Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

એમણે સતત ડોરબેલ વગાડી મને જગાડી દીધો એટલે ગુસ્‍સો આવતાં ઢાળી દીધાઃ અભય ઉર્ફ મોન્‍ટુની કબુલાત

૭૦ વર્ષિય કિરીટભાઇ શાહ શનિવારે મોન્‍ટુના ઘરે આવ્‍યા ત્‍યારે તે સુતો હોઇ સતત બેલ વગાડતાં મોન્‍ટુને ગુસ્‍સો ચડતાં પાવડાના હાથાથી તૂટી પડયો'તોઃ ગાંધીગ્રામ પોલીસે દબોચ્‍યો : નાગેશ્વર વિસ્‍તારમાં હત્‍યાઃ જેની સાથે બેસી ધાર્મિક પુસ્‍તકો વાંચતો એની જ હત્‍યા કરી નાંખીઃ મોન્‍ટુએ ૨૦૧૨માં એક હત્‍યા કરી હતીઃ છ વર્ષ જેલમાં રહ્યો હતોઃ પાંચ વર્ષથી બહાર આવ્‍યો પછી કામધંધો કરતો નહિ, મોટે ભાગે સુવાનું જ કામ કરતો!

રાજકોટ તા. ૬: શહેરના જામનગર રોડ પર નાગેશ્વરના સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટમાં રહેતા વણિક વૃધ્‍ધ કિરીટભાઇ કૃષ્‍ણકાંતભાઇ શાહ (ઉ.વ.૭૦) પર શનિવારે પડોશમાં રહેતાં તેના જ યુવાન વયના મિત્ર એવા અભય ઉર્ફ મોન્‍ટુ હર્ષદભાઇ વ્‍યાસે પાવડાના હાથાથી હુમલો કરી માથા-પગે ઘા ફટકારતાં ગંભીર ઇજા થતાં સિવિલમાં અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ગત સાંજે આ વૃધ્‍ધે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો. ગાંધીગ્રામ પોલીસે આરોપી અભય ઉર્ફ મોન્‍ટુને ઝડપી લઇ કારણ પુછતાં તેણે કહ્યું હતું કે-હું ઉંઘી રહ્યો હતો ત્‍યારે કિરીટભાઇએ સતત ડોરબેલ વગાડી મને જગાડી દેતાં ગુસ્‍સો આવતાં તેના પર હુમલો કરી દીધો હતો! પોલીસે તેની ધરપકડ કરી પાવડાનો હાથો કબ્‍જે કર્યો છે. આ શખ્‍સ અગાઉ પણ એક હત્‍યા કરી ચુક્‍યો હતો.
આ બનાવમાં પોલીસે હુમલામાં ઘાયલ થયેલા કિરીટભાઇ શાહ-વૈષ્‍ણવ વાણીયા (ઉ.વ.૭૦)ના પુત્ર વિશાલભાઈ શાહ (ઉ.વ.૩૮, રહે.૨૦૩-એજિંગ સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટ જૈન ભોજનાલય પાસે, પટેલ ચોકની પાસે, નાગેશ્વર જામનગર રોડ)ની ફરિયાદ પરથી અભય ઉર્ફે મોન્‍ટુ હર્ષદભાઇ વ્‍યાસ રહે.નાગેશ્વર રાજકોટ વિરૂદ્ધ ૩૦૭ તથા જી.પી.એક્‍ટ કલમ.૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો. સારવાર દરમિયાન કિરીટભાઇએ દમ તોડી દેતાં હત્‍યાની કલમનો ઉમેરો કરાયો હતો.
હત્‍યાનો ભોગ બનેલા કિરીટભાઇ શાહ નિવૃત જીવન જીવતાં હતાં. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. કિરીટભાઇ બેભાન હાલતમાં જ મૃત્‍યુ પામ્‍યા હોઇ તેમનું નિવેદન લઇ શકાયુ નહોતું. પુત્ર વિશાલભાઇએ આ હુમલો શા માટે થયો? તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. આરોપી અભય ઉર્ફ મોન્‍ટુની પુછતાછ થતાં પ્રારંભે તેણે એવું રટણ કર્યુ હતું કે કિરીટભાઇ સત્‍સંગની વાતો કરતાં હોઇ તે ન ગમતાં તેણે હુમલો કર્યો હતો. વિશેષ પુછતાછ થતાં તેણે કબુલ્‍યું હતું કે હું અને કિરીટભાઇ મિત્રો હતાં. અવાર નવાર સાથે બેસી ધાર્મિક પુસ્‍તકો વાંચતા અને તે સત્‍સંગની વાતો કરતાં હતાં. શનિવારે પોતે ગાઢ ઉંંઘમાં હતાં ત્‍યારે કિરીટભાઇ આવ્‍યા હતાં અને સતત ડોરબેલ વગાડી હતી. તે કદાચ ધાર્મિક પુસ્‍તક વાંચવા જ આવ્‍યા હશે. સતત તેણે ડોરબેલ વગાડતાં મારી ઉંઘ બગડી હતી અને હું જાગી જતાં મને ગુસ્‍સો આવતાં હું પાવડાનો હાથો લઇને દોડયો હતો અને કિરીટભાઇને ઘા ફટકારી દીધા હતાં.  
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી.એમ.હડિયા, પીએસઆઇ જે.જી.રાણા, હીરાભાઈ રબારી, ખોડુભા જાડેજા સહિતે આરોપીને પકડી પાવડાનો હાથો પણ કબ્‍જે લીધો છે.ં ૨૦૧૨માં પણ અભય ઉર્ફ મોન્‍ટુ વ્‍યાસે હત્‍યા કરતાં માલવીયાનગર પોલીસે પકડયો હતો. એ ગુનામાં છએક વર્ષ જેલમાં હતો. પાંચેક વર્ષથી તે બહાર આવ્‍યો હતો. તે તેની માતા સાથે રહેતો હતો. પોલીસને જાણવા મળ્‍યું હતું કે અભય જેલમાંથી આવ્‍યા પછી કંઇ કામ ધંધો કરતો નહિ, મોટે ભાગે સુતો જ રહેતો હતો. ક્‍યારેક ક્‍યારેક પડોશી કિરીટભાઇ સાથે ધાર્મિક પુસ્‍તકો વાંચતો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે. હત્‍યાની ઘટનાથી વણિક પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

 

(1:05 pm IST)