો કર્યા હતા. બે વખત તેમનાં ઉપવાસો એકવીસ-એકવીસ દિવસ ચાલ્યા હતા. આ વખતે દેશબાંધવોનાં 'ગાંડપણ' સામે તેમણે ઉપવાસ શરૃ કર્યા. કલકત્તાની પ્રજા વતી પોતાનું આત્મસમર્પણ કરવા કટિબદ્ધ બન્યા. ગાંધીજીએ જાણ કરી કે તેમનાં ઉપવાસ આજથી ચાલુ થાય છે, કાં તો કલકત્તામાં શાંતિ જળવાશે અથવા તો હું દેહ પાડીશ. આ વખતે પોતાનાં દેશબાંધવોનાં ગાંડપણ સામે ઉપવાસ કરી રહ્યા હતા. કલકત્તાની -જા વતી પોતાનું આત્મસમર્પણ કરવા ગાંધીજી કટિબદ્ધ થયા હતા.

બંગાળનાં પ્રથમ ગવર્નર બનનારા સી. રાજગોપાલચારીએ ગાંધીજીને કહ્યું હતું 'શું ગુંડાઓ સામે કોઈ ઉપવાસ કઈ રીતે કરી શકે?' ગાંધીજીએ જવાબ આપ્યો કે 'એ ગુંડાઓની પાછળ જે લોકો છે, તેમનાં હૃદય સુધી મારે પહોંચવું છે.સી. રાજગોપાલચારીએ કહ્યું 'બાપુ, જો તમારો દેહાંત થશે, તો જે આગ તમે હોલવવા માંગો છો તે દાવાનળ બની જશે.' ગાંધીજીએ જવાબ આપ્યો કે 'એ જોવા હું જીવતો તો નહિ હોઉં ને?'

કલકત્તા તથા દેશનાં અન્ય ભાગોમાં લોકો ચિંતીત થયા. હિંસાનો રોગચાળો ફેલાયો હતો તે તરત બંધ થાય તેમ ન્હોતું. ગાંધીજી ૭૮ વર્ષનાં હતા એટલે ત્રીજા દિવસે તબિયત બગાડવા લાગી અને લોકો ગાંધીજીની વાતને સ્વીકારવા લાગ્યા. હિંદુ અને મુસલમાનોનાં મિશ્ર સરઘસો ગાંધીજીની સમક્ષ પહોંચ્યા. તા. ૦૪/૦૯/૧૯૪૭ થી પ્રજાએ શાંતિ માટેની બાંહેધરી આપતાં ગાંધીજીએ ઉપવાસ છોડ્યા અને કહ્યું કે 'કલકત્તા સમગ્ર દેશની શાંતિની ચાવી ધરાવે છે. અહી કોઇપણ દુર્ઘટના આખા દેશને આગમાં ધરબી દેશે. આખો દેશ પણ કદાચ રમખાણોમાં ગર્ત થઇ જાય તો પણ કલકત્તા આગથી અલિપ્ત રહે તે તમારે સૌએ જોવું પડશે.'

(3:21 pm IST)