Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પ્રમુખમાર્ગ : ચાલો આપણે સમજીએ

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

ભક્‍તરાજ તુકારામ મહારાજ તેઓના ગામથી બીજે ગામ કીર્તનભક્‍તિ કરવા ગયા હતા. કીર્તનશ્રવણથી રાજી થઈને તે ગામના લોકોએ તેમને શેરડીનો એક ભારો ભેટ આપ્‍યો. શેરડીના ભારા સાથે ભક્‍તરાજે ગામમાં પ્રવેશ કર્યો ત્‍યારે નાના છોકરા તેમને વળગી પડ્‍યા અને ‘ભગત, પ્રસાદ, પ્રસાદ...' કહેતા શેરડી માંગવા લાગ્‍યા. તુકારામ મહારાજ જે માંગે તેને એક શેરડીનો સાંઠો આપતા ગયા. આમ શેરડી વહેંચતાં વહેંચતાં તુકારામ મહારાજ પોતાના ઘરે પહોંચ્‍યા ત્‍યારે એક જ સાંઠો બાકી રહ્યો હતો. તેમની પત્‍નીને તે માહિતી મળી હતી કે ભક્‍તરાજને આજે શેરડીનો ભારો ભેટમાં મળ્‍યો છે. ઘણી શેરડીનો મધુર રસ માણવાનો આજે આનંદ આવશે તેના વિચારમાં તે બેઠી હતી. પરંતુ તુકારામ મહારાજને જયારે એક જ સાંઠા સાથે જોયા ત્‍યારે તે ગુસ્‍સે થઈ ગઈ. ગામના છોકરાઓને શેરડી વહેંચી તે તેને જરાય ગમ્‍યું નહોતું. તેનો સ્‍વભાવ ગુસ્‍સાવાળો હતો. તુકારામ મહારાજે જયારે તેને વધેલો શેરડીનો સાંઠો આપ્‍યો ત્‍યારે ગુસ્‍સામાં ભાન ભૂલી તેણે તે સાંઠો લઈ ભક્‍તરાજના પીઠ પર ફટકાર્યો. સાંઠો એટલો જોરથી ફટકાર્યો'તો કે તેના બે ટૂકડા થઈ ગયા. આવા પ્રસંગે તુકારામ મહારાજે શાંત ચિત્તે જમીન પર પડેલા તે બે ટૂકડા હાથમાં લઈ કહ્યું, ‘તું કેટલી ડાહી છે, કે તે બે ટૂકડા કરી આપ્‍યા! લે એક ટૂકડો તું ખા અને બીજો ટૂકડો હું ખાઈશ.'
 ગમે તેવો માણસ ધીરજ ખોઈ ગુસ્‍સે થઈ જાય, તેવી પરિસ્‍થિતિમાં તુકારામ શાંત રહી શક્‍યા. કારણ કે તેઓ તેમના પત્‍નીની ગુસ્‍સે થવાની પ્રકૃતિ જાણતા હતા અને તેને અનુકૂળ થવા ટેવાયેલા હતા. પ્રકૃતિ ઓળખી અનુકૂળ થવાની વાત પ્રમુખસ્‍વામી મહારાજ ઘણીવાર કરતા અને પોતે પણ તે મુજબ કાયમ વર્તતા હતા.
એક વખત પ્રમુખસ્‍વામી મહારાજ ગોંડલમાં અલ્‍પાહાર લઈ રહ્યા હતા. તેઓ જમતા હોય કે વોકીંગ કરતા હોય, ગમે તે ક્રિયા કરતા હોય પણ તેમની પાસે કાયમ સદ્‍પ્રવાંચન થતું જ હોય. આજે અલ્‍પાહાર દરમ્‍યાન ‘સ્‍વામિનારાયણ પ્રકાશ' માસિકનું વાંચન ચાલી રહ્યું હતું. તેમાં ‘પોલીસ' શબ્‍દ આવ્‍યો. વાચક ‘સ'ને બદલે ‘શ' બોલતા જ ટેવાયેલા. તેથી શ્નપોલીસઙ્ખના સ્‍થાને તેઓએ ‘પોલીશ' એમ વાંચન કર્યું. આ સાંભળતા જ કેટલાક હસ્‍યા અને એકે તો ભૂલ સુધારવા ટકોર પણ કરી. તેમ છતાં વાચકે બીજીવાર ફરી એ જ ભૂલ કરી, ફરી ટકોર થઈ. છતાં ત્રીજીવાર પણ વાચકે ફરી એ જ ભૂલ કરી ત્‍યારે સૌ હસી પડ્‍યા. તે સમયે અલ્‍પાહાર કરી રહેલા પ્રમુખસ્‍વામી મહારાજ ધીરે રહીને બોલ્‍યા, ‘એક વખત આપણે જાણી લીધું કે આ વ્‍યક્‍તિની આ મર્યાદા છે. પછી આપણે તેને એકઝેસ્‍ટ, અનુકૂળ થઈ જવું.'
અલ્‍પાહાર લેતા સામાન્‍ય રીતે પ્રમુખસ્‍વામી મહારાજે કરેલું આ સૂચન મેનેજમેન્‍ટના મુખ્‍ય સિદ્ધાંતોમાં વણી લેવા જેવું છે. સરળજીવનના ઊંડા અનુભવ વિના આ વિચાર આવી જ ન શકે.
પ્રમુખસ્‍વામી મહારાજની વિશેષતા હતી સરળતા. તેઓ કાયમ સામેવાળાની પ્રકૃતિને અનુકૂળ થઈ જતા. એક વખત તેઓ આણંદમાં પધરામણીએ ઘરો ઘર ફરતા હતા. એક ભાઈના ઘરે તેઓ પહોંચ્‍યા ત્‍યારે તે ભાઈ ત્‍યાં હાજર નહોતા. પૂછતા ખ્‍યાલ આવ્‍યો કે તેમના ઘરે પધારતા પ્રમુખસ્‍વામી મહારાજને સહેજ મોડું થતા તેમની ધીરજ ખૂટી અને અધીરિયા તેઓ તેમને શહેરમાં શોધવા નીકળી પડ્‍યા હતા. પ્રમુખસ્‍વામી મહારાજે તો તેમના નવા ઘરમાં ખૂણે ખૂણે ફરી ઠાકોરજીના પ્રાસાદિક પુષ્‍પો પધરાવ્‍યા. આમ ઘણા ઘરોમાં પધરામણી કરી બપોરના લગભગ એક વાગ્‍યા પછી તેઓ જમવા બેઠા. ભગવાન સ્‍વામિનારાયણની આજ્ઞા મુજબ સ્‍વામિનારાયણીય સંતો લાકડાના પાત્રમાં (પત્તરમાં) જ ભોજન લે છે. તે મુજબ પ્રમુખસ્‍વામી મહારાજની સામે પત્તર પણ મૂકાઈ ગયું. ભોજન સામગ્રી પત્તરમાં લેવાનો પ્રારંભ જ થતો હતો અને પેલા ભાઈ ત્‍યાં આવી ચડ્‍યા. પ્રમુખસ્‍વામી મહારાજને તેમણે પોતાના ઘરે પધારવા વિનંતી કરી. સંતોએ જણાવ્‍યું કે તમે હાજર નહોતા પણ પ્રમુખસ્‍વામી મહારાજે તમારા ઘરના એક એક ખૂણાને પ્રસાદીભૂત કર્યો છે. તે સમયે પેલા ભાઈએ દલીલ કરી કે, ‘પણ હું ઘરે નહોતો ને...' ‘તમે હાજર હતા કે નહીં પણ તમે જે ઇચ્‍છતા હતા તે પધરામણી તો થઈ ગઈ ને...' પણ પેલા ભાઈ તે જ વાત દોહરાવવા લાગ્‍યા. તે સમયે પેલા હરિભક્‍તની પ્રકૃતિ ઓળખતા પ્રમુખસ્‍વામી મહારાજે કહ્યું, ‘તેઓ નહીં સમજી શકે. ચાલો, આપણે સમજીએ.' તેમ કહી પીરસાયેલા ભાણાંને ઠેલી તેઓ તે હરિભક્‍તને ઘરે બીજીવાર પધરામણી કરી આવ્‍યા.
 પ્રમુખસ્‍વામી મહારાજના જીવનમાં આવા સેંકડો પ્રસંગો બન્‍યા છે. અન્‍યને અનુકૂળ થવાની પ્રકૃતિથી ઘણીવાર તેઓના ભોજન કે આરામના સમય સચવાયા નથી. વિચરણમાં ઘણીવાર કાળજાળ ગરમી, સખત ઠંડી, કે વરસાદની ધારા સહન કરવાની થઈ છે. પરંતુ આ મુશ્‍કેલીમાં અનુકૂળ થઈ તેઓ સૌને રાજી કર્યાનો આનંદ માણતા.
વ્‍યક્‍તિ આગ્રહી હોય કે બીકણ, ગુસ્‍સાવાળી હોય કે વધુ પડતી શાંત, અનુભવી હોય કે બિનઅનુભવી, ઓછું ભણેલી હોય કે વિશેષ ભણેલી, શહેરની હોય કે ગામડાંની, તેઓ કોઈની પણ પાસેથી કામ લઈ શકતા, કોઈની પણ સાથે મનમેળ રાખી શકતા. તેઓ સૌને પ્રોત્‍સાહિત કરી શકતા, સૌને રાજી કરી શકતા. તેનું એક રહસ્‍ય તેઓની પ્રકૃતિ જાણી અનુકૂળ થવાની જીવનશૈલી હતી. આ શૈલીથી તેઓ કાયમ સફળ થઈ રહ્યા.
સફળતાના આ પ્રમુખમાર્ગે પ્રયાણ કરી આપણે પણ જીવનસાફલ્‍યને અનુભવીએ
 - સાધુ નારાયણમુનિદાસ

 

(1:03 pm IST)