Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

તારા બૂલેટના અવાજથી અમારા છોકરા જાગી ગયા...કહેતાં જીતેન્‍દ્ર પર હુમલો

નાના મવા આંબેડકરનગરમાં બનાવઃ સાગર, ભુરો સહિતે ધોકા પાઇપના ઘા ફટકાર્યા

રાજકોટ તા. ૬: નાના મવા આંબેડકરનગરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં જીતેન્‍દ્ર નારણભાઇ પરમાર (ઉ.૨૯) પર રાત્રે સાડા અગિયારેક વાગ્‍યે ઘર નજીક સાગર ગોહેલ, સમીર ઉર્ફ ભુરો સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
જીતેન્‍દ્રના કહેવા મુજબ રાતે સાગર તેનું બૂલેટ હંકારીને નીકળતાં તેના સાયલેન્‍સરમાં ફાયરીંગના અવાજ આવતાં હોઇ પોતાના બાળકો આ અવાજને કારણે જાગી ગયા હતાં. આથી સાગરને ઘર નજીક રાત્રીના સમયે ધીમેથી બૂલેટ હંકારવાનું કહેતાં તેના સહિતે ઝઘડો કરી હુમલો કર્યો હતો.
સોરઠીયા પ્‍લોટમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં હર્ષદ સરવૈયા પર હુમલો
બીજા બનાવમાં સોરઠીયા પ્‍લોટ-૨ જીલ્લા ગાર્ડન પાસે રહેતાં હર્ષદ રણમલભાઇ સરવૈયા (ઉ.૨૮)ને રાતે બે વાગ્‍યે ઘર પાસે  હતો ત્‍યારે રઘો અને અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કરી છરીથી પેટ, હાથમાં ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનને જાણ કરાઇ હતી. હર્ષદના કહેવા મુજબ અજાણ્‍યા શખ્‍સો ઘર પાસે ગાળો બોલતાં હોઇ દૂર જવાનું કહેતાં હુમલો કર્યો હતો.

 

(1:08 pm IST)